એ મહિલા જેનાં માટે ઝગડી પડ્યા સાઉદી અરેબિયા અને કેનેડા

ઇમેજ સ્રોત, EPA/AFP
"રૈફ બાદાવીનાં બહેન સમર બાદાવીને સાઉદી અરેબિયામાં કેદ કરી દેવાયાં છે અને અમે ભારે ચિંતિત છીએ. આ કપરા સમયમાં કેનેડા બાદાવી પરિવાર સાથે ઊભું છે અને અમે રૈફ તેમ જ સમર બાદાવીને મુક્ત કરવાની માગ કરીએ છીએ."
કેનેડાના વિદેશ મંત્રી ક્રિસ્ટિયા ફ્રિલૅન્ડે બીજી ઑગસ્ટે આ ટ્વીટ કર્યું હતું. એ બાદથી જ બન્ને દેશો વચ્ચેની હવાઈ સેવા બંધ કરી દેવાઈ છે અને રાજકીય સંકટ પણ સર્જાયું છે.
ત્યારે એ સવાલ થવો પણ સ્વાભાવિક છે કે આખરે સમર બાદાવી કોણ છે, જેનાં કારણે બે દેશો વચ્ચે તણાવ સર્જાયો?

કોણ છે સમર બાદાવી?

ઇમેજ સ્રોત, Getty Images
33 વર્ષનાં સમર બાદાવી એક અમેરિકન સમાજસેવિકા છે, જે મહિલા અધિકારો માટે કામ કરે છે.
સમરને વર્ષ 2012માં ઇન્ટરનેશનલ વીમૅન ઑફ કરેજ ઍવૉર્ડ એનાયત કરાયો હતો.
સમર બાદાવી એ મહિલા છે કે જે સાઉદી અરેબિયામાં મહિલાઓ પર પુરુષોની 'ગાર્ડિયનશિપ'નો વિરોધ કરે છે.
સમરના ભાઈ રૈફ બાદાવીને પણ સાઉદીમાં ઇસ્લામની ટીકા કરવા બદલ જેલમાં ધકેલી દેવાયા હતા.
ઇન્ટરનેટ પર ઇસ્લામની ટીકા કરવા બદલ વર્ષ 2014માં તેમને એક હજાર કોરડા મારવા અને દસ વર્ષની જેલની સજા સંભળાવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેનેડાના વિદેશ નીતિ વિભાગે સમરની મુક્તિ માટે ટ્વીટ કરીને લખ્યું, ''કેનેડિયન સિવિલ સૉસાયટી મહિલા અધિકારોની વાત કરનારાં સમાજસેવિકા સમર બાદાવીની ધરપકડને લઈને ચિંતિત છે."

સાઉદીની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, EPA
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કેનેડાના ટ્વીટ પર તત્કાળ પ્રતિક્રિયા આપતા કહ્યું, ''આ સાઉદીરાજનું અપમાન છે અને આ માટે આકરી પ્રતક્રિયાની જરૂર છે કે, જેથી ભવિષ્યમાં કોઈ સાઉદી સાર્વભૌમત્વમાં હસ્તક્ષેપ કરવાની મુર્ખામી ના કરે.''
એ બાદ તુરંત જ સાઉદી સરકાર દ્વારા પ્રતિક્રિયા આવી અને કેનેડાના રાજદૂતને રિયાધને છોડવા માટે 24 કલાકનો સમય આપી દેવાયો.
એટલું જ નહીં, સાઉદી સરકારે ઑટાવામાંથી પોતાના રાજદૂતને પણ પરત બોલાવી લીધા અને વેપાર તેમજ રોકાણ સંબંધિત પ્રતિબંધ પણ લગાવી દીધા.
સાઉદી સરકારે કેનેડામાં રહેતા 15 હજાર સાઉદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ પણ અટકાવી દીધી અને સાથે જ સાત હજાર પરિવારને બીજા દેશોમાં વસી જવાનો આદેશ પણ આપી દીધો.
જોકે, બન્ને દેશો વચ્ચેનો વેપાર માત્ર ત્રણ હજાર અમેરિકન ડૉલર્સનો જ છે, પણ સાઉદી અરેબિયા અને કેનેડા વચ્ચે સૈન્ય ટ્રકને લઈને એક કરાર પર પણ વાતચીત ચાલી રહી હતી.
જે અંતર્ગત 15,000 મિલિયન અમેરિકન ડૉલરના બદલામાં કેનેડા આરબ રાષ્ટ્રને આર્મ્ડ ટ્રક વેચવાનું હતું.
કેનેડાના ઇતિહાસમાં સૈન્ય ઉત્પાદન સંબંધિત આ સૌથી મોટો સોદો હતો, જેના થકી ત્રણ હજાર નવી નોકરીની તકો ઊભી થઈ હોત. જોકે, બન્ને દેશો વચ્ચેનો તણાવ જોતા આ કરારનું ભવિષ્ય હવે ધૂંધળું જણાઈ રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













