પેટીએમ પરના ડેટા પ્રાઈવસી સંબંધી આક્ષેપોની શું છે સચ્ચાઈ?

ઇમેજ સ્રોત, Twitter@VIJAYSHEKHAR
- લેેખક, દેવિના ગુપ્તા
- પદ, બીબીસી વર્લ્ડ
દેશમાં નોટબંધી લાદવામાં આવી પછી ટૂંક સમયમાં જ વિખ્યાત થયેલી કંપનીનું સૂત્ર 'પેટીએમ કરો' લોકજીભે ચડી ગયું હતું, પણ બહુ ઓછા લોકો જાણે છે કે કોઈપણ ઈલેક્ટ્રોનિક-વોલેટ ટ્રાન્ઝેક્શન માટે પેટીએમ સમાનાર્થી શબ્દ બની જાય એવું કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા ઇચ્છતા હતા.
ગૂગલ અને ઝેરોક્ષ કોઈ વેબસાઈટ સર્ચ કે ફોટોકોપીના કામ માટે સમાનાર્થી શબ્દ કઈ રીતે બની ગયાં છે, તેની ગંભીર વિચારણા બાદ વિજય શેખર શર્માએ આ સૂત્ર બાબતે નિર્ણય લીધો હતો.
જોકે, ડેટા પ્રાઈવસીના આક્ષેપોને પગલે સર્જાયેલા વિવાદને કારણે કેટલાક સવાલો ઉદ્ભવ્યા છે.

શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
વિજય શેખર શર્માના ભાઈ અજય શેખર શર્મા પેટીએમના સીનિઅર વાઈસ પ્રેસિડેન્ટ છે.
એક મીડિયા કંપનીના સ્ટિંગ ઓપરેશનમાં અજય શેખર શર્મા ભારતીય જનતા પક્ષ (બીજેપી)ના માતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથેની તેમની નિકટતા બાબતે બડાશ મારતા જોવા મળ્યા હતા.
કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓ બની પછી પેટીએમના કાશ્મીરના યૂઝર્સના ડેટા વડાપ્રધાનની ઓફિસે કંપની પાસે માગ્યા હોવાનું પણ અજય શેખર શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં જણાવ્યું હતું.
તેના સંદર્ભમાં યુઝર્સના ડેટાની સલામતી બાબતે કેટલાક સવાલ ઉઠ્યા હતા.
કાયદા અનુસારની ડેટા રિક્વેસ્ટ્સને બાદ કરતાં ત્રીજા પક્ષને કોઈ માહિતી આપી હોવાનો કંપનીએ એક ટૂંકા નિવેદનમાં ઇન્કાર કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
અજય શેખર શર્મા સંબંધે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી અને બીબીસીએ આ સંબંધે કરેલી વિનંતીનો પણ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
નેશનલ ડેમોક્રિટક અલાયન્સ (એનડીએ)ની કેન્દ્ર સરકાર પેટીએમની તરફેણ કરતી હોવાનો ટોણો કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ માર્યો હતો. આ પ્રકારના આક્ષેપો પહેલીવાર કરવામાં આવ્યા નથી.

નોટબંધી અને પેટીએમની સફળતા

ઇમેજ સ્રોત, Getty Images
2016ના નવેમ્બરમાં નોટબંધીની જાહેરાતને પગલે દેશ દિગ્મૂઢ થઈ ગયો હતો, પણ પેટીએમને અણધાર્યો લાભ થયો હતો.
કેશલેસ ટ્રાન્સઝેક્શન માટે 2010માં શરૂ કરવામાં આવેલી કંપની માટે રોકડ પરની ભારતીય ગ્રાહકોની નિર્ભરતાનો વિકલ્પ બનવાનું મુશ્કેલ સાબિત થયું હતું.
છ વર્ષમાં લગભગ સવા કરોડ લોકો તેનો ઉપયોગ કરતા થયા હતા. કંપનીએ નાના દુકાનદારો તથા વેપારીઓમાં કેશલેશ ટ્રાન્ઝેક્શનનો આઈડિયા આગળ ધપાવ્યો હતો, છતાં તેનું વોલ્યુમ નીચું રહ્યું હતું.
વાસ્તવમાં એક દિવસમાં ત્રીસ લાખ ટ્રાન્ઝેક્શન થયાં તેને મોટી સિદ્ધિ ગણવામાં આવી હતી અને કંપનીએ તેની ઊજવણી કરી હતી.
જોકે, નોટબંધીની જાહેરાતના માત્ર ત્રણ જ મહિનામાં કંપનીના યૂઝર્સની સંખ્યામાં લગભગ 50 ટકા વધારો થયો હતો.
કોઈની પાસે રોકડ ન હતી ત્યારે મધ્યમ અને ઓછી આવક ધરાવતા કમસેકમ 1 કરોડ 90 લાખ યૂઝર્સ પેટીએમ નેટવર્ક તરફ વળ્યા હતા.

કેવી રીતે થયો પેટીએમનો વિસ્તાર?

ઇમેજ સ્રોત, Getty Images
એ સમયે વિજય શેખર શર્માએ તેમની કંપનીના વિસ્તારની તક ઝડપી લીધી હતી.
તેમણે પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક માટે નાણાં એકત્ર કરવા પેરન્ટ કંપની વનનાઇન્ટીસેવનનો એક ટકા હિસ્સો 325 કરોડ રૂપિયામાં અન્ય શેરહોલ્ડર્સને વેચ્યો હતો.
વધુને વધુ યૂઝર્સ મોબાઈલ વોલેટ્સનો ઉપયોગ કરી રહ્યા હોવાથી પછી વિજય શેખર શર્મા ચીની રોકાણકારો પાસે ગયા હતા.
એ રીતે નોટબંધીની જાહેરાતના માત્ર છ જ મહિનામાં વિજય શેખર શર્માએ અલીબાબા ગ્રૂપ તથા એસએઆઈએફ પાર્ટનર્સ જેવા ચીની રોકાણકારો પાસેથી 20 કરોડ ડૉલર્સ કંપનીની તિજોરીમાં ઉમેર્યા હતા.
અલીબાબા ગ્રૂપે પેરન્ટ કંપની વનનાઇન્ટીસેવનમાંના રિલાયન્સ કેપિટલ અને અન્યોનો હિસ્સો પણ ખરીદ્યો હતો. પરિણામે કંપનીનું વેલ્યૂએશન વધીને 6 અબજ ડૉલરનું થઈ ગયું હતું.
એ પછી કંપનીએ પાછું વાળીને જોયું નથી. પોતાનો યૂઝર બેઝ વિસ્તારવા માટે 1.4 અબજ ડૉલર ઊભા કરવા ગયા વર્ષે મેમાં તેણે જાપાની રોકાણકાર સોફ્ટ બેન્કને પણ આકર્ષી હતી.
મોટા પ્રમાણમાં ભંડોળ ઉપલબ્ધ હોવાથી પેટીએમએ તેના પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને માર્કેટ લીડર બનવા માટે આક્રમક કેશબેક વ્યૂહરચના અપનાવી હતી.
કંપનીએ એક બૅન્ક તથા ઈ-કોમર્સ માટે મોલ શરૂ કર્યાં હતાં અને લાઈફ તથા જનરલ ઇન્સ્યુરન્સ પ્રોડક્ટ્સ માટે લાઈસન્સ પણ મેળવ્યું હતું.
તેથી કંપનીની રેવન્યુ 2015માં માત્ર 336 કરોડ રૂપિયા હતી એ ઝડપભેર વૃદ્ધિ પામે અને 2016-17માં તેની રેવન્યુ 814 કરોડ રૂપિયા થઈ જાય તેમાં આશ્ચર્યજનક કંઈ નથી.
આજે આશરે 30 કરોડ યૂઝર્સ તેની મારફત રોજ સરેરાશ 70 લાખ ટ્રાન્ઝેક્શન કરે છે અને તેની વેલ્યૂ 9.4 અબજ ડૉલરની છે.

રાજકીય આક્ષેપબાજી

ઇમેજ સ્રોત, Getty Images
વિદ્યાર્થીઓ માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તક 'એક્ઝામ વોરિયર્સ'ને પેટીએમના એપ્સના હોમપેજ પર કઈ રીતે પ્રમોટ કરવામાં આવ્યું હતું એ વિશે કંપનીના સીનિઅર વાઈસ પ્રેસિડેન્ટ સ્ટિંગ ઓપરેશનમાં વાત કરતા જોવા મળ્યા હતા.
ડિજિટલ પેમેન્ટ્સ કંપનીએ જમણેરી પક્ષનો એજન્ડા અનૈતિક રીતે આગળ ધપાવ્યો હતો કે કેમ એ વિશે વિરોધ પક્ષે ચિંતા વ્યક્ત કરી હતી.
વિજય શેખર શર્મા વડાપ્રધાન મોદી અને તેમની નીતિઓના ચુસ્ત સમર્થક છે તેમાં કોઈ શંકા નથી.
નોટબંધીની જાહેરાત પછી તરત જ પેટીએમએ વડાપ્રધાનના ફોટોગ્રાફ સાથે અગ્રણી અખબારોમાં આખા પાનાની જાહેરાત પ્રકાશિત કરાવી હતી.
'સ્વતંત્ર ભારતના નાણાકીય ઇતિહાસમાં સૌથી વધુ બહાદુરીભર્યો નિર્ણય' લેવા બદલ વડાપ્રધાનને એ જાહેરાતમાં વખાણવામાં આવ્યા હતા.
તેની વિરોધપક્ષે ઝાટકણી કાઢી હતી. શાસક પક્ષ પેટીએમની તરફેણ કરતો હોવાનો આક્ષેપ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કર્યો હતો.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વડાપ્રધાનને ટોણો મારતાં તેમને 'પેટીએમવાળા' ગણાવ્યા હતા, જ્યારે રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે 'પેટીએમનો અર્થ પે ટુ પ્રાઈમ મિનિસ્ટર' થાય છે.
નુકસાન ખાળવા માટે કેન્દ્ર સરકાર સક્રિય થઈ હતી અને વડાપ્રધાનના ફોટોગ્રાફનો ઉપયોગ પરવાનગી વિના કરવા બદલ દંડ ફટકારવાની ધમકી પેટીએમને આપી હતી.
અલબત, વડાપ્રધાનના ફોટોગ્રાફ્સ સાથેની જાહેરાતો પ્રકાશિત કરવામાં આવ્યાના ત્રણ મહિના બાદ પેટીએમએ માફી માગી હતી.
એક અન્ય ઘટનામાં દિલ્હી બીજેપીના નેતાઓ એક ઝૂંપડપટ્ટીમાં 2017ના જાન્યુઆરીમાં તેમનાં પેટીએમ ડિજિટલ વોલેટ્સ દેખાડતા હોવાનો વીડિયો આમ આદમી પાર્ટી(આપ)એ બહાર પાડ્યો હતો.
આપએ આક્ષેપ કર્યો હતો કે બીજેપી ચીની એક રોકાણકાર ધરાવતી કંપનીની સેલ્સ ટીમની ભૂમિકા ભજવી રહી છે. બીજેપીએ બધા આક્ષેપોનો ઇન્કાર કર્યો હતો.
પેટીએમની પેરન્ટ કંપની વનનાઇન્ટીસેવન ચીની રોકાણકારો ધરાવતી હોવા બાબતે પણ ચિંતા વધી રહી છે.
ભારતીયો દ્વારા શેર કરવામાં આવતા ડેટાનો ઉપયોગ કોઈ વિદેશી કંપની દ્વારા થવાની શક્યતા બાબતે આરએસએસની આર્થિક પાંખે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
જોકે, કંપની પોતાના ભારતીય હોવા બાબતે વારંવાર આગ્રહપૂર્વક જણાવતી રહી છે.

ડેટા પ્રાઈવસી અને ભારતીય મીડિયા

ઇમેજ સ્રોત, COBRAPOST.COM
આ વર્ષના જાન્યુઆરીમાં દાવોસ ખાતેની ગ્લોબલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં વડાપ્રધાનને વખાણતાં વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ લીધેલાં પગલાઓને કારણે સરકારી વ્યવસ્થામાં અડચણો ઘટી છે અને તેમની નીતિઓથી ધંધાર્થીઓને લાભ થઈ રહ્યો છે.
અલબત, ભારતનો સમાવેશ વિશ્વના સૌથી વધું ભ્રષ્ટ દેશોમાં થાય છે અને ટ્રાન્સ્પેરન્સી ઇન્ટરનેશનલના ગ્લોબલ કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સમાં 2017માં ભારત 79મા ક્રમેથી 81મા ક્રમે પહોંચ્યું છે.
ઉત્તર પ્રદેશના અલીગઢના એક શિક્ષકના પુત્ર વિજય શેખર શર્માએ દિલ્હીમાં આગવું સ્થાન બનાવતાં પહેલાં લાંબો પંથ કાપ્યો છે.
1.72 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતા વિજય શેખર શર્મા યુવા ભારતીય અબજોપતિઓની ફોર્બ્ઝ સામયિકની 2017ની યાદીમાં સ્થાન પામ્યા હતા.
ડેટા પ્રાઈવસીનો વિવાદ તોળાઈ રહ્યો હોવા છતાં ભારતના મુખ્યધારાના મીડિયાએ આ સ્ટિંગ ઓપરેશનને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધું નથી.
પેટીએમના રોકાણકાર હોવાને નાતે અલીબાબાએ, તેમનો સંપર્ક સાધ્યો ત્યારે પ્રતિભાવ આપ્યો ન હતો.
સોફ્ટબેન્કના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું, "સોફ્ટબેન્ક તેની પોર્ટફોલિયો કંપનીઓ બાબતે કોમેન્ટ કરતી નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















