TOP NEWS : વૉટ્સઍપ હવેથી ફૉરવર્ડ કરાયેલા મૅસેજને હાઇલાઇટ કરશે

'ધ હિંદુ' અખબારની વેબસાઇટ પર છપાયેલા એક સમાચાર અનુસાર વૉટ્સઍપ દ્વારા 'ફૅક ન્યૂઝ'ની સમસ્યાને પહોંચી વળવા માટે નવું ફીચર લૉન્ચ કરવામાં આવ્યું છે.

આ ફીચરથી હવેથી ફૉરવર્ડ કરાયેલા મૅસેજને હાઇલાઇટ કરવામાં આવશે.

નોંધનીય છે કે ગત સપ્તાહે ભારત સરકારે ફેક ન્યૂઝ માટે વૉટ્સઍપ પ્લૅટફૉર્મના કરાઈ રહેલા દૂરઉપયોગ અંગે તત્કાળ પગલાં લેવા જણાવ્યું હતું.

જે બાદ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મે જણાવ્યું હતું કે ફૉરવર્ડ કરાયેલા મૅસેજને હાઇલાઇટ કરી શકાય એવી ટૅકનિક પર કામ ચાલી રહ્યું છે.

એક બ્લૉગમાં વૉટ્સઍપે જણાવ્યું, ''તમને મળી રહેલા મૅસેજ ફૉરવર્ડ કરાયો છે કે કેમ તે દર્શાવવાશે. આ વધારાનો સંદર્ભ વાતચીત સરળ બનાવશે.''

શું તમે આ વાંચ્યું?

સોશિયલ મીડિયા જાયન્ટે એ પણ ઉમેર્યું, ''તમે એ પણ જાણી શકશો કે તમારા મિત્રો કે સંબંધીઓએ તમને મોકલાવેલો મૅસેજ તેમણે લખ્યો છે કે માત્ર ફૉરવર્ડ કર્યો છે.''

કલમ 377ને લઈને સજાતિય સમુદાય માટે સુપ્રીમમાંથી સારા સમાચાર

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આઇપીસીની કલમ 377 હેઠળ સજાતિય સંબંધોને ગુનો ન ગણવા અંગેની અરજી પર ધ્યાન કેન્દ્રીત કરાશે.

જેને પગલે એલજીબીટી સમુદાય સંબંધિત મામલાઓમાં વહેલો નિર્ણય આવી શકશે એવી આશા બંધાઈ છે.

આ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ આર.એફ. નરિમાન, ન્યાયાધીશ એ.એમ. ખાનવિલકર. ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયાધીશ ઇંદુ મલ્હોત્રાની ખંડપીઠે સ્પષ્ટ સંકેત પાઠવ્યા છે કે કલમ 377 હેઠળ સજાતિય સંબંધોને ગુનો ન ગણવા અંગે વિચારાઈ રહ્યું છે.

આખો દિવસ ચાલેલી આ સુનાવણી દરમિયાન ખંડપીઠે એવું પણ કહ્યું કે તેમનો ઉદ્દેશ 'સુરેશ કૌશલના કેસે સર્જેલા ગુંચવાડામાંથી બહાર નીકળવાનો છે.'

2013માં સુરેશકુમાર કૌશલ વિરુદ્ધ નાઝ ફાઉન્ડૅશન કેસમાં સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોની ખંડપીઠે કલમ 377 હેઠળ સજાતિય સંબંધોને ગુનો ગણતો ચૂકાદો પાઠવ્યો હતો.

નોંધનીય છે કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં કલમ 377 મામલે કરાયેલી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે.

દિલ્હી કચરાના ઢગમાં અને મુંબઈ પાણીમાં સરકી રહ્યું, જવાબદાર કોણ?

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર દિલ્હી-મુંબઈ સહિત દેશના કેટલાય રાજ્યોમાં જમા થઈ રહેલા કચરાના ઢગ સામે સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ એમ.બી. લોકુર અને દીપક ગુપ્તાની ખંડપીઠે સરકારોને ઝાટકતા કહ્યું કે દિલ્હી કચરાના ઢગલામાં દટાઈ રહ્યું છે, મુંબઈ વરસાદના પાણીમાં સરકી રહ્યું છે, પણ સરકાર કેમ કંઈ નથી કરી રહી.

સુપ્રીમ કોર્ટે અગાઉ દેશભરના રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશો પાસેથી સૉલિડ વૅસ્ટ મૅનેજમૅન્ટ રુલ મુદ્દે સોગંદનામુ દાખલ કરીને કામગીરી અંગે જવાબ માગ્યો હતો.

જોકે, 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ મામલે જવાબ ન આપતા સુપ્રીમે કોર્ટે તેમને દંડ ફટકાર્યો હતો.

જે રાજ્યોને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં મેઘાલય, ઓડિશા, કેરળ, પંજાબ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગોવા સહિત બે કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે.

વધુ પાણી પીતા પાક ના લો : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ

‘ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમટેડે ખેડૂતોને શેરડી, કેળા અને વધુ પાણી પીતા ધાન્ય પાક ના લેવા જણાવ્યું છે.

નિગમે સ્પષ્ટ કરી દીધું છે કે જો સંબંધિત પાક લેવામાં આવશે તો પાણી પૂરું પાડવા માટે તે જવાબદાર નહીં રહે.

નર્મદા ડૅમમાં પાણીનાં ઘટેલાં સ્તરને પગલે નિગમ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

ગુરુવારે નર્મદા ડૅમમાં પાણીનું સ્તર 109.62 મિટર પહોંચી ગયું હતું. જે 110 મિટરની લઘુત્તમ માત્રા કરતાં ઓછું છે.

નોંધનીય છે કે 'સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ' ગુજરાત સરકારની સ્વાયત્ત સંસ્થા છે.

ચાલું વર્ષે ખેડૂતોને વાવણી માટે નિગમે આપેલું આ બીજું સૂચન છે. આ પહેલાં જાન્યુઆરી મહિનામાં તેણે ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ના હોવાને લીધે ખરીફ પાક ના લેવા સૂચના આપી હતી.

ફૂટબૉલ વિશ્વ કપ : ફ્રાન્સ ફાઇનલમાં, બૅલ્જિયમનું 'હાર્ટ બ્રૅક'

ફ્રાન્સે બૅલ્જિયમને 1-0થી હરાવીને ફિફા વર્લ્ડ કપ 2018ના ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

આ મેચમાં ફ્રાન્સ તરફથી એક માત્ર ગોલ કરવામાં આવ્યો હતો. સૅમ્યુઅલ ઉમટીટીએ 52મી મિનિટે આ ગોલ ફટકાર્યો હતો.

નોંધનીય છે કે ગત છ વિશ્વ કપમાં ત્રીજી વખત આવું બન્યું છે કે ફ્રાન્સ ફાઇનલ રમશે.

આ સમય દરમિયાન હજુ સુધી અન્ય કોઈ પણ ટીમ આટલી વખત ફાઇનલમાં પહોંચી નથી.

બ્રાઝિલ અને જર્મનીની ટીમો બે-બે વખત ફાઇનલ રમી ચૂકી છે.

હવે ફ્રાન્સનો મુકાબલો રવિવારે યોજાનારી ઇંગ્લૅન્ડ અને ક્રૉએશિયા વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો