You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેઘાલયઃ શું ભાઈ માટે અગાથા હટી ગયા સીએમની રેસમાંથી?
મેઘાયલમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામ બાદ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) ભાજપ અને અન્ય ચાર પક્ષો સાથે ગઠબંધન કરી સત્તા સંભાળવા જઈ રહી છે. એનપીપી તરફથી કૉનરાડ સંગમાની મુખ્યમંત્રીના રૂપે પસંદગી થઈ છે.
આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે મેઘાલયના મુખ્યમંત્રી પદ માટે કૉનરાડ સંગમાના બહેન અને પૂર્વ સાંસદ અગાથા સંગમા પણ રેસમાં છે. પરંતુ અંતે કૉનરાડ સંગમાની મુખ્યમંત્રી પદે પસંદગી કરવામાં આવી છે.
વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની પરંતુ તે છતાં તે સત્તાથી દૂર રહી ગઈ.
કોંગ્રેસે તેને જનાદેશનું અપમાન ગણાવ્યું છે અને ગઠબંધન કરી સરકાર બનાવનારી પાર્ટીઓને અવસરવાદી ગણાવી છે.
રાજ્યમાં કોંગ્રેસને 21, ભાજપને 2, નેશનલ પીપલ્સ પાર્ટીને 19, યુનાઇટેડ ડેમોક્રેટીક પાર્ટીને 6 અને પીપલ્સ ડેમોક્રેટીક ફ્રન્ટને 4 બેઠક મળી છે.
સત્તા પર કેટલું નિયંત્રણ
મેઘાલયના રાજકારણમાં કૉનરાડ સંગમાની પ્રાથમિક ઓળખ પૂર્વ લોકસભા અધ્યક્ષ પીએ સંગમાના દીકરાની રહી છે.
કૉનરાડ 16મી લોકસભામાં પોતાના પિતાના નિર્વાચન ક્ષેત્ર તુરાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે એ સવાલ પણ ઊઠવા લાગ્યા છે કે શું મેઘાલયમાં પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર રહી શકશે?
અલગ અલગ વિચારધારા ધરાવતા પક્ષ એકસાથે મળીને ક્યાં સુધી સરકાર ચલાવી શકશે?
એનપીપીના નેતા અને કૉનરાડ સંગમાના બહેન અગાથા સંગમાએ કહ્યું, "મને વિશ્વાસ છે કે અમે એક સ્થિર સરકાર બનાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું. અમારા મુખ્યમંત્રી એક અનુભવી રાજનેતા છે અને દરેક પક્ષે તેમને સમર્થન આપી પોતાના નેતા તરીકે ચૂંટ્યા છે. જેથી કોઈ ગતિરોધ વગર અમારી સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે."
મુખ્યમંત્રી પદેથી કેમ દૂર થયાં?
મુખ્યમંત્રી પદની રેસમાં અગાથા સંગમાનું નામ છેલ્લા ઘણાં સમયથી સાંભળવા મળી રહ્યું હતું. તેઓ પૂર્વ સાંસદ રહી ચૂક્યાં છે. આ સિવાય કેંદ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રીનો પદભાર તેઓ સંભાળી ચૂક્યાં છે.
દિલ્હીના રાજકારણમાં અગાથા પોતાના ભાઈ કરતા વધારે જાણીતો ચહેરો છે. તેવામાં મેઘાલયના મુખ્યમંત્રી પદેથી તેઓ દૂર કેવી રીતે થઈ ગયાં?
આ સવાલના જવાબમાં અગાથા કહે છે, "આ ચૂંટણી અમે કૉનરાડ સંગમાના નેતૃત્વમાં લડી હતી અને આ જનાદેશ પણ તેમના કારણે મળ્યો છે."
"તમામ પક્ષ જે એકસાથે મળીને ગઠબંધનની સરકાર બનાવવા માટે તૈયાર થયા છે, તેઓ પણ કૉનરાડના નેતૃત્વના કારણે જ સાથે આવ્યા છે. તેવામાં બીજી કોઈ વ્યક્તિને નેતૃત્વ સોંપવાની વાત જ નથી."
નૈતિકતાનો સવાલ
ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. છતાં તેને સત્તા મળી નથી. બીજી તરફ ભાજપ, જેને માત્ર બે બેઠક મળી તેને સત્તામાં ભાગીદારી મળી ગઈ છે.
મણિપુર અનો ગોવા બાદ હવે મેઘાલયમાં આ પ્રકારની સરકાર બની રહી છે જ્યાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવા છતાં તેની સરકાર બની શકી નથી.
અગાથા સંગમા કહે છે કે કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળી નથી તે મામલે તે કંઈ જ કરી શકી નથી.
અગાથાએ કહ્યું, "જ્યારે અમારા નેતા કૉનરાડ સંગમા ગવર્નર પાસે ગઠબંધન સાથે ગયા અને તેમની સામે બહુમતી સાબિત કરી ત્યારે અમને સરકાર બનાવવાની તક મળી. તેમાં નૈતિકતા જેવી વાત આવતી નથી."
પિતાનો વારસો
કૉનરાડ સંગમા અને અગાથા સંગમાના પિતા પી એ સંગમા પૂર્વ કોંગ્રેસી રહી ચૂક્યા છે, તેઓ વર્ષ 1999થી 2004 અને ત્યારબાદ 2005થી 2012 સુધી કોંગ્રેસની સાથે રહ્યાં હતાં.
પરંતુ હવે એનપીપી ભાજપ સાથે મળીને મેઘાલયમાં સરકાર બનાવવાની છે.
આ મામલે અગાથા સંગમાનું કહેવું છે, "અમારા પિતાજી જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે ઊભા હતા ત્યારે NDAએ જ તેમને સમર્થન આપ્યું હતું. આ સિવાય કેન્દ્ર સરકારમાં મારા ભાઈ કૉનરાડ સંગમાએ NDA સરકારને જ સમર્થન આપ્યું છે. એ માટે આ અમારા માટે કોઈ નવી વાત નથી."
ભાજપની અલ્પસંખ્યકો પ્રત્યે છબી વિશે અને મેઘાલયની જનતા માટે તેની સરકારની નીતિઓ પર જ્યારે સવાલ કરવામાં આવ્યો, ત્યારે અગાથાએ કહ્યું કે તેઓ ભાજપની કોઈ છબી પર વિચાર કરતાં નથી.
તેમણે કહ્યું, "અમારી પાર્ટી નરેન્દ્ર મોદીના વિકાસ મૉડલની સાથે છે અને મેઘાલયની જનતાનો વિકાસ કરવાના ઉદ્દેશથી જ અમે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. અમે કોઈ ધર્મ અને જાતિના આધારે સરકાર બનાવવાનો વિચાર કર્યો નથી."
(બીબીસી સંવાદદાતા નવીન નેગીની અગાથા સંગમા સાથે થયેલી વાતચીત પર આધારિત)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો