ચાર જજોના ચીફ જસ્ટિસ સામેના ‘બળવા’નું મુખ્ય કારણ શું?

ઇમેજ સ્રોત, SUPREME COURT
બારમી જાન્યુઆરીને ભારતીય અદાલતના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. એ દિવસે શુક્રવાર હતો અને દિલ્હીમાં હૂંફાળો સૂર્યપ્રકાશ ફેલાયેલો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલમેશ્વરે તેમના સરકારી બંગલાની લોનમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેને લીધે સોશિઅલ મીડિયાથી માંડીને ટીવી ચેનલોના ન્યૂઝ રૂમ સુધી ગરમાટો ફેલાઈ ગયો હતો.
એ અભૂતપૂર્વ પત્રકાર પરિષદમાં જસ્ટિસ ચેલમેશ્વર સાથે જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન ભીમરાવ લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પણ મીડિયાને સંબોધન કર્યું હતું.
તેમણે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના રોસ્ટર એટલે કે કામની ફાળવણી સાથે જોડાયેલો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
આ તબક્કે એ સવાલ સ્વાભાવિક છે કે આટલો મોટો મુદ્દો બનેલું સુપ્રીમ કોર્ટનું રોસ્ટર શું હોય છે? તેનું આટલું બધું મહત્ત્વ કેમ છે?

શું છે રોસ્ટર અને તે કોણ બનાવે?

ઇમેજ સ્રોત, NALSA.GOV.IN
સુપ્રીમ કોર્ટના રોસ્ટરનો અર્થ છે કામના વારાની યાદી. કઈ ખંડપીઠને ક્યો કેસ સોંપવામાં આવ્યો છે અને તેની સુનાવણી ક્યારે થશે તેની નોંધ એ યાદીમાં કરવામાં આવે છે.
રોસ્ટર બનાવવાનો અધિકાર વડા ન્યાયમૂર્તિને હોય છે અને તેમને 'માસ્ટર ઓફ રોસ્ટર' કહેવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર વડા ન્યાયમૂર્તિના આદેશ અનુસાર રોસ્ટર બનાવતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દીપક મિશ્રાના વડપણ હેઠળની બંધારણીય ખંડપીઠે 2017ના નવેમ્બરમાં એવો ચુકાદો આપ્યો હતો કે વડા ન્યાયમૂર્તિ જ 'માસ્ટર ઓફ રોસ્ટર' હશે.
એ ચુકાદામાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વડા ન્યાયમૂર્તિ કેસની સોંપણી ન કરે ત્યાં સુધી કોઈ પણ જજ એકેય કેસની સુનાવણી હાથ ધરી શકશે નહીં.

રોસ્ટરનો મુદ્દો મહત્વનો શા માટે?

ઇમેજ સ્રોત, PTI
સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પત્રકાર પરિષદ યોજી એ પછી જ રોસ્ટરનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ચાર જજોએ પત્રકારોને જણાવ્યું હતું કે "કેટલાક કેસ દેશ અને સંસ્થા માટે ઘણા મહત્ત્વના હતા. જે પસંદગીની કેટલીક ખંડપીઠોને સોંપવામાં આવ્યા હતા."
"વડા ન્યાયમૂર્તિનો એ નિર્ણય યોગ્ય આધારવિહોણો હતો."
સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ પી.બી. સાવંતે પણ આ સંબંધે ચિંતા વ્યક્ત કરી હતી.
બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, "અન્ય જજોને કેસ સોંપવાનો અધિકાર વડા ન્યાયમૂર્તિને જરૂર છે. કોઈ પણ કેસ માટે આ નિર્ણય અગત્યનો હોય છે."
"કોઈ પોતાની સત્તાનો દુરુપયોગ કરવા ધારે તો એવું કરી શકે છે. એ નિર્ણય સામે કોઈ સવાલ ઉઠાવી શકતું નથી, કારણ કે એ સંબંધે કોઈ લેખિત નિયમ નથી."
જસ્ટિસ (નિવૃત) સાવંતે પણ વડા ન્યાયમૂર્તિને એક પત્ર લખીને જણાવ્યું હતું કે "દરેક કેસ રૂટીન કેસ નથી હોતો, પણ કેટલાક કેસ સંવેદનશીલ હોય છે, જેની સુનાવણી વડા ન્યાયમૂર્તિ સહિત પાંચ સીનિયર જજોએ કરવી જોઈએ."

અન્ય દેશોમાં શું વ્યવસ્થા છે?
ભારતીય સુપ્રીમ કોર્ટમાં 25 જજ છે. એ બધા બે કે તેથી વધુ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ બેસતા હોય છે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં નવ જજ છે. કેસની સુનાવણી એ બધા એક સાથે કરે છે.
બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં 12 જજ છે. તેઓ પાંચ કે છ જજોની ખંડપીઠમાં બેસતા હોય છે.
અમેરિકા અને બ્રિટન બન્ને દેશમાં વડા ન્યાયમૂર્તિ પાસે અન્ય જજોને કેસ સોંપવાના વિકલ્પો ઓછા હોય છે, પણ ભારતમાં વડા ન્યાયમૂર્તિ પાસે ઘણા વિકલ્પ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













