મોબ લિંચિંગઃ સુપ્રીમ કોર્ટે પૂછ્યું, અમારા આદેશનું પાલન થાય છે કે નહીં?

સુપ્રીમ કોર્ટની ઈમારતની તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સોમવારે સવાલ કર્યો હતો કે ગાયના નામે હિંસા તથા ભીડ દ્વારા લોકોની હત્યા(મોબ લિંચિંગ)ની ઘટના બાબતે અમે અગાઉ આપેલા આદેશોનું પાલન કર્યું કે નહીં?

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે આવી ઘટનાઓમાં સંડોવાયેલા લોકોને ખબર પડવી જોઈએ કે તેમણે 'કાયદાના કોપ'નો સામનો કરવો પડશે.

વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે નોંધ્યું હતું કે મિઝોરમ, તેલંગાણા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને દિલ્હી સહિતનાં આઠ રાજ્યોએ સુપ્રીમ કોર્ટના આદેશના અમલ બાબતે રિપોર્ટ ફાઇલ કરવાના બાકી છે.

સુપ્રીમ કોર્ટે 17 જુલાઈના એક ચુકાદામાં મોબ લિંચિંગ તથા ગાયના મુદ્દે હિંસા સંબંધે આદેશ આપ્યા હતા.

વડા ન્યાયમૂર્તિ ઉપરાંત સુપ્રીમ કોર્ટની ખંડપીઠમાં જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ પણ સામેલ છે.

ખંડપીઠે કહ્યું હતું, "ભીડ દ્વારા હિંસા અને કાયદો હાથમાં લઈને તમે કાયદાના પ્રકોપને આમંત્રણ આપી રહ્યા છો એ વાતનો અહેસાસ લોકોને થવો જોઈએ."

ખંડપીઠે આઠ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને ત્રણ દિવસની મુદ્દત આપીને સોગંદનામાં દાખલ કરવા જણાવ્યું હતું.

કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે તહસીન પૂનાવાલાની જાહેર હિતની અરજીની સુનાવણીની તારીખ ખંડપીઠે બે સપ્તાહ બાદની નક્કી કરી છે.

line

"જાગૃતિ અભિયાન કેમ ન ચલાવ્યું?"

કથિત ગૌરક્ષકોનો ફાઈલ ફોટો

ઇમેજ સ્રોત, MANSI THAPLIYAL

ઇમેજ કૅપ્શન, કથિત ગૌરક્ષકો

ગાયના નામે હિંસા અને મોબ લિંચિંગના મુદ્દે ટીવી, રેડિયો સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રૉનિક માધ્યમોમાં જાગૃતિ અભિયાન ચલાવવાનો આદેશ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તથા તમામ રાજ્ય સરકારોને આપ્યો હતો.

આ આદેશના પાલન બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો.

એ અગાઉ કેન્દ્ર સરકારે આદેશના પાલન બાબતે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મોબ લિંચિંગ સંબંધી કાયદો બનાવવા માટે પ્રધાનોના એક સત્તાધારી જૂથની રચના કરવામાં આવી છે.

તહસીન પૂનાવાલાએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના રામગઢ જિલ્લાના લાલવંડી ગામમાં એક પશુપાલક ખેડૂત રકબર ખાન પર ગૌરક્ષકોએ હુમલો કર્યો તેના ત્રણ દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે વિગતવાર ચૂકાદો આપ્યો હતો.

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે હરિયાણાના રકબર ખાન તેમના દોસ્ત અસલમ સાથે કોલગાંવથી બે ગાય જંગલના માર્ગે લઈને આવી રહ્યા હતા ત્યારે લોકોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.

તેઓ તે ગાયને કતલ માટે લઈ જતા હોવાની શંકા ટોળાને હતી.

અસલમે ખેતરોમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો, પણ રકબર ખાનની ટોળાએ હત્યા કરી હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું હતું.

line

અદાલતની અવગણનાનો કેસ ચલાવવાની માગ

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

તહસીન પૂનાવાલાએ રાજસ્થાનના મુખ્ય સચિવ તથા પોલીસ વડા સામે અદાલતની અવગણના બદલ કેસ ચલાવવાની માગણી કરી હતી.

કારણ કે તેમણે મોબ લિંચિંગના મામલામાં સર્વોચ્ચ અદાલતના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનું તેઓ માને છે.

ભીડ દ્વારા હિંસા વિરુદ્ધના પોતાના ચૂકાદાનો વ્યાપક પ્રચાર કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યો હતો.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારે આ માહિતી તેની વેબસાઇટ પર પ્રકાશિત કરવી જોઈએ, જેથી લોકોને ખબર પડે.

સુપ્રીમ કોર્ટે 17 જુલાઈના તેના ચૂકાદામાં ભીડની હિંસાને 'મોબોક્રસી' ગણાવતાં જણાવ્યું હતું કે દેશના કાયદાને ખતમ કરવાની છૂટ આપી શકાય નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો