મગફળીની 'આગ'માં શેકાઈ રહ્યા છે જનતાના નાણાં

શાપર ગોડાઉનમાં આગની તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, શાપર ગોડાઉનમાં આગની તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મગફળીનો સંગ્રહ કરતા સરકારી ગોડાઉનોમાં છેલ્લા પાંચ મહિનામાં પાંચ વાર આગ લાગી છે. હવે આ આગની ઝાળ સરકાર સુધી પહોંચી છે.

ચૂંટણી પહેલાં ગુજરાતમાં થયેલા મગફળીના બમ્પર પાક પછી મણદીઠ રૂ. 700ના ભાવે કોઈ ખરીદનાર ન હતું, ત્યારે સરકારે મગફળીના ટેકાનો ભાવ 900 રૂપિયા જાહેર કરી ખેડૂતોને ખુશ કરી દીધા હતા.

આ દરમિયાન વિપક્ષ અને સહકારી આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે મગફળીની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને દલાલો તથા મોટા ખેડૂતોને જ ફાયદો થયો છે.

line

આગની ઝાળ

મગફળીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુરાવાનો નાશ કરવા માટે સરકારી ગોડાઉનોમાં આગ લગાડાઈ?

સૌરાષ્ટ્રના સહકારી આગેવાન કેતન સાગપરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સહકારી મંડળી દ્વારા પરિચિતો પાસેથી ખોટા બિલો બનાવી ઓછી મગફળી ખરીદી વધુ નાણાં ચૂકવ્યા છે.

"એનું સાદું ઉદાહરણ એ છે કે, રાજકોટમાં મગફળી ભરવા આવેલા નાફેડના સંખ્યાબંધ કોથળા ખાલી હતા એટલે જ આ પુરાવાનો નાશ કરવા માટે સળગાવી દીધા છે.

"મગફળીનો જથ્થો એવાં ગોડાઉનોમાં રખાયો છે કે જ્યાં સીસીટીવી કે સિક્યોરિટી ના હોય."

આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા રાજકોટના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અંતરીપ સુદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મગફળીનાં ગોડાઉનોમાં લાગેલી આગનાં કારણો શોધી રહ્યા છીએ.

"અમે આસપાસના રહીશોની મદદ પણ લઈ રહ્યા છીએ. આની પાછળ કોઈ ષડયંત્ર છે કે નહીં એની તપાસ ચાલુ છે."

line

રાજકોટના ડેપ્યુટી કલેક્ટર પ્રજ્ઞેશ જાનીએ કહ્યું, "કોઈ વીજકનેક્શન નહીં હોવાથી આગ શોર્ટસર્કિટથી નથી લાગી.

"આગનું કારણ જાણવા માટે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવાય રહી છે.

"મગફળીનો સંગ્રહ કરનાર સંસ્થાઓ અને ગોડાઉન માલિકોના કરારની પણ તપાસ ચાલે છે, જેથી અમે આગનાં કારણની પૂરી જાણકારી અમે મેળવી શકીએ."

line

આ પહેલાં પણ બની છે આવી ઘટનાઓ

મગફળીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોડાઉનોના આગની તપાસ FSL દ્વારા કરાવાશે
  • બીજી જાન્યુઆરી-2018ના દિવસે ગાંધીધામના ગોડાઉનમાં લાગેલી આગમાં 2500 ટન મગફળી બળી ગઈ.
  • 30મી જાન્યુઆરીએ રાજકોટના ગોંડલ ખાતે ગોડાઉનમાં લાગેલી આગમાં 7000 ટન મગફળી રાખ થઈ ગઈ.
  • 13મી માર્ચે રાજકોટનાં ગોડાઉનમાં મગફળીના લાખો કોથળાઓ બળી ગયા હતા.
  • 19મી એપ્રિલે જામનગરના હાપામાં 350 ટન મગફળી બળી ગઈ.
  • 5મી મેના દિવસે રાજકોટ જિલ્લાના શાપર ગોડાઉનમાં લાગેલી આગમાં ચાર કરોડની મગફળી બળી ગઈ
line
line

મગફળી અને 'રાજ'કારણ

મગફળીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સરકારે ખેડૂતોના બદલે મળતિયાઓ અને દલાલો પાસેથી મગફળી ખરીદી કરીને ડબલ પૈસા ચૂકવ્યા છે.

"મગફળીના નામે એમાં માટીને તેના પણ પૈસા ચૂકવાયા છે.

"આ વર્ષે સરકારે 35 લાખ ટન મગફળીનાં ઉત્પાદનની સામે માત્ર નવ લાખ ટન મગફળી જ ખરીદી, ખોટા બિલ બનાવ્યા છે.

"પુરાવાનો નાશ કરવા માટે અલગ અલગ ગોડાઉનોમાં આગ લાગી રહી છે."

ગુજરાતના કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ બીબીસી સાથેની વાતમાં કહ્યું:

"આગ પાછળ કોઈ ષડયંત્ર નથી, વિપક્ષ દ્વારા સરકારને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે.

"આ તમામ ગોડાઉનમાં લાગેલી આગનું તથ્ય બહાર લાવવા માટે અમે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી છે એટલે 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે."

line

ખેડૂતોને મગફળી 'ન' ફળી

ખેડૂતોની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક

ગોંડલના ખેડૂત વસંતભાઈ લાવડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત કરનારી સરકાર પરથી અમારો ભરોસો ઉઠી ગયો છે.

"સરકારે અમારી પાસેથી મગફળી ખરીદીને હજુ સુધી નાણાં આપ્યા નથી. અમારે મજૂરો અને ટ્રકવાળાને ચૂકવવા માટે ગામમાંથી ઉધાર પૈસા લેવા પડ્યા છે."

અન્ય એક ખેડૂત હર્ષદભાઇ ખચારાના કહેવા પ્રમાણે, "સરકારે 900 રૂપિયાનો ટેકાનો ભાવ જાહર કર્યો એટલે અમે 700 રૂપિયાના બજારભાવે મગફળી ના વેચી.

"સરકારનું આ વલણ જોતાં આવતી વખતે મગફળીના બદલે બીજો પાક લઈશું."

line

સીંગતેલના ભાવો વધશે?

મગફળીનું વાવેતર કરનાર ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મગફળી સાથે ખેડૂત

સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે કહ્યું, "સરકારી ગોડાઉનોમાં મગફળી બળી જવાથી નિકાસ પર મોટી અસર થશે.

"પીનટ બટર માટે ગુજરાતમાંથી સીંગદાણાની નિકાસ થાય છે.

"આફ્રિકા અને ચીન કરતાં ગુજરાતના સીંગદાણામાં તેલનું પ્રમાણ વધુ હોવાથી ઊંચો ભાવ મળે છે.

"પરંતુ આ વર્ષે નિકાસ પર તેની અસર પડશે અને વિદેશી હુંડિયામણનું નુકસાન થશે. જોકે, ઘરેલું વપરાશ માટેના તેલના ભાવ ખાસ નહીં વધે."

બીજી તરફ અમદાવાદ સિંગતેલ વેપારી એસોસિયેશનના ભૂતપૂર્વ મંત્રી ભાવેશ શાહ કહે છે:

"શ્રાવણ મહીનાથી દિવાળી સુધી ગુજરાતમાં સિંગતેલનો ઉપયોગ વધુ થાય છે. આ દિવસોમાં તેલના ડબ્બાનો ભાવ 2000 રૂપિયાથી ઉપર જાય તો નવાઈ નહીં."

સિંગતેલના ભાવ વધશે તો મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ આપણાં રસોડાની સાથે સરકારને પણ દઝાડશે.

line

તેલ અને સત્તાનો ખેલ

મગફળીમાં લાગેલી આગને બુજાવવા માટે પ્રયાસરત ફાયર બ્રિગેડ કર્મચારી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ગુજરાતના અર્થતંત્ર અને રાજકારણ પર સિંગતેલની અસર પહેલેથી જ જોવા મળી છે. અહીં 1974માં સીંગતેલના વધેલા ભાવે સરકારની ખુરશી હચમચાવી નાખી હતી.

નવનિર્માણ આંદોલન સમયે સૌરાષ્ટ્રના તેલિયા રાજાઓએ સીંગતેલના ભાવ વધાર્યા હતાં અને આ ભાવવધારાએ આંદોલનને વેગ આપવાનું કામ કર્યું હતું.

કાયમ રાજકારણીઓની નજીક રહેતા તેલિયાં રાજાઓએ 1990ના દાયકામાં તેલના ભાવો વધાર્યા હતા.

એ સમયે ચીમનભાઈની સરકારે એનડીડીબી (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ)ની મદદથી 'ધારા તેલ' બજારમાં મૂક્યું હતું.

ગુજરાતીઓને સિંગતેલના બદલે પામૉલિન તેલ, કપાસિયા તેલ તથા અન્ય ખાદ્યતેલો તરફ વાળ્યા હતા.

line

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન

ગોડાઉનની તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, પાંચ મહિનામાં પાંચ ગોડાઉનોમાં ભયાનક આગ લાગી છે

ગુજરાતમાં કુલ 99 લાખ હેક્ટર વિસ્તાર ખેતીલાયક (સિંચાઈ અને વરસાદ આધારિત) જમીન છે.

સૌરાષ્ટ્રના 60થી 70 ટકા વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય છે. જોકે, વરસાદ ઓછો અને અનિયમિત હોવાને કારણે મગફળીનું વાવેતર કરતા ખેડૂતો માટે મોટું જોખમ રહેલું હોય છે.

ગુજરાત સરકારના આકલન મુજબ, નાણાકીય વર્ષ 2016-2017 દરમિયાન 1,76,0000 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું.

રાજ્યમાં 2,94,4000 ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. રાજ્યમાં હેક્ટરદીઠ વાવેતર પર 1673 કિલોગ્રામ મગફળીનો પાક થયો હતો.

ગુજરાતમાંથી દરવર્ષે પાંચ લાખ ટન સિંગદાણાની નિકાસ થાય છે.

750 રૂપિયે 10 કિલોના ભાવે સિંગતેલની નિકાસ થાય છે.

line

ટેકાના ભાવો

રાજકોટના શાપરમાં ગોડાઉનમાં આગની તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, સરકારે 22 અલગઅલગ સ્થળોએ મગફળીના જથ્થાનો સંગ્રહ કર્યો છે

ચાલુ સિઝન દરમિયાન રાજ્ય સરકારે બનાસ ડેરી, સાબર ડેરી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) ગુજપ્રો એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની (ગુજપ્રો) દ્વારા ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવી હતી.

સરકારી મંડળીઓમાંથી ખરીદાયેલી મગફળી ગુજરાતના અલગઅલગ 22 ગોડાઉનોમાં રાખવામાં આવી હતી.

જ્યારે ખેતપેદાશોના બજાર ભાવ ટેકાના ભાવથી નીચે જાય, ત્યારે કેન્દ્ર સરકારના આર્થિક સહયોગથી રાજ્ય સરકાર દ્વારા નોડલ એજન્સી મારફત ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.

રાજ્યના તમામ ખેડૂતો ટેકાના ભાવે ખેત પેદાશો વેચી શકે છે. જોકે, આ માટે ખેતપેદાશ નિર્ધારિત ગુણવત્તા મુજબની હોવી ઘટે.

ગુજરાતમાં મગફળી, કપાસ, બાજરી, જુવાર, મકાઈ, ડાંગર, તુવેર, મગ, તલ, ઘઉં, ચણા, રાઈ અને શેરડી જેવા મુખ્ય પાક માટે ટેકાના ભાવો આપવામાં આવે છે.

ગુજરાત કૃષિ ભાવ પંચ દ્વારા ટેકાના ભાવો નક્કી કરવામાં આવે છે.

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનાં વિજ્ઞાનીઓ, રાજય સરકારના અધિકારીઓ દ્વારા જેતે સિઝનમાં પાક ઉત્પાદન ખર્ચની ગણતરી કરીને ટેકાના ભાવોની ભલામણ કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો