ગ્રાઉન્ડ રિપોર્ટ : મોબ લિંચિંગનો ભોગ બનેલા ફારુકના પરિવારની મનોવ્યથા

ફારુક ખાન

ઇમેજ સ્રોત, PRITAM ROY

ઇમેજ કૅપ્શન, ફારુક ખાન
    • લેેખક, ફૈસલ મહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા, થૌરોઈઝમ, મણીપુરથી.

કોણ હતા ફારુક ખાન? માતાનો લાડકો દીકરો, સફળતા તરફ ડગલાં ભરતો 26 વર્ષનો યુવાન,'બાઈક ચોર' કે પછી મણિપુરમાં લિંચિંગના લાંબા ઇતિહાસમાં ઉમેરાયેલું એક વધુ નામ!

પોલીસના જણાવ્યા મુજબ, ફારુક ખાનને પહેલાં કોઈ બંધ જગ્યામાં ત્રાસ આપવામાં આવ્યો હતો. પછી તેમના પર સ્કૂટરની ચોરીનો આરોપ મૂકનારા લોકોનું ટોળું તેમને ગામના ફૂટબૉલ મેદાનમાં લઈ ગઈ હતું, જ્યાં ઢોરમાર મારીને તેમની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાના પાંચ આરોપીઓની રિમાન્ડ માટે પોલીસે બુધવારે અદાલતમાં કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેના વડે ફારુકની હત્યા કરવામાં આવી હતી તે પથ્થરના ટુકડા તથા લાકડીઓ જપ્ત કરવામાં આવી છે.

આ ઘટના થૌરોઈઝમ ગામમાં બની હતી. અત્યંત ખરાબ રીતે સળગાવી દેવામાં આવેલી, પશ્ચિમ બંગાળની નંબર પ્લેટ ધરાવતી એક કાર પણ પોલીસે થૌરોઈઝમમાંથી જપ્ત કરી હતી.

આરોપીઓના જણાવ્યા અનુસાર, ગામમાં ધમાલ થયા બાદ ફારુક અને તેમના બે સાથીઓએ એ કારમાં બેસીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમને પકડી પાડવામાં ગામનાં લોકો સફળ થયા હતા.

આ કેસની તપાસ કરી રહેલી ટીમના વડા અને ઍડિશનલ પોલીસ કમિશનર એસ. હેમંતાએ બીબીસીને જણાવ્યું હતું કે મણિપુર પોલીસ એ કાર કોની છે તે જાણવાનો પ્રયાસ પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી કરી રહી છે.

line

"ફારુક પાસે કાર ન હતી"

ફારુક ખાનનાં માતા રહમજાન

ઇમેજ સ્રોત, PRITAM ROY

ઇમેજ કૅપ્શન, ફારુક ખાનનાં માતા રહમજાન

ફારુકના કાકા મુજિબુર્રહમાને કહ્યું હતું, "ફારુકે તાજેતરમાં જ રેસ્ટરૉ શરૂ કરી હતી. તેની સાથે ફૂડ પૅકેજિંગનો બિઝનેસ પણ શરૂ કર્યો હતો, પણ તેની પાસે કોઈ કાર ન હતી."

"એ બહાર રહેવા ઇચ્છતો હતો, પણ પિતા બહુ બીમાર છે એમ કહીને મેં તેને રોકી રાખ્યો હતો. "આટલું કહેતાં ફારુકનાં માતા રહમજાનના હોઠ કંપવા લાગે છે.

હાથ તેમને ચહેરા ભણી જાય છે અને અધૂરું વાક્ય હિબકાંમાં પૂરું થઈ જાય છે.

રેસ્ટરૉ ચલાવતા ફારુક માટે રાતે મોડા ઘરે આવવું એ કોઈ અસાધારણ વાત ન હતી. 12 સપ્ટેમ્બરે પણ એવું જ થયું હતું.

બીમાર અને વૃદ્ધ માતા-પિતા રાતે ઊંઘી ગયાં હતાં, પણ ફારુકની ઘટનાના અલગઅલગ વીડિયો સવારથી જ વૉટ્સઍપ પર ફરવા લાગ્યા હતા.

તેથી ગભરાયેલો ભાઈ ફરહાન ફારુક તથા તેના મિત્રોને ફોન કરવા લાગ્યો હતો.

એ દરમ્યાન ફારુકના મોબાઇલ પરથી ફોન કરીને પોલીસે તેમને જણાવ્યું હતું કે તેમના ભાઈને અકસ્માત થયો છે અને તે ઈમ્ફાલ મેડિકલ કૉલેજ પર જલદી પહોંચે.

કૃષિ વિભાગમાં કામ કરતા ફરહાન અહમદે કહ્યું, "હું ત્યાં પહોંચ્યો ત્યારે ગઈ કાલ સુધી મારો જે ભાઈ જીવતો હતો તે શબઘરમાં મૃત પડ્યો હતો."

પોલીસે ફારુકના શરીરનો કબજો સંભાળ્યો ત્યારે તેના પર ઊંડા ઘાનાં નિશાન હતાં અને માથામાં ફ્રેક્ચર હતું. જોકે, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી.

line

"ફારુક જ મારી આખરી આશ હતો"

ફારુકના પિતા નસીબ અલી

ઇમેજ સ્રોત, PRITAM ROY/BBC

ઇમેજ કૅપ્શન, ફારુકના પિતા નસીબ અલી

હૃદયની બીમારીથી પીડાતા પિતા નસીબ અલીએ ઘરમાં ચાલતી ધમાચકડીને નિહાળી ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી.

નસીબ અલીએ કહ્યું હતું, "મેં ફારુકને ભણાવવા માટે મારું ખેતર વેચી નાખ્યું હતું. કરજ લીધું હતું, પેન્શન ગીરવે મૂક્યું હતું. ફારુક જ મારી આખરી આશ હતો."

નસીબ અલીની આંખોમના આંસુને તેમના ચશ્મા પણ છૂપાવી શકતા નથી.

line

"એ સવારે ત્રણ વાગ્યે અહીં શું કરતો હતો?"

ધરણાં પર બેઠેલી સ્ત્રીઓ

ઇમેજ સ્રોત, PRITAM ROY/BBC

ઈમ્ફાલ પશ્ચિમના પોલીસ વડા યોગેશચંદ્ર હાઓબિજામે બીબીસીને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ફારુકને રહેંસી નાખવાની ઘટનામાં સંડોવાયેલા અન્ય છ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.

તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

પોલીસની તપાસ ટીમ સ્કૂટર ચોરીના આરોપ અને લિંચિંગ બન્નેની તપાસ સાથે કરી રહી છે.

જોકે, પોલીસના જણાવ્યા મુજબ, હત્યાની તપાસ તેમની અગ્રતા છે, કારણ કે કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી.

બીજી તરફ થૌરોઈઝમમાં ધરણા કરી રહેલી 50-60 સ્ત્રીઓ માગણી કરી રહી છે કે પોલીસે જેમની ધરપકડ કરી છે તેમને મુક્ત કરવામાં આવે, "કારણ કે તેઓ નિર્દોષ છે."

ઈશાંગથેમ રોમાએ કહ્યું હતું, "ચોરી કરનારને કોઈ ઇનામ નથી આપતું, પણ તેને માર મારવામાં આવે છે. અમેરિકા હોય કે પાકિસ્તાન, બધે આવું જ થાય છે. એ સવારે ત્રણ વાગ્યે અહીં શું કરતો હતો?"

પછી ઈશાંગથેમ રોમાએ ચીસો પાડતાં કહ્યું હતું, "બધાને કહી દો કે તમારા ઘરમાં ચોર આવ્યા છે, તમારું રક્ષણ તમારે જ કરવાનું છે અને જરૂર પડ્યે ચોરને કમસેકમ થપ્પડ તો મારવાની જ છે."

ઈશાંગથેમ રોમા આવું કહે છે ત્યારે લોકોની ભીડ પણ તેમની સાથે સહમત થઈ જાય છે.

line

"ફારુક ચોરી ન કરી શકે"

મણીપુરમાં કેન્ડલ રેલીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, PRITAM ROY/BBC

બેંગલુરુમાં ગ્રૅજ્યુએશન વખતના ફારુકના દોસ્ત બુદ્ધિજ્ઞાને ચોરીના આરોપની વાત કરતાં કહ્યું હતું, "અમે ચાર વર્ષ એક ઘરમાં સાથે રહ્યા હતા. એક જ ટેબલ પર જમ્યા હતા, સાથે ફર્યા હતા, પાર્ટી કરી હતી. ફારુક ચોરી કરે એવો માણસ ન હતો."

ફારુકના એક અન્ય ગાઢ દોસ્ત બેનહર એસએ પણ કહ્યું હતું, "ગમે તેવી મુશ્કેલી હોય, ફારુક તેનો સામનો કરતો હતો. આ પ્રકારના શૉર્ટકટમાં તેને વિશ્વાસ ન હતો."

બેનહરનો સમાવેશ ફારુકના એવા દોસ્તોમાં થાય છે, જેઓ થોડા મહિના પહેલાં જ ફારુકે શરૂ કરેલી રેસ્ટરૉમાં જઈ ચૂક્યા હતા અને ફારુકે તેની નવી પ્રોડક્ટ પણ તેમને દેખાડી હતી.

પોલીસની તપાસ ચાલુ છે, પણ ફારુક તેના ગામ હૌરઈબીથી દૂર આવેલા થૌરોઈઝમ ગામમાં અડધી રાતે હાજર હોવા બાબતે જાતજાતની વાતો થઈ રહી છે.

એ રાતે ફારુકની સાથે અન્ય બે લોકો હતા. એ પૈકીના એકને થૌરૌઈઝમમાં કોઈની સાથે પૈસાની લેણદેણનો હિસાબ કરવાનો હતો, એવું કહેવામાં આવે છે.

આ વાતો થોડીક જ સેકંડના એ વીડિયોને આધારે કહેવામાં આવી રહી છે, જેમાં તેઓ સવાલના જવાબમાં બે લોકોનાં નામ જણાવી રહ્યા છે.

એ વીડિયોઝ ફારુકના શરીર પર જખમના નિશાન દેખાય છે.

ફારુક સાથે 13 સપ્ટેમ્બરની રાતે જે બે લોકો હતા તે હાલ ફરાર હોવાનું જણાવવામાં આવે છે. ફારુકના મોબાઇલ ફોન રેકૉર્ડની તપાસ પણ કરવામાં આવી રહી છે.

ફારુકને સવારે સાડા ત્રણથી ચારની વચ્ચે પકડ્યાનો કથિત દાવો ગામલોકો કરી રહ્યા છે ત્યારે આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનના વડાને સવારે સવા સાત વાગ્યે કઈ રીતે થઈ એ જાણવાનો પ્રયાસ પણ પોલીસ કરી શકે છે.

વહીવટીતંત્રે એક સબ-ઇન્સ્પેક્ટર અને ગ્રામ સુરક્ષા દળના ત્રણ લોકોને સસ્પેન્ડ કર્યા છે.

ઘટનાસ્થળે ઉપસ્થિત હોવા છતાં ફારુકને ભીડથી નહીં બચાવવાનો આરોપ એ ચારેય પર મૂકવામાં આવ્યો છે.

line

વિરોધ પ્રદર્શન અને કૅન્ડલ લાઈટ રેલીઓ

મણીપુરમાં કેન્ડલ રેલીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, PRITAM ROY/BBC

લિંચિંગની આ ઘટના બાદ સમગ્ર પ્રદેશમાં મોબ-જસ્ટિસ અને લિંચિંગના વિરોધમાં પ્રદર્શન તથા કેન્ડલ લાઈટ રેલીઓ કાઢવામાં આવી રહી છે.

વહીવટી તંત્ર અને પોલીસે પણ રાજ્યના દરેક જિલ્લામાં આ પ્રકારની રેલીઓનું આયોજન કર્યું છે.

માનવાધિકાર કાર્યકરોનું કહેવું છે કે મણિપુરમાં બાળ યૌન શોષણ તથા બળાત્કારથી માંડીને ચોરીના નામે મૉબ-જસ્ટિસ અને લિંચિંગની ઘટનાઓ બહાર આવતી રહી છે, પરંતુ વહીવટી તંત્રે આવું પહેલીવાર કર્યું છે.

'મણિપુર હ્યુમન રાઈટ્સ ઍલર્ટ'ના એક કાર્યકરના જણાવ્યા મુજબ, મણિપુરી મુસ્લિમોના લિંચિંગની વારંવાર બહાર આવતી ઘટનાઓ બાબતે બહુમતી મૈતઈ જનજાતિમાં અપરાધ-બોધની અભિવ્યક્તિ હોઈ શકે છે.

line

લિંચિંગનું કારણ કોમવાદ?

માનવાધિકાર કાર્યકર્તા ખેતરીમયુમ ઓનિલ

ઇમેજ સ્રોત, PRITAM ROY/BBC

ઇમેજ કૅપ્શન, માનવાધિકાર કાર્યકર્તા ખેતરીમયુમ ઓનિલ

દિલ્હી મણિપુર મુસ્લિમ વિદ્યાર્થી સંગઠને આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં તાજેતરમાં કમસેકમ સાત મુસ્લિમો સાથે લિંચિંગની ઘટનાઓ બહાર આવી છે.

સંગઠનના એક સભ્ય અઝીમુદ્દીન શેખે દાવો કર્યો હતો કે મણિપુરી મુસ્લિમોની હત્યા ધાર્મિક નફરતનું પરિણામ છે.

જોકે, માનવાધિકાર કાર્યકર્તા ખેતરીમયુમ ઓનિલ માને છે કે મણિપુરમાં બનતી લિંચિંગની ઘટનાઓને દેશના અન્ય હિસ્સામાં બનતી આવી ઘટનાઓના સંદર્ભમાં જોઈ શકાય નહીં.

ખેતરીમયુમ ઓનિલે કહ્યું હતું, "કોમવાદના રંગને અહીં શોધવાનું કામ ઉત્તર ભારતમાં ચાલતા ટ્રૅન્ડને મણિપુરમાં ફીટ બેસાડવાના પ્રયાસ જેવું છે. અમારે ત્યાં આ વંશીય તંગદિલીનું પરિણામ છે, જે બિલકુલ અલગ છે."

line

કોમવાદી રંગનો ઇન્કાર

અંગ્રેજી દૈનિક 'ઈમ્ફાલ ફ્રી પ્રેસ'ના પ્રદીપ પંજૌબમ

ઇમેજ સ્રોત, FREE PRESS IMPHAL

ઇમેજ કૅપ્શન, અંગ્રેજી દૈનિક 'ઈમ્ફાલ ફ્રી પ્રેસ'ના પ્રદીપ પંજૌબમ

અંગ્રેજી દૈનિક 'ઈમ્ફાલ ફ્રી પ્રેસ'ના પ્રદીપ પંજૌબમે પણ ફારુકના લિંચિંગમાં કોમવાદી રંગ હોવાનો ઇન્કાર કર્યો હતો.

તેમણે એવું કહ્યું હતું, "મણિપુરી મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો નાની-મોટી ચોરીઓમાં સંડોવાયેલા હોવાની ઘટનાઓ બહાર આવતી રહે છે. તેમની એક ખાસ પ્રકારની છાપ પણ બનાવવામાં આવી છે."

"એ યુવકને આટલો બધો માર મારવામાં આવ્યો તેનું એક કારણ આ પણ હતું એવું હું માનું છું."

પોતે આ ઘટનાને કોમી રંગ આપવા ન ઇચ્છતા હોવાનું જણાવતા બુદ્ધજ્ઞાને કહ્યું હતું, "લઘુમતી સામે આ પ્રકારની લાગણી પ્રવર્તતી નથી એ વાતનો ઇન્કાર કરવો પણ યોગ્ય નથી."

"બહુમતી લોકોમાં તેઓ શ્રેષ્ઠ હોવાની લાગણી અને નફરત છે. લોકોને એક ખાસ પ્રકારની ઇમેજના સંદર્ભમાં મૂલવવા બાબતે આપણે વિચારવું પડશે."

બુદ્ધજ્ઞાને સોશિયલ મીડિયા પરની તેમની એક પોસ્ટમાં થૌરોઈઝમના લોકોને સવાલ કર્યો હતો કે ફારુકની જગ્યાએ હું હોત તો ટોળાએ ફારુક સાથે જેવું વર્તન કર્યું તેવું મારી સાથે કર્યું હોત?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો