કેવી છે મુંબઈમાં શરૂ થયેલી ભારતની પહેલી એસી લોકલ ટ્રેન?

મુંબઈમાં હવે લોકલ એસી ટ્રેન દોડશે. બોરિવલીથી ચર્ચગેટ સ્ટેશન વચ્ચે આ લોકલ ટ્રેન સફર કરશે.

એસી લોકલ ટ્રેનની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. જે 31 ડિસેમ્બર સુધી ચાલશે.

ત્યારબાદ 2018નાં વર્ષના પહેલા દિવસથી આ લોકલ કાર્યરત થશે.

ટ્રાયલ માટે દિવસમાં કુલ છ વખત લોકલ દોડશે. કાર્યરત થયા બાદ દિવસમાં 12 વખત દોડશે. જેમાંથી 11 ઝડપી અને એક ધીમી ગતિની લોકલ રહેશે.

12 કોચની આ લોકલ ટ્રેન હશે. જેમાં 1208 બેઠકો રહેશે અને 4936 મુસાફરો ઊભા રહી શકે તેવી વ્યવસ્થા છે.

દરેક બોગીમાં 15 ટનના બે એસી લગાવવામાં આવ્યા છે. બોગીના દરવાજા ઑટોમેટિક છે.

12 બોગીની લોકલ ટ્રેન બનાવવાનો ખર્ચ 54 કરોડ થયો છે. આ ટ્રેનનું આયુષ્ય 35 વર્ષનું છે.

જો ટિકિટ દરની વાત કરવામાં આવે તો ચર્ચગેટથી વિરાર જવા માટે 205 રૂપિયા થશે. આ લોકલનો માસિક પાસ પણ બનાવી શકાશે.

આ એસી લોકલની જાહેરાત યુપીએ સરકારના 2012-2013ના વર્ષના રેલ્વે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી.

ચેન્નઈની ઇન્ટિગ્રેટેડ કોચિંગ ફેક્ટરીમાં લોકલને તૈયાર કરવામાં આવી છે.

તૈયાર થયા બાદ 2016ના વર્ષની પાંચ એપ્રિલે તે મુંબઈ પહોંચાડી દેવામાં આવી હતી.

બેલ્જિયમથી આવેલા ટેકનિશિયન્સ આ લોકલ ટ્રેન પર કામ કરતા હોવાથી વિલંબ થયાનું કહેવાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો