'હું મારા બૉયફ્રેન્ડથી મારો પગાર છુપાવું છું તેનું કારણ છે'

ઇમેજ સ્રોત, Zeb McGann
મારી પાસે એક રહસ્ય છે જે હું એક વ્યક્તિથી છુપાવી રહી છું. એ વ્યક્તિ જેની સાથે હું બધું જ શેર કરું છું ઘર, બેડ, ઘરનું કરિયાણું, ભય એટલે સુધી કે અમારું જોઇન્ટ બૅન્ક અકાઉન્ટ પણ છે. એ વ્યક્તિ છે મારો બૉયફ્રેન્ડ.
હું તેના વિશે બધું જ જાણું છું. એટલે સુધી કે એક વખત તેણે મારી સાથે દગો કર્યો હતો એ અંગે પણ મને જાણ છે.
તે પણ મારા અંગે બધું જ જાણે છે એટલે સુધી કે હું નશામાં કેવી કેવી હરકતો કરું છું.
હું મારા બૉયફ્રેન્ડથી વધુ કમાવ છું અને આ વાતની જાણ તેને નથી અને મને આ વાત તેને જણાવતા સંકોચ થઈ રહ્યો છે.
2017માં આ મુદ્દે એક સર્વે હાથ ધરાયો હતો જેમાં જાણવા મળ્યું હતું કે આધુનિક જમાનાની એવી મહિલાઓ જે તેમના પુરુષ પાર્ટનરથી વધુ કમાય છે તેઓ આ અંગે ચિંતિત છે અને મૂંઝવણ અનુભવે છે.
સર્વેમાં નામ ન આપવાની શરતે એક યુવતીએ જણાવ્યું, "જ્યારે મને એવી જાણ થઈ કે હું મારા પતિ કરતાં વધુ પૈસા કમાવ છું તો મને શરમનો અનુભવ થવા લાગ્યો."
આ અંગે ટ્વીટર પર લાખોની મોઢે ટ્વીટ થયાં હતાં કે અને લોકોએ કહ્યું હતું કે જે મહિલાઓ તેમના પુરુષ પાર્ટનર કરતાં વધુ કમાય છે એ 'માત્ર સારી બાબત' છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેં એવું પણ નોંધ્યું છે કે દુનિયામાં મહિલાઓ અને પુરુષોના મહેનતાણા વચ્ચેનું અસંતુલન મહિલાઓ સાથે શારીરિક ઉત્પીડનને નોતરે છે.
મેં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ 2017ના એક અહેવાલ અંગે પણ ઉલ્લેખ કર્યો છે જેમાં જણાવ્યું છે કે મહિલાઓ અને પુરુષને ચૂકવવામાં આવતા પગારના તફાવતને દૂર કરવામાં 217 વર્ષનો સમય લાગશે.
હાલમાં હું અને મારો બૉયફ્રેન્ડ ફરવા માટે પણ અલગઅલગ જઈએ છીએ કારણ કે એકસાથે ફરવા જવાનું અમને પોસાતું નથી.
અમારી વચ્ચે માત્ર કામ...કામ અને કામ જ છે.
જોકે, મારી પાસે એવો સમય આવ્યો હતો જ્યારે અમે સાથે ફરવા જઈ શક્યા હોત. તે સમયે હું બધો જ ખર્ચ ઉઠાવી શકવા સર્મથ હતી. .
જ્યારે મને 5000 યુરો (આશરે 4 લાખ રૂપિયા)નો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે અમે સાથે ફરવા પણ જઈ શક્યા હોત અને બધો ખર્ચ હું એકલી ભોગવી શકી હોત.
જોકે, મેં મારા બૉયફ્રેન્ડને આ પૈસા અંગે જાણ ન કરી અને સેવિંગ્ઝ એકાઉન્ટમાં મૂકી દીધા.
મને ડર હતો કે જો મારા બૉયફ્રેન્ડને જાણ થાત કે હું તેના કરતાં વધુ પૈસા કમાવ છું તો તેને ખરાબ લાગત.
જ્યારે હું મારા બૉયફ્રેન્ડને મળી ત્યારે હું તેના કરતાં વર્ષે 16 લાખ રૂપિયા વધુ કમાતી હતી.
તે એક માળી છે અને હું પબ્લિસિંગ ક્ષેત્રમાં કામ કરું છું. અમારા છ વર્ષના સંબંધમાં હું તેનાથી વધુ કમાણી કરું છું.

ઇમેજ સ્રોત, Zeb McGann
અમે અત્યારે સાથે રહીએ છીએ અને મને આશા છે કે અમે ત્યાં સુધી સાથે રહીશું, જ્યાં સુધી અમારામાંથી કોઈ એકનું મૃત્યુ ના થાય.
જોકે, તેને હજુ પણ મારી નાણાં વ્યવસ્થા અંગે જાણ નથી. અમારો સંબંધ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે.
અમે જ્યારે બહાર જમાવા માટે જઈએ, ત્યારે તે પૈસા ચૂકવે છે. ક્યારેક તો તે મારા માટે કપડાંની પણ ખરીદી કરે છે. મને આ બિલકુલ પસંદ નથી.
મને જાણ છે કે તે સમાજની માનસિકતા 'પુરુષ ઘરનો કર્તાહર્તા'ના દબાણવશ આ બધું કરી રહ્યો છે.
તેને એ બાબતનો ડર છે કે તે મારી જરૂરિયાત સંતોષી શકશે કે નહીં.
મારા કરિયરમાં એક વર્ષ એવું પણ હતું જ્યારે મેં ખૂબ જ ઓછા પૈસા કમાયા હતા પરંતુ મને મારા કામને કારણે ઍવોર્ડ મળ્યો હતો.
ત્યારે તે ખૂબ જ ખુશ થયો હતો અને તેને લાગ્યું હતું કે તેની થોડી ઘણી આર્થિક મદદને કારણે આ શક્ય બન્યું છે.
મને યાદ છે જ્યારે અમે મારા જન્મદિવસ પર બહાર ડિનર માટે ગયા હતા.
ત્યારે તેણે પૈસા ચૂકવ્યા અને કૅબ કરીને ઘરે આવ્યા. ત્યારબાદ અમે સેક્સ માણ્યું હતું.
એટલું જ નહીં એ વર્ષ દરમિયાન પહેલા કરતાં અમારી વચ્ચે ખૂબ સારા શારીરિક સંબંધો બંધાયા હતા.
મારો બૉયફ્રેન્ડ ખૂબ જ હોશિયાર છે અને તે મારી સફળતામાં ગર્વ અનુભવે છે.
'મને તેની જરૂરિયાત છે' એ વાતથી પણ તે ખુશ થાય છે જેની મને ખબર છે. કદાચ એટલે જ મેં તેનાથી આ વાત છુપાવી છે.
ક્યારેક હું રાત્રે જાગી જઉં છું અને મારી જાતને સવાલ કરું છું કે શું મારે મારા નાણાંકીય વ્યવહારની વાત તેને જણાવવી જોઈએ?
વર્ષ 2016 હાર્વર્ડ સ્ટડીના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે સંબંધમાં પતિઓ પાર્ટ ટાઇમ અથવા વધુ કામ નથી કરતા તેમનામાં ડિવોર્સ થવાની સંભાવના વધુ રહેલી હોય છે.
અભ્યાસના લેખક ઍલેક્ઝાન્ડ્રા કિલ્લેવૉલ્ડે આ બાબતે કારણ આપતા લખ્યું કે પતિઓ વધુ કમાનારા હોવાનું માનતા હોવાથી આવું થાય છે.
હું ગર્ભશ્રીમંત નથી અને મારું સેવિંગ સિંગર રિહાના, બિયૉન્સે કે મેઘન માર્કેલ જેટલું પણ નથી.
મારા માતાપિતા સાધારણ પૃષ્ઠભૂમિથી આવે છે. ત્યારબાદ મારા પિતા 80ના દાયકામાં એક સફળ બૅન્કર બન્યા.
તેઓ પાસે કોઈ લાયકાત નહોતી અને તેમના પરિવારમાંથી કોઈએ એવું વિચાર્યું નહોતું કે તેઓ આટલા પૈસા કમાશે.
જોકે, 90ના દાયકાની શરૂઆતમાં બધું જ ખતમ થઈ ગયું. ત્યારબાદ મારા પિતાની નોકરી છૂટી ગઈ અને અમારે ઘર ગુમાવવાનો વારો આવ્યો.
થોડા વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ મારા માતાએ તેમનો બિઝનેસ જમાવ્યો અને તેઓ ઘરનો આધાર બન્યાં. આને કારણે મારા માતપિતાને અલગ થવાનો વારો આવ્યો.
પરંતુ શા માટે? કારણ કે મારા પિતાનો ઘમંડ આ બાબત સહન ના કરી શક્યો. તે લોકોને કહેતા હતા કે મારી માતાની કંપની ખરેખરમાં તેમની છે.

ઇમેજ સ્રોત, Zeb McGann
હું તેમના રૂમના દરવાજે ઊભીને તેમની વચ્ચે થતી માથાકૂટને સાંભળતી હતી.
મારા માતા તેમને અઠવાડિયા માટે પૈસા આપતા અને તેઓ માત્ર એક દિવસમાં જ તે પૈસા ખર્ચી નાખતા. આ બાબતે તેઓ ઝઘડતા હતાં.
મેં બાળપણમાં જ જોઈ લીધું છે કે મારી માતાની આવક વધતાં પરિવારની હાલત શું થઈ હતી.
એટલું નહીં આ બાબતની અસર માત્ર મિત્રોના સંબંધમાં પણ કેવી થઈ છે મેં એ પણ જોયું છે.
મારી એક ફોટોગ્રાફર મિત્ર છે મેલિસ્સા. હાલમાં જ તેણે એક ઘર ખરીદ્યું જેમાં તે તેના બૉયફ્રેન્ડ સાથે રહે છે.
જ્યારે તેનો બૉયફ્રેન્ડ કમાતો નથી ત્યારે મેલિસ્સા તેનો બધો જ ખર્ચ ઉઠાવે છે.
તેનો બૉયફ્રેન્ડ જાહેરમાં મેલિસ્સાના વખાણ કરે છે પરંતુ ખાનગીમાં તેઓ ઝઘડે છે મને તેની જાણ છે.
કારણ કે તેણે મેલિસ્સાને હડધૂત કરતા જેટલા મેસેજ મોકલ્યા છે તે મેં વાચેલા છે.
આ સિવાય કાયલી નામની મારી એક મિત્ર છે જે તેના પૂર્વ પ્રેમી ફ્રેડ કરતાં વધુ કમાતી હતી.
જ્યારે કાયલી તેનું પોતાનું ઘર છોડીને ફ્રેડને સારું લગાડવા સસ્તા ફ્લૅટમાં તેની સાથે રહેવા આવી ત્યારે ફ્રેડે તેને છોડી દીધી.
હાલમાં કાયલી તેના ટિન્ડર ફ્રેન્ડને પોતાની કમાણી અંગે જણાવતા ડરે છે.
જ્યારે મહિલા પોતાના પાર્ટનર કરતાં વધુ કમાનાર બને છે ત્યારે તેની અસર સંબંધ પર શું પડે છે તેની જાણ હોવાથી હું મારી કમાણીની વાત મારા બૉયફ્રેન્ડથી છુપાવું છું.
મને એ વાતથી પણ શરમ આવે છે કે આપણે એ દુનિયામાં રહીએ છીએ જ્યાં તમે સફળ મહિલા તો બની શકો છો, પરંતુ તેનો અનુભવ નથી કરી શકતા.
આપણે કેવી રીતે જેન્ડર પે ગૅપને દૂર કરી શકીએ. એક કામ કરવું જોઈએ કે બધી મહિલાઓને નોકરીઓમાં ઉચ્ચ સ્થાન આપવું જોઈએ અને તેના પાર્ટનર કરતાં વધુ વેતન આપવું જોઈએ.
મને આશા છે કે મારા અને મારા બૉયફ્રેન્ડ વચ્ચે એવો સમય આવશે, જ્યારે હું તેને કોઈપણ ભય વિના મારી કમાણી અંગે જણાવી શકીશ.
સાથે જ તે અમારા જીવન પાછળ જેટલો ખર્ચ કરે છે, તેટલો ખર્ચ મારે પણ કરવો જોઈએ એ દબાણ પણ હું અનુભવવા નથી માગતી.
હું તેના પર નિર્ભર રહેવા નથી માગતી પણ તેની સાથે રહેવા માગું છું. હું અમારા બન્નેને એક સમાન જોવા માગું છું.
(લેખિકા પોતાનું નામ જાહેર કરવા માગતા નથી)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














