BBC TOP NEWS : નહેરુના કારણે ભારતના ભાગલા પડ્યા - દલાઈ લામા

ઇમેજ સ્રોત, Getty Images
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર દલાઈ લામાએ એક નિવેદનમાં કહ્યું કે, જો જવાહરલાલ નહેરુએ વડા પ્રધાન બનવાની જીદ ન કરી હોત, તો દેશના ભાગલા ન પડ્યા હોત.
તેમણે કહ્યું, "આજે ભારત અને પાકિસ્તાન એક જ રાષ્ટ્ર હોત પરંતુ ભારતના એ સમયના વડા પ્રધાન નહેરુએ સ્વાર્થભાવ રાખતા આવું થઈ ન શક્યું."
"નહેરુએ સ્વંતત્રતા મળી તે સમય દરમિયાન વડા પ્રધાનના પદ માટે જીદ કરી હતી."
તેમણે કહ્યું,"ભારતની પૃષ્ઠભૂમિને ધ્યાને લેતા મને લાગે છે કે ગાંધીજી ઝીણાને વડા પ્રધાન બનાવવા ઇચ્છતા હતા પરંતુ પંડિત નહેરુએ ઇનકાર કરી દીધો હતો."
"મને લાગે છે કે નહેરુમાં થોડોક સ્વાર્થભાવ હતો. જો ગાંધીની વાત માની લેવામાં આવી હોત તો આજે ભારત-પાકિસ્તાન એક જ રાષ્ટ્ર હોત."
તિબેટિયન ગુરુ દલાઈ લામાએ ગોવામાં એક શૈક્ષણિક સંસ્થામાં પ્રવચન દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

ખોટી હવામાન આગાહી સામે ખેડૂતે કરી પોલીસ ફરિયાદ

ઇમેજ સ્રોત, ANSHUMAN POYREKAR / HINDUSTAN TIMES VIA GETTY IMAG
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર મરાઠવાડામાં આવેલા એક ગામના ખેડૂતે ભારતના હવામાન વિભાગ સામે ખોટી આગાહી કરી હોવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તેમનો આક્ષેપ છે કે, બિયારણ અને કૃષિ-ખાતર સંબંધિત મૅન્યુફેક્ચરર્સ સાથે મળતિયા કરીને અને સારા ચોમાસાની આગાહી કરીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ફરિયાદ લોકસભાના સંસદસભ્ય રાજુ શેટ્ટીની આગેવાની ધરાવતી સ્વાભિમાની શેતકરી સંગઠનના મરાઠવાડાના પ્રાદેશિક પ્રમુખ માનિક કદમ દ્વારા દાખલ કરાવવામાં આવી છે.
પરભાની ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હવામાન વિભાગના ડિરેક્ટર સામે આ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ગુજરાત સરકારની સફેદ ભ્રષ્ટાચારમાં સંડોવણી - નાફેડ અધ્યક્ષ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે નૅશનલ ઍગ્રિકલ્ચર કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ)ના અધ્યક્ષ વાઘજી બોડાએ મગફળી કૌભાંડ મામલે સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.
રાજ્યમાં સરકારે ખરીદેલી મગફળીમાં માટી ઉમેરવાના કૌભાંડમાં ભાજપના કેટલાક નેતાની ઘરપકડ બાદ નાફેડ અધ્યક્ષે સરકાર પર આ આક્ષેપ લગાવ્યા છે.
બીજી તરફ સરકાર તરફથી વળતા જવાબ રૂપે ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે નાફેડ વડા પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા હોવાનું કહીને તેમને(વાઘજી બોડાને) સવાલ કર્યો છે કે તેમના પોતાના ભત્રીજાની ધરપકડ મામલે સ્પષ્ટીકરણ આપવામાં આવે.
નીતિન પટેલે કહ્યું, "વાઘજી બોડા જણાવે કે, પકડાયેલા 27 લોકોમાં તેમનો ભત્રીજો કેમ સામેલ છે."

યુએસ કોંગ્રેસમાં પ્રથમ મુસ્લિમ મહિલાની એન્ટ્રીની તૈયારી

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર એમેરિકાની સંસદમાં પ્રથમ મુસ્લિમ મહિલા ચૂંટાઈ આવવાની તૈયારીમાં છે.
42 વર્ષીય રશિદા તલૈબે મિશિગન બેઠકથી ડૅમોક્રેટિક પક્ષ તરફથી બિન-હરીફ નામાંકિત થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ બિન-હરીફ હોવાથી અમેરિકાની સંસદમાં ચૂંટાઈ આવવાની પૂરી શક્યતા છે.
તેમણે ડૅમોક્રેટિક પક્ષની 13મી સંસદીય જિલ્લા સ્તરીય ચૂંટણીમાં વિજય મેળવતા હવે સંસદમાં જવા માટે તેમણે માત્ર એક ડગલું જ આગળ વધવાનું બાકી છે.
આપને આ પણ વાંચવું ગમશે


સુપ્રીમ કોર્ટ સરકાર પર વધુ ટીકા-ટિપ્પણી ન કરે - કેન્દ્ર
'ઇકોનોમિક ટાઇમ્સ'ના એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સરકારની આકરી ટીકા કરવાથી દૂર રહેવા માટે સૂચન કર્યું હતું.
કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓના નિકાલની સુનાવણી સમયેકહ્યું કે દેશની વસ્તી વધી રહી છે અને દેશમાં ઘણી સમસ્યાઓ છે.
તેમણે કહ્યું કે દરેક બાબત માટે સરકારની ટીકા ન થવી જોઈએ અને કોર્ટના કેટલાક ચુકાદાથી ઘણાએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.
જવાબમાં ન્યાયમૂર્તિ મદન. બી. લોકુરની પીઠે કહ્યું,"અમે પણ દેશના નાગરિક છીએ, અમને દેશમાં શું સ્થિતિ છે તેનો ખ્યાલ છે."
"વળી અમે દરેક બાબતમાં સરકારની ટીકા નથી કરતા, માત્ર તેમને કાયદાનું પાલન કરવા કહીએ છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














