મુંબઈ શહેર ખરેખર હવે રહેવા માટે યોગ્ય રહ્યું છે કે નહીં

    • લેેખક, આયેશા પરેરા
    • પદ, ડિજિટલ એડિટર, ઇન્ડિયા ઑનલાઇન, બીબીસી ન્યૂઝ

મુંબઈમાં ભારે વરસાદને કારણે અંધેરીમાં આવેલો ગોખલે બ્રિજ તૂટી પડતા પાંચ લોકોને ઈજા થઈ છે.

બ્રિજ તૂટી પડવાને કારણે વાહનવ્યવ્હાર પણ ખોરવાયો છે અને કેટલીક ટ્રેનો રદ કરવાની પણ ફરજ પડી છે.

જોકે, આ કોઈ નવી ઘટના નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં મુંબઈ આવી ઘણી ઘટનાઓનું સાક્ષી બન્યું છે.

ગત વર્ષે 29 ડિસેમ્બરની જ ઘટના છે જ્યારે મુંબઈના લોઅર પરેલ વિસ્તારની કમલા મિલ્સ કોમ્પ્લેક્સમાં આગ લાગવાથી 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

સપ્ટેમ્બર મહિનામાં એલફિંસ્ટન રોડ રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 23 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તેના કારણે લોકોમાં ખૂબ રોષ પણ જોવા મળ્યો હતો. રોષ એ માટે નહીં કેમ કે ઘટનાથી બચી શકાતું હતું, પણ માટે કેમ કે અધિકારીઓની બેદરકારીના કારણે શહેરે તકલીફ ઉઠાવવી પડી હોય તેનું આ ઉદાહરણ હતું.

આ સ્થિતિ પર બીબીસીનાં આયેશા પરેરાએ સમીક્ષા કરી હતી.

મુંબઈની વસતિ 2.2 કરોડ

મુંબઈના એલફિન્સટન સ્ટેશન પર ભાગદોડ મચવાની ઘટના જાણે રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું.

આ પુલ વ્યસ્ત રેલવે સ્ટેશનને જોડતો હતો કે જેના પર દરરોજ હજારોની સંખ્યામાં લોકો ચાલતા હતા.

આ પુલ ખૂબ સાંકડો પણ હતો અને તે આટલા લોકોનું વજન ઉઠાવી શકવાની સ્થિતિમાં ન હતો.

દરરોજ પુલનો ઉપયોગ કરતા યાત્રીઓએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ ટ્રેન પસાર થતી, તો પુલ ધ્રુજવા લાગતો હતો.

મુંબઈની વસતિ આશરે 22 મિલિયન એટલે કે 2.2 કરોડ જેટલી છે. મુંબઈ દુનિયાનું ચોથું સૌથી વધારે વસતિ ધરાવતું શહેર છે.

સમારકામ માટે અરજીઓનો કોઈ જવાબ નહીં

આ શહેર ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલું છે એટલે શહેરના વિસ્તારનો પણ કોઈ રસ્તો નથી. તેના કારણે જાહેર સેવાઓ પર અસર પડી રહી છે.

એલફિન્સટન બ્રિજને લઈને ઘણી વખત તેના સમારકામ માટે અરજીઓ પણ કરવામાં આવી, પણ તેનો કોઈ જવાબ મળ્યો નહીં.

મુંબઈ રેલવે પેસેન્જર એસોસિયેશનના સભ્ય સુભાષ ગુપ્તાએ બીબીસી મરાઠીને જણાવ્યું હતું, "બ્રિજ અને તેનાં પગથિયાં સાંધાથી જોડાયેલાં છે."

"તેના કારણે હંમેશાંથી તેના પર ભાગદોડ મચવાનો ખતરો હતો. અમે ઘણી વખત આ મુદ્દો ઉઠાવ્યો પણ રેલવે અધિકારીઓએ અમારી ચિંતાની અવગણના કરી હતી."

જે દિવસે ઘટના ઘટી હતી તે જ દિવસે એક ન્યૂઝપેપરમાં રિપોર્ટ છપાયો હતો કે સ્ટેશનના સમારકામ માટે રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આ તરફ પૂર્વ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ જણાવ્યું હતું કે વર્ષ 2015માં તેમણે 120 મિલિયન એટલે કે 12 કરોડ રૂપિયા તેમણે બ્રિજના સમારકામ માટે ફાળવ્યા હતા. પણ તેમને ખબર નથી કે આ પૈસાનો ઉપયોગ શા માટે થયો નથી.

એક ન્યૂઝ ચેનલને એલફિંસ્ટન બ્રિજના સમારકામ સંબંધિત દસ્તાવેજ પ્રાપ્ત થયા હતા.

ચેનલે પોતાના કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે આ કામ માટે માત્ર 1000 રૂપિયા અલગ રાખવામાં આવ્યા હતા.

મુંબઈના લોકો કહે છે, હવે બસ!

મુંબઈની આ સમસ્યાઓ માત્ર રેલવે સુધી જ મર્યાદિત નથી. એલફિન્સટન બ્રિજ પર ઘટેલી ઘટનાના થોડા અઠવાડિયા પહેલા મુંબઈમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે શહેરમાં પૂર સર્જાયું હતું.

આ પૂરના કારણે રસ્તાઓ નદી બની ગયા હોવાને કારણે હજારો લોકો ફસાઈ ગયા હતા.

પૂરના થોડા દિવસ બાદ એક રહેણાંક ઇમારત તૂટી પડતાં 30 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.

2009ના મુંબઈ હ્યુમન ડેવેલપમેન્ટ રિપોર્ટ અનુસાર, મુંબઈના રહેવાસીઓ દ્વારા જેટલી અસુવિધાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે તેની સંખ્યા ખૂબ વધારે છે.

ગંદી ઇમારતો, રસ્તાઓ પર વિસર્જન અને અસંખ્ય લોકોની ભીડ ધરાવતા રેલવે સ્ટેશન જાણે મુંબઈના જીવનનો ભાગ છે.

પરંતુ હવે મુંબઈના લોકો કહે છે, બસ..લોકો પ્રશાસનની અસંવેદનશીલતા વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

સિનીયર અર્બન પ્લાનર ચંદ્રશેખર પ્રભુએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "બધું જ ખોટી દિશામાં થઈ રહ્યું છે."

"નેતાઓ ક્યાં તો પરિસ્થિતિને સમજતા નથી અથવા તેમને કોઈ પરવા નથી."

"મુંબઈ મોટી માત્રામાં ટેક્સ ભરે છે, પણ તેના બદલામાં મુંબઈને કંઈ પરત મળતું નથી."

મુંબઈની ટ્રેન કરે છે સૌથી વધારે મુશ્કેલીનો સામનો

વધુમાં તેઓ જણાવે છે, "આપણે ઘટનાને ત્યારે ધ્યાનમાં લઈએ છીએ જ્યારે ભાગદોડમાં એક સાથે 23 લોકોનાં મૃત્યુ થાય છે."

"દરરોજ અસુરક્ષિત ક્રૉસિંગ અને અસંખ્ય લોકોની ભીડના કારણે સ્ટેશન પર આઠથી દસ લોકોનાં મૃત્યુ થાય છે."

"તેના પર કોઈ ધ્યાન દોરતું નથી. તે હવે જાણે સામાન્ય ઘટના સમાન બની ગઈ છે."

"કોઈ તેના વિશે વાત કરતું નથી. એવું લાગે છે કે આ લોકોનાં જીવનની કોઈ કિંમત નથી."

2010માં વર્લ્ડ બૅન્કે લગાવેલા અનુમાન અનુસાર મુંબઈની ટ્રેન દુનિયામાં સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરે છે.

ટ્રેનની ક્ષમતા 1700 યાત્રિકોની હોય છે, જ્યારે તેમાં સવાર યાત્રિકોની સંખ્યા 4500 જેટલી હોય છે.

યાત્રિકોની ક્ષમતા વધારવા માટે ડબ્બાની સંખ્યા 9 થી 12 કરવાનો પ્રોજેક્ટ પાસ કરાયો.

જોકે, પ્રોજેક્ટ પર કામ થતાં એટલો સમય લાગ્યો કે હવે આ વધારાના ડબ્બાથી કોઈ ખાસ ફેર પડતો નથી.

ભારતીય ન્યૂઝ પોર્ટલ સ્ક્રોલ.ઇનના સંપાદક અને ઘણાં પુસ્તકો લખી ચૂકેલા લેખક નરેશ ફર્નાન્ડીઝે જણાવ્યું કે યોગ્ય યોજનાની ખામીને એક અપરાધ ગણાવી શકાય છે.

વધુમાં તેઓ જણાવે છે, "મુંબઈમાં ઘણી વખત ખતરાની ઘંટી વાગી છે છતાં પણ ધ્યાન આપવાનારું કોઈ નથી."

"2005માં આવેલા પૂરનું જ ઉદાહરણ લઈ લો. લોકોમાં ખૂબ ગુસ્સો હતો અને તે છતાં અધિકારીઓએ એવી પૉલિસી લાગુ કરી જેના કારણે સ્થિતિ ખતરનાક થઈ રહી છે."

"વર્ષ 2005માં મુંબઈમાં 944 મિલિમીટર વરસાદ પડ્યો હતો, જેમાં આશરે 500 લોકોનાં મૃત્યુ થયા હતા અને આખું શહેર જાણે થોભી ગયું હતું."

"30 કલાક સુધી એરપોર્ટ બંધ રહ્યું હતું. ઑફિસ તેમજ સ્કૂલો બંધ કરી દેવાઈ હતી અને નાગરિકો રસ્તા પર ભરાયેલા પાણીમાં ફસાયેલા હતા."

બિલ્ડર લૉબી બની રહી છે શક્તિશાળી

ચંદ્રશેખર પ્રભુ અને નરેશ ફર્નાન્ડીઝ, બન્નેનું માનવું છે કે સૌથી મોટી સમસ્યા શહેરના અર્બન પ્લાનિંગની છે.

મુંબઈમાં રિયલ એસ્ટેટનો ભાવ સતત વધી રહ્યો છે જે બિલ્ડર લૉબીને શક્તિશાળી બનાવે છે. અને તે એક ચિંતાનો વિષય છે.

તેનું પરિણામ એ છે કે જાહેર સંપત્તિ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટના પૈસા વેડફાઈ રહ્યા છે.

આ પૈસાનો ઉપયોગ નવા હાઉસિંગ પ્રોજેક્ટ, શ્રીમંતો માટે બનતી સોસાયટીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વપરાઈ રહ્યા છે. જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકતી નથી.

પ્રવાસન નિષ્ણાત સુધીર બદામી માને છે, "પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રણાલીનું પુનઃનિર્માણ જ આ સ્થિતિને સુધારવાનો એક વિકલ્પ છે."

તેઓ માને છે કે બસ રેપિડ ટ્રાન્ઝિટ (BRT) રેલવેની ભીડ ઓછી કરી દેશે અને લોકોને એક સારો વિકલ્પ મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો