You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લૉગઃ ભગવાન પર ભરોસો કરવો કે ભગવાન ભરોસે ચાલતી સરકાર પર?
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં જોરશોરથી કરાયેલો 'રાષ્ટ્ર રક્ષા મહાયજ્ઞ' યાદ છે આપને?
એ યજ્ઞને કારણે એવી છાપ ઊભી થઈ હતી કે રાષ્ટ્રનું રક્ષણ કરવાનું કામ સરકારનું નથી કે એ કામ સરકાર કરી શકે તેમ નથી. રાષ્ટ્રના રક્ષણ માટે તો ઇશ્વરીય કૃપા જરૂરી છે.
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે દેશની સરહદેથી માટી લાવવામાં આવશે, દરેક ઘરમાંથી ઘી માગવામાં આવશે, જેઓ ઘી આપી શકે તેમ ન હોય તેઓ પેટીએમ મારફત 11 રૂપિયા દાનમાં આપી શકશે.
એ પછી, મોગલ શાસનકાળમાં નિર્મિત દિલ્હીના લાલ કિલ્લામાં હવન કુંડ બનાવીને તેમાં સમિધ હોમવાનાં હતાં. તેનાથી દેશના દુશ્મનોનો નાશ થવાનો હતો.
એ ધાર્મિક અનુષ્ઠાનમાં સામેલ થવા માટે ચોક્કસ નંબર પર એક મિસ્ડ કોલ કરવાનો હતો. આટલી સુંદર જોગવાઈ ક્યા વેદ-પુરાણમાં છે?
એ રાષ્ટ્ર રક્ષા મહાયજ્ઞની પૂજન વિધિ અને મહાત્મ્ય જાણવા માટે આપ આ કરી શકો છો.
પૂર્વ દિલ્હીના ભાજપના સંસદસભ્ય મહેશ ગિરિએ બીબીસીને જણાવ્યું હતું કે ડોકલામ તથા જમ્મુ-કાશ્મીરથી માટી લાવવા માટે રથ રવાના કરવામાં આવ્યા છે.
એ હવન માટે ભારત-ચીન સીમા પરથી ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસની મદદ વડે ડોકલામથી માટી લાવવાની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો ભગવાનમાં આસ્થા હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ હવનની જાહેરાત પછી ચીનના રાષ્ટ્રપતિને ઘણીવાર કોઈ એજન્ડા વિના શા માટે મળ્યા હશે એ સમજાતું નથી? તેઓ હવનની ભભૂત સાથે લઈ જતા હશે?
એ યજ્ઞની શરૂઆત ધામધૂમથી થઈ હતી, પણ પૂર્ણાહૂતિ એટલી જ જોરદાર રીતે નહીં થઈ હોય તો એ ઇશ્વર અને ભક્તો બન્ને સાથેનું છળ ગણાશે.
મિસ્ડ કોલ કરનારા લોકો જ જણાવી શકશે કે તેમને પ્રસાદ મળ્યો હતો કે નહીં? લોકતંત્ર સાથે જે છળ થઈ રહ્યું છે તેની વાત પછી કરીશું.
રાજસ્થાનમાં રુદ્રાભિષેક
દેશમાં અનેક અનુષ્ઠાન ચાલી રહ્યાં છે. 2019ની ચૂંટણી સુધી આ પુણ્યકાર્યોનો સિલસિલો વધારે સઘન બનતો જશે.
સંસદીય ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી રાજસ્થાનમાં રક્ષા માટે ઇશ્વરને પોકાર થોડા વધારે જોરથી પાડવામાં આવી રહ્યા છે.
રાજસ્થાનનાં મુખ્ય પ્રધાનને તેમના પક્ષના લોકો 'મહારાણી' કહે છે, પણ તેઓ તેનું ખોટું લગાડતાં નથી. કેટલાં મહાન છે તેઓ!
તેઓ ખુદને ક્યારેક રાજપૂત, ક્યારેક ગુર્જર તો ક્યારેક હિંદુત્વનાં સેનાની ગણાવતાં રહ્યાં છે. ખુદને ઇશ્વરની આરાધના કરતાં દેખાડીને તેઓ બહુમતી હિંદુઓને સંતોષવાના પ્રયાસ કરી રહ્યાં છે.
જોકે, તેને તુષ્ટીકરણ કેવી રીતે કહેવાય? તુષ્ટીકરણ તો માત્ર મુસલમાનોનું કરવામાં આવે છે અને તુષ્ટીકરણ તો માત્ર કોંગ્રેસ જ કરે છે.
શ્રાવણ મહિનામાં દર સોમવારે રાજ્યના દરેક જિલ્લામાં જનકલ્યાણ માટે રુદ્રાભિષેક કરવામાં આવશે તેવું જણાવતી મોટી-મોટી જાહેરાતો કર ચૂકવતી જનતાના ખર્ચે રાજસ્થાનના અખબારોમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
તેની આયોજક રાજસ્થાન સરકાર એટલે કે યજમાન મુખ્ય પ્રધાન પોતે છે.
જેમના નાણાં વડે આ આયોજન કરવામાં આવી રહ્યું છે એ જનતા અખબારોમાં પ્રકાશિત તસ્વીરો તથા ટેલિવિઝન નિહાળીને ધન્ય થઈ જશે. આરતી લીધા પછી થાળીમાં મત નાખશે. કેટલી સુંદર વાત!
દર વર્ષે બદલાતા સૂર
ધર્મ અને આસ્થામાં કંઈ ખરાબ નથી, પણ તેનો રાજકીય ઉપયોગ ખરાબ બાબત છે. તેનાથી વધારે ખરાબ બાબત ધર્મને દોહીને મત મેળવવા માટે લોકોના જ પૈસાનો ઉપયોગ કરવો તે છે.
સરકારે ધાર્મિક આયોજનોથી દૂર રહેવું જોઈએ તેવી વાત ભારતના બંધારણની દુહાઈ આપીને કરતા લોકોને હિંદુવિરોધી અને સેક્યુલર ગણાવવામાં આવશે.
તમે બંધારણની વાત કરતા રહેજો. બંધારણમાં ફેરફાર તો થવાનો હશે ત્યારે થશે, પણ અત્યારે હિંદુ રાષ્ટ્રની સંપૂર્ણ અનુભૂતિ થવા લાગી છે.
રાજ્ય સરકારો વચ્ચે મોટા-મોટા ધાર્મિક આયોજનો કરવાની હરિફાઈ ચાલી રહી છે. અગાઉ સરકાર વ્યવસ્થાપક હતી, પણ ન્યૂ ઇન્ડિયામાં સરકાર પોતે આયોજક થઈ ગઈ છે.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે સરકારી ખર્ચે 'નર્મદા યાત્રા' કરી હતી, જ્યારે ઝારખંડમાં રઘુવર દાસ ગાયો માટે ઍમ્બ્યુલન્સ ચલાવી રહ્યા છે અને લોકો ભોળાભાવે સવાલ પૂછી રહ્યા છે કે તેમાં ખોટું શું છે?
તેમાં ખરાબ શું છે તે ટૂંકમાં કહીએ તો આ સરકારનું કામ નથી. સરકારની જવાબદારી હોય એ કામોમાં સરકારી સમય તથા સંસાધનોનો ઉપયોગ થવો જોઈએ.
ત્રીજી ખરાબ વાત એ છે કે ભજન-કિર્તન સરકારની જવાબદારીથી લોકોનું ધ્યાન અન્યત્ર હટાવવાની તરકીબ છે.
ચોથી ખરાબ વાત એ છે કે જે લોકો ધાર્મિક કે હિંદુ નથી તેઓ અળગા હોવાની અનુભૂતિ સરકાર તેમને કરાવી રહી છે.
પાંચમી ખરાબ બાબત એ છે કે તમામ ધાર્મિક બાબતો તર્ક-તથ્ય તથા ટીકાથી પર હોય છે. સરકારને કોઈ સવાલ પૂછવાના કૃત્યને યજ્ઞમાં વિધ્ન પાડવા જેવું પાપ ગણવામાં આવશે.
ધર્મના નામે
ધર્મના નામે લોકોને એકઠાં કરીને તેને મતમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કોઈ એક જ પક્ષની વ્યૂહરચના નથી.
જે કોઈ બાબાના પ્રવચનમાં વધારે લોકો એકઠા થાય ત્યાં નેતા જરૂર પહોંચતા હોય છે. નેતા બાબાના આશિર્વાદ એટલે કે તેમના ભક્તોના મત મેળવવા ઈચ્છતા હોય છે.
નાના બાબા પાસે ધારાસભ્યો, તેમનાથી મોટા બાબા પાસે રાજ્યના પ્રધાનો અને મોટાથી પણ મોટા બાબા પાસે કેન્દ્રીય પ્રધાનો જતા હોય છે. એ કોઈ પણ પક્ષના હોઈ શકે છે.
બાબા જ્યાં સુધી રામરહીમ કે આસારામ સાબિત ન થાય ત્યાં સુધી આ ગતિવિધિ સામાજિક, રાજકીય રીતે આ સ્વીકાર્ય હોય છે.
મંદિરોમાં જઈને મહંતોના આશિર્વાદ લેવાનું ઈંદિરા ગાંધીના સમયથી ચાલી રહ્યું છે. એ ધાર્મિક ગતિવિધિથી થોડોઘણો રાજકીય ફાયદો મળવાની આશા રહેતી હતી, પણ વર્તમાન સરકાર આ ખેલને અલગ જ સ્તરે લઈ ગઈ છે.
શ્રાવણ મહિનામાં દર સોમવારે રાજ્યના તમામ જિલ્લામાં રુદ્રાભિષેક કરાવનારાં મુખ્ય પ્રધાન વસુંધરાએ અન્ય મુખ્ય પ્રધાનોને એક પ્રકારે પડકાર ફેંક્યો છે કે આનાથી વધુ મોટું કંઈક કરી દેખાડો.
ઝારખંડના મુખ્ય પ્રધાન ટેલિવિઝન ચેનલો પર જાહેરાતો પ્રસારિત કરાવી રહ્યા છે. એ જાહેરાતોમાં તેઓ બૈજનાથ ધામમાં શિવભક્તોનું સ્વાગત કરતા દિવસમાં અનેક વખત જોવા મળે છે.
એવું લાગે છે કે તેમણે બોલાવ્યા ન હોત તો લોકો આવ્યા જ ન હોત.
કુંભ મેળો અને સરકારની ભાગીદારી
એ જ પરિસ્થિતિ કુંભ મેળાની છે. કુંભ મેળો ધરતી પરના આસ્થાવાન લોકોના સૌથી મોટા મેળા પૈકીનો એક ગણાતો રહ્યો છે.
આટલું મોટું આયોજન સરકારોની ભાગીદારી વિના શક્ય નથી, પણ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ તેને રાજકીય તક ગણી રહ્યા છે.
કુંભ મેળામાં સ્વાગતના બહાને આખા દેશમાં નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનાં પોસ્ટર્સ સરકારી ખર્ચે લગાવવામાં આવ્યાં છે.
ધર્મની બાબતમાં કંઈ બોલતાં મોટાભાગના લોકો અને ખાસ કરીને વિરોધ પક્ષ ગભરાતો હોય છે, કારણ કે એમને તરત જ હિંદુવિરોધી જાહેર કરી દેવામાં આવે છે.
દેશની જનતા અને આ લેખને વાંચતા લોકો કદાચ એ સમજી શકશે કે આ મામલો ધર્મનો નથી, પણ ધર્મના નામે રાજકારણ રમવાનો છે.
બાકી તો કર્ણાટકના વિજયપુરાના ભાજપના ધારાસભ્ય બી. પાટિલ યેંતાલ કહી ચૂક્યા છે કે બુદ્ધિજીવીઓ સતત દેશની ટીકા કરતા રહે છે.
બી. પાટિલ યેંતાલ માને છે, "બુદ્ધિજીવીઓને ગોળી મારી દેવી જોઈએ."
પૂજન-હવનથી દેશની જનતામાં સદબુદ્ધિ આવશે એવી આશા રાખીએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો