મીડિયા જૂથોનો ભાજપ તરફી ઝુકાવ, કોબ્રાપોસ્ટનાં સ્ટિંગમાં કેટલું સત્ય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જસ્ટિન રૉલેટ
- પદ, દક્ષિણ એશિયા સંવાદદાતા
કોબ્રાપોસ્ટનું 'ઑપરેશન 136' એક એવું સ્કૅન્ડલ છે કે જે ભારતીય લોકતંત્રના એક મહત્ત્વના સ્તંભ 'પ્રેસના સ્વાતંત્ર્ય' પર જોરદાર હુમલાનો દાવો કરે છે.
એમ છતાં ભારતીય ન્યૂઝ ચેનલો અને સમાચારપત્રોમાં આ સંદર્ભે કોઈ સમાચાર દેખાતાં નથી. એનું એક કારણ એવું પણ છે કે ઘણી પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાઓ પર પણ આરોપ લાગ્યાં છે.
ન્યૂઝ વેબસાઇટ કોબ્રાપોસ્ટે તાજેતરમાં જ મીડિયા સંસ્થાઓ પર એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે.
કોબ્રાપોસ્ટ વેબસાઇટ સ્ટિંગ ઓપરેશન આધારે દાવો કરે છે કે દેશના મોટા મીડિયા સમૂહો શાસક પક્ષ ભાજપ તરફ ઝુકાવ ધરાવે છે.
સાથેસાથે સ્ટિંગ ઓપરેશનમાં ઘણાં પત્રકારો પણ પૈસા માટે રાજકીય એજન્ડા આગળ વધારવા તત્પર જોવા મળ્યા.

સ્ટિંગને 'ઑપરેશન 136' નામ કેમ આપ્યુ?

ઇમેજ સ્રોત, cobrapost
કોબ્રાપોસ્ટ એક નાનું પણ વિવાદાસ્પદ મીડિયા સમૂહ છે જે પોતાના અંડરકવર સ્ટિંગ ઑપરેશન માટે ચર્ચામાં રહે છે.
પોતાને નોન-પ્રૉફિટ મેકિંગ ન્યૂઝ સમૂહ ગણાવતું કોબ્રાપોસ્ટ માને છે કે ભારતમાં પત્રકારત્વ એટલું વધી ગયું છે કે તેનું મહત્ત્વ ઓછું થઈ ગયુ છે.
કોબ્રાપોસ્ટે પોતાના સ્ટિંગને 'ઑપરેશન 136' નામ આપ્યું છે. જોકે વર્ષ 2017ની વર્લ્ડ પ્રેસ ફ્રીડમ રેન્કિંગમાં ભારતનું 136મું સ્થાન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોબ્રાપોસ્ટ પ્રમાણે તેમની રેકોર્ડિંગ્ઝ દેખાડે છે કે ભારતના મોટા મીડિયા સમૂહો પૈકી કેટલાંક સમૂહ "લોકોમાં સાંપ્રદાયિકતા ફેલાવવાની સાથે કોઈ એક રાજકીય પક્ષની તરફેણમાં ચૂંટણીના પરિણામ આવે એવા પ્રયાસો કરવા" તૈયાર છે.
આ મીડિયા સમૂહો પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર છે.
આ પ્રકારના અંડરકવર સ્ટિંગ ઑપરેશન મોટાભાગે વિશ્વાસ કરવા લાયક હોતા નથી.
આપને આ પણ વાંચવું ગમશે

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રકારના ઑપરેશનના વીડિયોનું એડિટિંગ કરીને સવાલો અને જવાબોને બદલી શકાય છે.
કોબ્રાપોસ્ટના એક અંડરકવર રિપોર્ટર પુષ્પ શર્મા કહે છે કે તેમણે ભારતના 25થી વધુ મીડિયા સમૂહો સાથે સંપર્ક કર્યો અને બધાંને એકસરખી ઓફર કરી.
સ્ટિંગ ઑપરેશનમાં દાવો કરતા તેઓ કહે છે કે, તેઓ એવા એક આશ્રમ અને સંગઠનના સભ્ય છે, જેની પાસે બહુ પૈસા છે.
આ સંગઠન આગામી ચૂંટણીમાં હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટી ભાજપનો વિજય સુનિશ્ચિત કરવા માટે જોઈએ એટલાં પૈસા આપવા તૈયાર છે.
પુષ્પ શર્માનું કહેવું છે કે તેમણે મીડિયા સમૂહો સમક્ષ આશ્રમ તરફથી ત્રણ પ્રકારની રણનીતિ રજૂ કરી હતી.

એ રણનીતિ શું હતી?

ઇમેજ સ્રોત, Getty Images
પુષ્પ શર્માએ મીડિયા સંસ્થાઓને પ્રસ્તાવ આપ્યા કે 'સૉફ્ટ હિન્દુત્વ'ને પ્રમોટ કરે, એ માટે ભગવાન કૃષ્ણ અને ભગવદ્ ગીતાની કથાઓને પ્રમોટ કરી શકાય.
ત્યારબાદ બીજા તબક્કામાં ભાજપના રાજકીય વિરોધીઓ, વિશેષ રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવે.
પછી ત્રીજા અને અંતિમ તબક્કામાં હિન્દુત્વના પૉસ્ટર બૉયની છબી ધરાવતા નેતાઓના ભાષણ પ્રમોટ કરવામાં આવે.
પુષ્પ શર્માએ કેટલાંક પત્રકારોને એવું પણ સમજાવ્યું કે ત્રીજા તબક્કા પાછળ એવો વિચાર છે કે તેનાથી મતદારોનું ધ્રુવીકરણ કરવું, જેથી ફાયદો ભાજપને મળે.
વાઇરલ વીડિયો અને જિંગલ્સ

ઇમેજ સ્રોત, Getty Images
કોબ્રાપોસ્ટની વેબસાઇટ કહે છે કે, તેમણે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જેવા દિગ્ગજ અખબાર સાથે પણ વાતચીત કરી, જે ભારત જ નહીં, વિશ્વમાં સૌથી વધારે વેચાતુ અખબાર છે.
તે સિવાય અંગ્રેજી અખબાર ધી ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ અને ઇન્ડિયા ટુડે ગ્રૂપનો પણ સંપર્ક કર્યો જે દેશની ઘણી લોકપ્રિય ટીવી ચેનલો ચલાવે છે.
હિન્દી ભાષાના અખબાર અને પ્રાદેશિક મીડિયા સમૂહોનો પણ સંપર્ક કર્યો હતો.
કોબ્રાપોસ્ટ પ્રમાણે બે સંસ્થાઓને બાકાત કરતા બે ડઝનથી વધારે મીડિયા સમૂહોએ કહ્યું કે આ અંગે તેઓ વિચાર કરશે.
કોબ્રાપોસ્ટ વેબસાઇટ પર પ્રકાશિત સ્ટોરીમાં મીડિયા કર્મચારી, તંત્રી અને પત્રકાર વાત કરતા જોવા મળે છે કે તેઓ પુષ્પ શર્માના પ્રસ્તાવ પર કેવી રીતે કામ કરી શકશે.
હિન્દુત્વના એજન્ડા માટે અલગ-અલગ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images
મીડિયા સમૂહોએ અલગ-અલગ સૂચનો આપ્યાં, જેમાં અઘોષિત 'એડિટોરિઅલ પેઇડ ન્યૂઝ' અને 'સ્પેશ્યલ ફીચર' છાપવા જેવા સૂચનો સમાવિષ્ટ હતાં.
કેટલાંક સમૂહોનું કહેવું છે કે તેઓ સ્પેશિયલ ટીમ બનાવશે જેના દ્વારા આશ્રમના ઉદ્દેશોને પૂરા કરી શકાય.
આ દરમિયાન વાઇરલ વીડિયો, જિંગલ, ક્વિઝ અને ઇવેન્ટ્સનો ઉપયોગ કરવાની પણ વાત થઈ હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
કોબ્રાપોસ્ટે કેટલીક દિગ્ગજ મીડિયા સંસ્થાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કોઈ અન્ય લોકશાહી દેશમાં જો આ પ્રકારનું સ્કેન્ડલ બહાર આવ્યું હોત તો તેને સમાચારોમાં જગ્યા મળી હોત અને લોકોએ વિરોધ-પ્રદર્શન પણ કર્યા હોત.
આટલું બધું થવા છતાં ભારતમાં ગણતરીની મીડિયા સંસ્થાઓ(દ વાયર, સ્ક્રોલ અને ધ પ્રિન્ટ)એ જ પોતાની વેબસાઇટમાં આ સમાચારને જગ્યા આપી છે.

રિવર્સ સ્ટિંગનો શું અર્થ?

ઇમેજ સ્રોત, Getty Images
કોબ્રાપોસ્ટના સ્ટિંગ ઑપરેશનમાં જે મીડિયા સમૂહોને નિશાન બનાવાયા છે, તેમણે પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે.
આ મીડિયા સમૂહોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારે ખોટું કામ નથી કરાયું અને અંડરકવર રિપોર્ટર સાથેની વાતચીતના વીડિયોનું એડિટિંગ કરાયું છે, જેથી વીડિયોમાં થયેલી વાતચીતનું ખોટું અર્થઘટન કરી શકાય.
ઉદાહરણ માટે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા કહે છે કે, "આ સામગ્રી ડૉકટરિંગનો મામલો" છે અને કોબ્રાપોસ્ટે જે મીડિયા સમૂહોના નામ આપ્યા છે એમાંથી કોઈ પણ "ગેરકાયદેસર અને અનૈતિક કામ માટે તૈયાર થયું નથી અને કોઈ પણ કૉન્ટ્રાક્ટ" પર હસ્તાક્ષર કર્યા નથી.
કોબ્રાપોસ્ટના વીડિયોમાં બેનેટ કૉલમેન સમૂહના એમ.ડી. વિનીત જૈન દેખાય છે, જે કામના બદલે કેટલા પૈસા લેવા અંગે વાત કરતા જણાય છે.
વિનીત જૈને કહ્યું હતું કે આશરે એક હજાર કરોડ રૂપિયા જોઈશે, છેવટે તેના કરતાં અડધી કિંમતમા તૈયાર થઈ ગયાં.
બેનેટ કૉલમેને આવું કંઈ જ ન થયું હોવાનું જણાવ્યું છે.
એટલું જ નહીં, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સમૂહમાં એક લેખ પણ છાપવામાં આવ્યો છે જેમાં દર્શાવ્યું છે કે તેમણે કોબ્રાપોસ્ટનું 'રિવર્સ સ્ટિંગ' ઑપરેશન કર્યું છે.
લેખ દર્શાવે છે કે સમૂહના મોટા અધિકારીઓ પહેલાંથી જ પુષ્પ શર્મા વિશે જાણતા હતાં અને એટલે જ જાણી જોઈને આ પ્રસ્તાવ સાંભળવા માટે તૈયાર થયા કેમ કે, તેમને ફસાવીને હકીકત બહાર લાવી શકાય.
ઇન્ડિયા ટુડે સમૂહે પણ કંઈ પણ ખોટું કામ ન કર્યું હોવાનું જણાવ્યું છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે કંપની કોઈ પણ પ્રકારનું અનૈતિક કામ નહીં કરે અને પોતાની ચેનલ પર એવી જાહેરાતો પણ નહીં ચલાવે કે જે દેશને જાતિ અને ધર્મના નામે અલગ કરતી હોય.

ડૂબશે કે ઉગરી જશે

ઇમેજ સ્રોત, Getty Images
પણ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસે કહ્યું છે કે આ સમગ્ર ઘટનામાં એડિટોરિઅલ સમસ્યા નથી કારણ કે અંડરકવર રિપોર્ટર અને જાહેરખબર વિભાગના કર્મચારી વચ્ચે જાહેરાત અંગે જ વાતચીત થઈ હતી.
આ અખબારનું પણ એવું કહેવું છે કે, સાંપ્રદાયિક તણાવ ઊભા થાય એવી જાહેરાત ક્યારેય નહીં સ્વીકારે અને કર્મચારીઓએ પણ સ્પષ્ટતા કરી હતી કે જાહેરાતને કાયદાકીય રીતે તપાસવામાં આવશે.
એમાં કોઈ શંકા નથી કે કોબ્રાપોસ્ટના આરોપોને શંકાની નજરે જોવા જોઈએ, પણ એમાં પણ કોઈ શંકા નથી કે ભારતમાં મીડિયાની સ્વતંત્રતા પર ગંભીર શંકા ઉપજાવે છે.
દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર જો પ્રેસના સ્વાતંત્ર્યના રૅન્કિંગમાં નીચે જવા લાગશે તો આ રાષ્ટ્ર માટે શરમની વાત ગણાશે.
જો આ આરોપ સિદ્ધ થઈ જાય તો એમાં કોઈ શંકા નથી કે ભારત આ રેન્કિંગમાં હજું પાછળ જશે.
ન્યૂઝ વેબસાઇટ સ્ક્રોલની હેડલાઇન એ ચેલેન્જ દર્શાવે છે કે જેનો સામનો આખો દેશ કરી રહ્યો છે.
સ્ક્રોલની હેડલાઇન કહે છે કે, "કોબ્રાપોસ્ટ એક્સપોઝ દર્શાવે છે કે ભારતીય મીડિયા ડૂબી રહ્યું છે...હવે કાં તો ડૂબી જઈએ કાં તો સામનો કરીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














