શું કૅશબૅકની મદદથી દેશની અર્થવ્યવસ્થાને કૅશલેસ કરી શકશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, RUPAY.CO.IN

    • લેેખક, આલોક પુરાણિક
    • પદ, બીબીસી ગુજરાતી માટે

GST (ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ - જીએસટી) કાઉન્સિલની તાજેતરની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય કૅશલેસ (રોકડા નાણાં વિનાના) અર્થતંત્ર તરફ આગળ વધવા સાથે જોડાયેલો છે.

આ માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રુપે કાર્ડ અને ભીમ ઍપ મારફતે નાણાં ચૂકવણીનો વ્યવહાર કરતા લોકોને કુલ GSTની રકમના 20 ટકા જેટલું કૅશબૅક આપવામાં આવશે.

રુપે કાર્ડ અને ભીમ ઍપ ઓછામાં ઓછા રોકડ નાણાંની અર્થવ્યવસ્થા તરફ પ્રોત્સાહન આપવાની સરકારી વ્યવસ્થા છે. આ નિર્ણય પ્રમાણે મહત્તમ કૅશબૅકની મર્યાદા 100 રૂપિયા હશે.

બીજા શબ્દોમાં કહીએ તો જે ગ્રાહકો રુપે કાર્ડ અને ભીમ ઍપ દ્વારા ખરીદી કરશે, તેમની ખરીદારીની કિંમતમાં GSTની જે રકમ હશે, તેના 20 ટકા ભાગ કૅશબૅક તરીકે તેમના બૅન્ક ખાતામાં આવી જશે.

આ રીતે મહત્તમ 100 રૂપિયા સુધીનું કૅશબૅક મળશે. આ વ્યવસ્થામાં GSTના હિસ્સામાંથી કૅશબૅક કરવામાં આવશે એટલે GSTના ભંડોળમાં લગભગ 1000 કરોડ રૂપિયાની ઘટ પડશે.

કારણ કે જ્યારે 1000 કરોડ રૂપિયાનું કૅશબૅક આપવામાં આવશે તો ભંડોળમાં એટલાં નાણાં ઓછાં રહેશે.

line

કૅશબૅકનું અર્થતંત્ર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, THINKSTOCK

કૅશબૅક એક પ્રકારની પ્રોત્સાહક યોજના છે, જેમાં કોઈ ગ્રાહકને ખાસ પ્રકારે કોઈ વસ્તુ અથવા સેવા માટે ખર્ચ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.

ત્યારબાદ તેના બદલામાં થોડી રકમ તેના ખાતામાં પરત જમા કરી દેવામાં આવે છે. ભારતમાં આ પ્રકારે કૅશબૅકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ ખાનગી વૉલેટ સેવા પેટીએમ દ્વારા કરવામાં આવ્યો છે.

કૅશબૅકનું ખાનગી ક્ષેત્રનું અર્થશાસ્ત્ર એ છે કે એક જ પ્લેટફોર્મ પર કોઈ વસ્તુ અથવા સેવા માટે મોટા પ્રમાણમાં ઑર્ડર આવી જાય છે, ત્યારે એ સેવા અથવા વસ્તુ પૂરી પાડનાર સાથે ડિસ્કાઉન્ટની માંગણી કરી શકાય છે.

આ ડિસ્કાઉન્ટને પૂરેપૂરું અથવા આંશિક રીતે ગ્રાહક સાથે વહેંચવામાં આવે છે. આ વ્યવસ્થામાં વસ્તુ અથવા સેવા પૂરી પાડનારને ફાયદો એ છે કે, તેમને એક જ સ્થળે ઘણા ગ્રાહકો મળી જાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જેમ કે પેટીએમ અથવા કોઈ ઑન લાઇન સિસ્ટમમાં એક જ સ્થળે ઘણા ગ્રાહકોના ઑર્ડર ભેગા થઈને કોઈ સિનેમા હૉલ અથવા મોબાઇલ નિર્માતા પાસે પહોંચી જાય ત્યારે એક જ સ્થળેથી મોટો ઑર્ડર મળવાની સ્થિતિ સર્જાય છે.

અર્થશાસ્ત્ર અનુસાર જો ઑર્ડર મોટો હશે, વધારે સંખ્યા અથવા વધારે પ્રમાણમાં ઑર્ડર હશે તો પ્રત્યેક નંગદીઠ પડતર કિંમત ઓછી થઈ જાય છે.

આથી સપ્લાયરને એક જ સ્થળેથી ઘણા ઑર્ડર મળી જાય એ તેમનો ફાયદો છે.

ગ્રાહકને એ જ વસ્તુ અન્ય વિકલ્પોની સરખામણીએ સસ્તી મળી જાય છે અને પેટીએમ અથવા કોઈ પણ ખાનગી ઑન લાઇન વ્યવસ્થા માટે ફાયદો એ છે કે તે પોતે ઘણી બધી વસ્તુઓનું એક બજાર બની જાય છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં કૅશબૅક મારફતે ઘણા ગ્રાહકોને આકર્ષિત કરવાની કોશિશ કરવામાં આવી છે. પેટીએમ પાસે આજે લગભગ ત્રણ કરોડ ગ્રાહકો છે. તેમાં કૅશબૅકનું ખૂબ મોટું પ્રદાન છે.

line

કૅશબૅક અને લઘુત્તમ રોકડના અર્થતંત્ર તરફ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સરકાર રોકડવિહીન અર્થતંત્રની દિશામાં જવા ઇચ્છે છે. નવેમ્બર 2016માં કરવામાં આવેલી નોટબંધીનો એક ઉદ્દેશ એ પણ દર્શાવવામાં આવ્યો હતો કે એમ કરવાથી દેશના અર્થતંત્રમાં રોકડ નાણાનું ચલણ ઓછું થશે.

રોકડનું ચલણ ઓછું થશે તો કાળા નાણાંનો પ્રકોપ પણ ઓછો થશે, એવી અપેક્ષા હતી. કાળું નાણું રોકડના સ્વરૂપમાં પણ મજબૂત રીતે અસ્તિત્વ ધરાવે છે.

રોકડને લઈને પૂછપરછ ઓછી થાય છે, જ્યારે ઑનલાઇન લેવડદેવડનો રેકર્ડ રહે છે.

એક રૂપિયાની પણ ઑનલાઇન લેવડદેવડ થાય તો તેનો રેકર્ડ બની જાય છે.

જ્યારે રોકડમાં પાંચ લાખ રૂપિયા પણ ખર્ચી નાખવામાં આવે તો તેનો રેકર્ડ બનાવવો મુશ્કેલ છે.

નોટબંધીથી મોટી અપેક્ષા એ હતી કે લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું રદ થઈ જશે.

એક ઉદ્દેશ એ પણ જણાવવામાં આવ્યો હતો કે અર્થતંત્રમાં રોકડનું ચલણ ઓછું થઈ જશે.

પરંતુ એવું ન થયું. ઘણા વિશેષજ્ઞો કહી રહ્યા હતા કે કાળું નાણું રાખનારા પોતાની પાસે મોટા પ્રમાણમાં રહેલી મોટા મૂલ્યની ચલણી નોટોને બૅન્કમાં જમા નહીં કરાવે, એટલે એ રોકડ રદ થઈ જશે.

મતલબ કે કાળું નાણું આ રદ ચલણી નોટોનાં સ્વરૂપે રદ થઈ જશે.

પરંતુ એવું થયું નહીં. એટલે કે કાળું નાણું પાછું આવી જશે અથવા રદ થઈ જશે એવા હેતુથી જો નોટબંધીની યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે તો એમ જ કહેવાશે કે નોટબંધી કાળા નાણાં પર કાબૂ કરવામાં નિષ્ફળ રહી છે.

એ વાત સમજવાની જરૂર છે કે રોકડમાં રહેલું કાળું નાણું કુલ કાળા ધનનો માત્ર એક નાનો ભાગ છે.

મતલબ કે જે કાળું નાણું મકાન, સ્વિસ બૅન્કો અને સોનામાં બદલી નાખવામાં આવ્યું હતું તેની પર નોટબંધીની કોઈ જ અસર થઈ નથી.

હવે જ્યારે આંકડાઓ કહી રહ્યા છે કે નોટબંધી બાદ 90 ટકા પ્રતિબંધિત ચલણ સિસ્ટમમાં આવી ગયું છે, તો એવું માની લેવું જોઈએ કે નોટબંધી નિષ્ફળ રહી છે.

line

નોટબંધીથી સરકારને ફાયદો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નોટબંધીથી સરકારની નાણાકીય મુશ્કેલીઓ ઘણી દૂર થઈ છે. વર્ષ 2012-13માં કુલ ચાર કરોડ 72 લાખ કરદાતાઓ હતા.

જ્યારે વર્ષ 2016-17માં આ આંકડો વધીને 6 કરોડ 26 લાખ થઈ ગયો અને લગભગ 90 લાખ નવા કરદાતાઓ કર વ્યવસ્થા સાથે જોડાયા.

દર વર્ષે જેટલા કરદાતાઓ કર વ્યવસ્થા સાથે જોડાય છે તેની સરખામણીએ આ આંકડો 80 ટકા વધુ છે. એટલા માટે કરદાતાઓની સંખ્યા વધારવામાં નોટબંધી સફળ રહી છે.

એટલું જ નહીં નોટબંધી બાદ કરાયેલી કાર્યવાહીઓમાં 5,400 કરોડની બિનહિસાબી આવક પણ ઝડપાઈ હતી. પરંતુ કાળું નાણાં પર નોટબંધીની કોઈ અસર ન થઈ.

એક અભ્યાસ મુજબ ફેબ્રુઆરી 2018ના અંત સુધી અર્થવ્યવસ્થામાં રોકડ એ સ્તરે સિસ્ટમમાં આવી ગઈ હતી જે સ્તરે નોટબંધી પહેલાં હતી.

હવે કૅશલેસ મારફતે અર્થવ્યવસ્થામાં કેવી રીતે રોકડનો ઉપયોગ ઘટશે એ ભવિષ્યમાં જોવું રહ્યું.

પરંતુ એક વાત સમજવાની જરૂર છે કે રોકડાનો ઓછો ઉપયોગ કરવાની દિશા તરફ લઈ જવા માટે ગ્રાહકોને કૅશબૅકના પ્રોત્સાહન સિવાય માળખાગત પ્રશિક્ષણ પણ આપવું પડશે.

યુવાનો તો રુપે કાર્ડ અથવા તો ભીમ ઍપ મારફતે ઑન-લાઇન ખરીદી કરી લેશે પરંતુ મોટી ઉંમરના લોકો માટે આ પદ્ધતિ સહેલી નહીં હોય.

દસ-વીસ રૂપિયાનાં ડિસ્કાઉન્ટનું પ્રોત્સાહન આપવા માટે તેમને ઑન-લાઇને લેવડ-દેવડની માળખાગત ટ્રેનિંગ આપવામાં આવે. આ કામને માત્ર કૅશબૅક મારફતે જ કરવું સંભવ છે.

કૅશબૅક સિવાય અને અન્ય સંસ્થાગત ગોઠવણ કર્યા વિના ભારતના લોકોના દિમાગમાંથી રોકડનું ભૂત કાઢવું સહેલું નથી.

નોટબંધીના દિવસોમાં જે લોકો રોકડ વિના વ્યવહાર કરતા હતા તેઓ ફરીથી જૂની આદત મતલબ કે રોકડ વ્યવહાર તરફ વળ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો