જ્યારે નિયમ તોડનારા વાહનચાલકોને ઊભા રાખીને રાખડી બંધાઈ

26 ઑગસ્ટે રક્ષાબંધનની ઉજવણી રાજ્યભરમાં લોકોએ કરી પણ રક્ષાબંધનની ઉજવણીના રંગ જુદાજુદા હતા.

સગા ભાઈ નથી એવા ભાઈઓને રાખડી બાંધીને કેટલીક બહેનોએ રક્ષાબંધન ઉજવી હતી.

બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ પાસે ભારત પાકિસ્તાનની સરહદ આવેલી છે. અહીં સરહદ પર ફરજ બજાવતા જવાનોને યુવતીઓએ રાખડી બાંધી હતી.

રક્ષાબંધને પર્વે રાજકોટ પોલીસે પણ નવતર પ્રયોગ કર્યો હતો. ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા વાહનચાલકોને દંડવાના બદલે મહિલા પોલીસ કર્મચારીઓએ તેમના હાથે રાખડી બાંધી હતી.

ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની બાંયધરી નિયમભંગ કરતા વાહનચાલકો પાસે લેવાઈ હતી.

જૂનાગઢ જિલ્લામાં લોકોએ ઉજવણીમાં માણસની સાથે પ્રાણીઓને પણ સામેલ કર્યા હતા. લોકોએ ગીર ગાયને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

જૂનાગઢનું જામકા ગામ ગીર ગાય બચાવો અભિયાન માટે જાણીતું ગામ છે. આ ગામના પરશોતભાઈના પરિવારે 100 જેટલી ગીર ગાયોને રાખડી બાંધીને ગૌરક્ષાનો સંદેશ આપ્યો હતો.

બળેવ પર્વે બ્રાહ્મણોમાં યજ્ઞોપવિત બદલવાની પરંપરા છે. હિંમતનગરના ગાયત્રી આશ્રમમાં બ્રાહ્મણોએ યજ્ઞોપવીત બદલવાની વિધિ કરી હતી.

બહેનો જેલમાં સજા ભોગવતા પોતાના ભાઈઓને રાખડી બાંધવા જેલમાં ગઈ હતી. રાજકોટ મધ્યસ્થ જેલ બહાર ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનોની લાઇન લાગી હતી.

એ જ પ્રકારે હિંમતનગર જિલ્લાની સબજેલમાં પણ સજા ભોગવતા કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો પહોંચી હતી.

અમદાવાદની શારદાબહેન હૉસ્પિટલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. હૉસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ બહેનોએ દર્દીઓને રાખડી બાંધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો