સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વખત ત્રણ મહિલા ન્યાયાધીશ

સુપ્રીમ કોર્ટનાં મહિલા જજ

લાંબા સમય સુધી રાહ જોયા બાદ મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં ત્રણ નવા જજની ઍન્ટ્રિ થઈ જશે. જસ્ટિસ કેએમ જોસફ, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ જસ્ટિસ ઇંદિરા બેનર્જી સુપ્રીમ કોર્ટમાં સેવા આપશે.

ન્યાયાધીશોની નિયુક્તિમાં કાલે ભારતીય ન્યાય વ્યવસ્થામાં કાલે જસ્ટિસ ઇંદિરા બેનર્જીનું નામ ઉમેરાશે.

દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ત્રણ-ત્રણ મહિલા ન્યાયાધીશો હશે. જસ્ટિસ આર. ભાનુમતિ, જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા અને જસ્ટિસ જસ્ટિસ ઇંદિરા બેનર્જી.

ગત શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મદ્રાસ હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસ ઇંદિરા બેનર્જીને સુપ્રીમ કોર્ટનાં જજ બનાવવાના પ્રસ્તાવ પર મહોર લગાવી.

મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટમાં તેમની શપથવિધિ થઈ.

line

ઇંદિરા બેનર્જીની સફર

જસ્ટિસ ઇંદિરા બેનર્જી
ઇમેજ કૅપ્શન, જસ્ટિસ ઇંદિરા બેનર્જી

ઇંદિરા બેનર્જીનો જન્મ 24 સપ્ટેમ્બર 1957ના રોજ થયો હતો.

તેમનો પ્રાથમિક અભ્યાસ કોલકાતાના લોરટો હાઉસમાં થયો હતો. ત્યારબાદ તેમણે કોલકાતાની પ્રસિદ્ધ પ્રેસિડેન્સી કૉલેજમાં ગ્રૅજ્યુએશન કર્યું અને કોલકાતાની લૉ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો.

5 જુલાઈ 1985નાં રોજ ઇંદિરા વકીલ બન્યાં અને કોલકાતાની નીચલી અદાલત અને હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ શરૂ કરી. ક્રિમિનલ લૉ સિવાય તેમણે અન્ય કેસો પણ લડ્યાં છે.

ત્યારબાદ 5 ફેબ્રુઆરી 2002ના રોજ ઇંદિરા કોલકાતા હાઈકોર્ટના સ્થાયી જજ બન્યાં.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યારબાદ વર્ષ 2016માં તેઓ દિલ્હી હાઈ કોર્ટમાં આવ્યાં અને 5 એપ્રિલ 2017ના રોજ મદ્રાસ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ પામ્યાં.

જસ્ટિસ ઇંદિરા બેનર્જી સુપ્રીમ કોર્ટના જજ બનનાર આઠમા મહિલા છે અને તેમનો કાર્યકાળ ચાર વર્ષ અને એક મહિના સુધીનો રહેશે.

મદ્રાસ હાઈ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશની સાથે તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવેલી ઇન-હાઉસ કમિટીનાં અધ્યક્ષ હતાં.

આ કમિટી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ ઓડિશા હાઈકોર્ટના એક જજ પર લાગેલા આરોપોની તપાસ માટે બનાવી હતી.

આ સિવાય અલ્હાબાદ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એન. શુક્લા પર મેડિકલ ઍડમિશન કૌભાંડમાં આરોપ લાગ્યા હતા તેની તપાસ કમિટીમાં પણ ઇંદિરા બેનર્જી સામેલ હતાં.

જોકે, દેશની તમામ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની યાદીમાં તેઓ બીજા નંબરે સૌથી સિનિયર ચીફ જસ્ટિસ હતાં, એટલા માટે તેમને આ પદ માટે પસંદ કરવામાં આવ્યાં છે.

line

ઇંદુ મલ્હોત્રા

ઇંદુ મલ્હોત્રા
ઇમેજ કૅપ્શન, ઇંદુ મલ્હોત્રા

આ વર્ષના એપ્રિલ માસમાં ઇંદુ મલ્હોત્રાએ વરિષ્ઠ વકીલથી લઈને સુપ્રીમ કોર્ટના જજ સુધીની સફર કરી. બાર કાઉન્સિલથી જજ બનનાર તેઓ પ્રથમ મહિલા છે.

વકીલ પૃષ્ઠભૂમિ ધરાવતા કુટુંબમાં જન્મેલાં ઇંદુ મલ્હોત્રાનો જન્મ 14 માર્ચ 1956ના રોજ થયો હતો અને તેમના પિતા ઓમ પ્રકાશ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટના વકીલ રહી ચૂક્યા છે.

દિલ્હીમાં ઊછરેલા ઇંદુએ કાર્મેલ કૉન્વેન્ટ સ્કૂલથી પ્રાથમિક અભ્યાસ કર્યો.

ત્યારબાદ સ્નાતકના અભ્યાસ માટે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રીરામ કૉલેજમાં પૉલિટિકલ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી નીકળ્યા બાદ તેમણે લૉનો અભ્યાસ કર્યો.

તેઓ છેલ્લાં 30 વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં પ્રૅક્ટિસ રહ્યાં હતાં.

line

આર ભાનુમતિ

જસ્ટિસ આર ભાનુમતિ

ઇમેજ સ્રોત, Supreme Court

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ આર ભાનુમતિ

આર ભાનુમતિ વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટનાં ત્રીજા મહિલા જસ્ટિસ છે. વર્ષ 2014માં તેઓ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બન્યાં હતાં.

તેમનો જન્મ 20 જુલાઈ 1955ના રોજ થયો હતો. તેઓ તામિલનાડુ હાઈ કોર્ટમાં વર્ષ 2003માં જજ બન્યાં હતાં. ત્યારબાદ વર્ષ 2013માં ઝારખંડના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ પામ્યાં.

તેમણે 'Hand Book of Civil and Criminal Courts Management and Use of Computers' નામનું પુસ્તક પણ લખ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં ઇંદિરા બેનર્જી અને ઇંદુ મલ્હોત્રા આજે એ સ્થાને પહોંચ્યાં છે જ્યાં પહોંચનાર જસ્ટિસ ફાતિમા પ્રથમ મહિલા હતાં.

તેમના પછી જસ્ટિસ સુજાતા મનોહર, જસ્ટિસ રૂમા પાલ, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા, જસ્ટિસ રંજના દેસાઈ પણ સુપ્રીમ કોર્ટમાં જજ રહી ચૂક્યાં છે.

હાલમાં જસ્ટિસ આર ભાનુમતિ અને ઇંદુ મલ્હોત્રા સાથે ઇંદિરા બેનર્જી પણ સુપ્રીમ કોર્ટમાં જજ બન્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો