'રક્ષાબંધન એ મહિલાઓ પર પુરુષનું પ્રભુત્વ સ્થાપિત કરે છે'

હિંદુ સંસ્કૃતિ અને પુરાણોમાં તેમનું દેવીનું સ્થાન છે. ક્યાંક સમૃદ્ધિ અને શાંતિની દેવી તો ક્યાંક શક્તિનું સ્વરૂપ છે.

ક્યાંક ઐશ્વર્ય અપાવનારી લક્ષ્મી છે, તો ક્યાંક રૌદ્ર સ્વરૂપે કાળી છે, તો લોકો માટે જગત જનની.

તેમ છતાં પણ સમાજને એવું લાગે છે કે તેમને સુરક્ષાની જરૂર છે.

સ્ત્રી પોતાની જાતની સુરક્ષા કરી શકે તેમ નથી, તેથી તેમને પુરુષની સુરક્ષાની જરૂર છે.

પુરુષ રક્ષકની જરૂરિયાતનો તહેવાર એટલે 'રક્ષાબંધન'.

શું આ વિરોધાભાસ નથી ?

નારીવાદી કાર્યકર્તા ઍડવોકેટ એકનાથ ઢોકળે કહે છે, "આમાં કંઈ જ નવાઈ નથી. સ્ત્રીને દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યુ છે, જેથી તેની પુરુષ સમોવડી છબીને નકારી શકાય."

"આવું કહીને તેને ગૌરવાન્વિત કરાય છે."

"રક્ષાબંધન પુરુષની સત્તા કાયમ રાખવાનો એક પ્રકારનો પ્રૉપગૅન્ડા જ કહી શકાય."

મહિલાઓની ગુલામી

ઢોકળે કહે છે, "મહિલાઓને સુરક્ષાની જરૂર નથી. રક્ષાબંધન તહેવારના માધ્યમથી પુરુષોની સત્તા કાયમ રાખવાનો પ્રયાસ કરાય છે."

"આ પ્રકારના ઉત્સવોનો એક માત્ર હેતુ મહિલાઓને લઘુતાગ્રંથીનો અહેસાસ કરાવવાનો છે કે તમે તમારી જાતે તમારી સુરક્ષા કરી શકતા નથી અને તેથી જ હંમેશા તમને એક રક્ષકની જરૂર છે."

"આ જ વિચારો, પ્રથા અને સંસ્કૃતિ પેઢી દર પેઢીથી ચાલ્યાં આવે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ઢોકળેના મતે જો આ પરંપરાનો સ્વીકાર બન્ને પક્ષે કરી લેવામાં આવે તો સત્તાની સામે થવાનો પ્રશ્ન ઉદભવશે નહીં અને મહિલાઓ પણ રક્ષાબંધન ઊજવતા જ રહેશે .

ઢોકળે તર્ક આપે છે કે જ્યારે કોઈ વ્યક્તિને એવું લાગે છે કે હું સક્ષમ છું ત્યારે તે અન્ય પર આધારિત નથી રહેતી, તેઓ પોતાની રીતે વિચારવાનું શરૂ કરે છે અને ત્યાર બાદ તે સત્તાને ખળભળાવે છે.

તહેવારનો બીજો અર્થ કાઢીએ છે?

આજકાલ આપણા દેશમાં લોકોને પોતાના તહેવારની મજાક કરવાની આદત પડી ગઈ છે. દરેક વખતે આપણા તહેવારનો બીજો અર્થ શા માટે કાઢવામાં આવે છે?

કિર્તનકાર ક્રાંતિગીતા મહાબળ કહે છે, "રક્ષાબંધન આપણી સંસ્કૃતિનો મહત્ત્વનો તહેવાર છે."

"તમે કઈ રીતે કહી શકો કે મહિલાઓને સુરક્ષાની જરૂર નથી? જ્યારે મહિલાઓ વિરુદ્ધ અત્યાચારોના બનાવો સતત વધી રહ્યાં છે. "

"મહિલા કાર્યકર્તાઓ તો કઈ પણ કહેશે કે અમે સશક્ત છીએ, અમે ચંદ્ર સુધી પહોંચી ગયા હવે અમને શા માટે સુરક્ષાની જરૂર છે? પરંતુ આજકાલ થતી ઘટનાઓને ધ્યાનમાં રાખતા તેમને સુરક્ષા આપવી જરૂરી જ છે. "

કેમ રક્ષાબંધન જવાય છે ?

પહેલાંની સ્થિતિ જુદી હતી. મહિલાઓ પાસે આર્થિક કે વ્યક્તિગત સ્વતંત્રતા ન હતી.

ઘરની બહાર તેમની કોઈ દુનિયા જ ન હતી, ત્યારે સ્વાભાવિક છે કે તેઓ એવું સ્વીકારી લે કે આ પ્રકારનો તહેવાર ઊજવવો અમારી ફરજ છે.

મહિલાઓએ પોતાની પ્રત્યેક ફરજ નિભાવવી જ રહી, આવી લાગણી મહિલાઓને થવી સ્વાભાવિક છે.

પરંતુ હવે સમય બદલાયો છે. મહિલાઓ સશક્ત અને સ્વતંત્ર છે.

નાણાકીય સ્વાવલંબન સાથે તેમની પાસે નિર્ણયો લેવાની પણ સ્વતંત્રતા છે. તેથી મહિલાઓ હવે પોતાના વિચારોથી આઝાદ છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે મહિલાઓ પોતાના નાણાકીય સ્વાવલંબન સાથે પોતાની જાતને સુરક્ષિત કરી શક્યા છે તો પછી શા માટે તેમને રક્ષાબંધન ઊજવવાની જરૂર છે ?

શા માટે તેઓ એવું વિચારે છે કે તેમને પુરુષના રક્ષણની જરૂર છે.

આ પ્રશ્નના જવાબમાં નારીવાદી કાર્યકર્તા વંદના ખરે કહે છે, "કારણ કે જો મહિલાઓ તહેવાર નહીં ઊજવે તો તેમને એકલા પાડી દેવામાં આવશે અને તેમને સતત એ એહસાસ કરાવવામાં આવશે કે આવું કરવું તેમની ભૂલ છે. ”

"અને જે મહિલાઓ તહેવારો ઉજવશે તેમના વખાણ કરવામાં આવશે.”

“મને લાગે છે કે મોટાભાગની મહિલાઓને પસંદ નથી તેમ છતા તેઓ ઉજવણી કરે છે તેની પાછળનું કારણ આજ છે.”

“હવેના સમયમાં રક્ષાબંધનનું વિશેષ મહત્વ રહ્યું નથી."

રક્ષાબંધન ઊજવવાનું કોઈ કારણ નથી.

એક તરફ આપણે તેને ભાઈ બહેનના પ્રેમના પ્રતીક તરીકે ઊજવીએ છે અને બીજી તરફ આપણે પરંપરાના નામે પુરુષની સત્તાને મજબૂત બનાવાનો પ્રયાસ કરીએ છે એવું ખરે કહે છે.

એવું માની લેવામાં આવ્યું છે કે સંકટ હંમેશા મહિલાઓ પર જ આવે છે.

જેવી રીતે દર વર્ષે વરસાદ આવે છે એવી જ રીતે મહિલા પર સંકટ આવે છે તેથી તેમને સંરક્ષણની જરૂર છે.

આમ રક્ષા કરનારાઓનું ગ્લૉરીફિકેશન એટલે રક્ષાબંધનનો પર્વ.

પરંતુ એ વાત પણ સ્વીકાર્ય નથી કે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યાં છે તેથી તેમને રક્ષણ કરનારાઓની જરૂર છે.

રક્ષાબંધન મહિલાઓ પરના અત્યાચારનો જવાબ નથી એવું વંદના ખરે કહે છે.

જ્યારે આ વિચારની બીજી બાજુ કિર્તનકાર મહાબળ પાસેથી જાણવા મળે છે.

આ આ પ્રકારના તહેવારનું મહત્વ સમજાવતા તેઓ કહે છે કે રક્ષાબંધનનો તહેવાર ફક્ત બહેનોની સુરક્ષા કરવાનું નથી કહેતો.

પોતાની પત્નીને બાદ કરતા જેટલી પણ મહિલાઓ છે તે દરેક પુરુષ માટે મા-બહેન સમાન છે અને તેમની સુરક્ષાની જવાબદારી પણ પુરુષોની જ છે.

રક્ષાબંધન એક તહેવાર નથી સંસ્કાર છે.

પરંતુ વંદના ખરેના મતે આ પ્રકારના તહેવારનો પર્યાય બદલવાની જરૂર છે.

તેઓ કહે છે, "ફક્ત મહિલાઓની કામગીરીને ગ્લૉરિફાય કરે તે પ્રકારના તહેવારો જ ઊજવવા જોઈએ.”

“ભાઈ નહીં તો રક્ષાબંધન નહીં, પતિ નહીં તો વટસાવિત્રી નહીં આ પ્રકારની માનસિકતા શા માટે? ફક્ત મહિલાઓના કામની પ્રસંશા કરતા નવા ઉત્સવો અને તહેવારો ઊજવવા જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો