મફત શાકભાજી પોલીસને મોંઘી પડી, આખા પોલીસ સ્ટેશન સામે જ કાર્યવાહી

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે પટનાથી

પટણામાં એક પોલીસ સ્ટેશનને જ લાઇન હાજર કરી દેવાયું હતું. તેનું કારણ છે 14 વર્ષીય શાકભાજી વેચતો એક કિશોર.

સુરેશ (બદલાયેલું નામ) પોતાના પિતા સાથે પટણાની એક બજારમાં શાકભાજી વેચતો હતો અને પોલીસકર્મીઓ જ્યારે તેની પાસે મફતમાં શાકભાજી લેવા આવતા તો તે સ્પષ્ટ ઇનકાર કરી દેતો.

પોલીસકર્મીઓએ જ્યારે શાકભાજીની ના સાંભળી તો તેમનાથી સહન ન થયું અને તેમણે તેને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દીધો.

સુરેશના પિતાએ બીબીસીને જણાવ્યું, "મારા બાળકની ભૂલ માત્ર એટલી હતી કે તે જિપ્સીમાં આવતા પોલીસકર્મીઓને મફત શાકભાજી આપતો ન હતો. આ જ વાતથી નારાજ થઈને પોલીસકર્મીઓ તેને 'જોઈ લેવાની' ધમકી આપતા હતા."

તમે આ વાંચ્યું કે નહીં?

તેમના જણાવ્યા અનુસાર, 19 માર્ચની સાંજે સાડા સાત કલાકે જ્યારે પિતા અને દીકરો શાકભાજી વેચીને ઘરે આવ્યા તો અગમકુઆં પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સુરેશને ઘરેથી ઉઠાવી ગયા.

પરેશાન પિતા અને પરિવારજનો દીકરાના હાલચાલ જાણવા માટે પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીઓને ત્યાં ચક્કર લગાવતા રહ્યા, પરંતુ કોઈએ તેમને જવાબ ન આપ્યો.

21 માર્ચના રોજ તેમને ખબર પડી કે તેમના દીકરાને બાઇક ચોરીના આરોપસર જેલ મોકલી દેવાયો છે.

તપાસ બાદ જાણવા મળ્યું કે આધારકાર્ડમાં સુરેશની ઉંમર 14 વર્ષ છે, પરંતુ પોલીસે તેને 18 વર્ષીનો ગણાવી રિમાન્ડ હોમમાં મોકલવાને બદલે જેલમાં મોકલી દીધો છે.

મામલો સ્થાનિક મીડિયામાં છવાયા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારના નિર્દેશ પર તપાસ ટીમની રચના કરવામાં આવી હતી.

તપાસ બાદ 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

એટલું જ નહીં, આખા અગમકુઆં પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને 'લાઇન હાજર' કરી દેવામાં આવ્યા છે.

'લાઇન હાજર'નો મતલબ છે કે પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશનમાંથી પોલીસ લાઇનમાં મોકલી દેવામાં આવે છે અને સજાના ભાગરૂપે તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવતી નથી.

પટણા ઝોનના આઈજી નૈય્યર હસનૈન ખાને અગમકુઆં પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ અધિકારીઓના પોસ્ટિંગના આદેશ આપી દીધા છે.

પટણા શહેરના પૂર્વ એએસપી હરિમોહન શુક્લાને સસ્પેન્ડ કરી દેવાયા છે અને તેમના પર વિભાગીય કાર્યવાહીની ભલામણ પણ કરી દેવામાં આવી છે.

આ કાર્યવાહી બાદ ત્રણ મહિનાથી પરેશાન સુરેશના પરિવારજનોને થોડી રાહત મળી છે.

બીબીસી સાથે વાત કરતા સુરેશના પિતાએ કહ્યું, "અમને આશા છે કે અત્યાર સુધી ન્યાય મળ્યો છે. આગળ પણ અમારા પક્ષમાં જ નિર્ણય આવશે."

દેવામાં ડૂબેલો પરિવાર

પટણાના એક ભાડાના મકાનમાં રહેતો આ પરિવાર 19 માર્ચ બાદ દીકરાને જેલમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં બે લાખના દેવામાં ડૂબી ગયો છે.

શાકભાજી વેચીને ભરણપોષણ કરતા આ પરિવારમાં કોઈ શિક્ષિત નથી.

માત્ર સુરેશની નાની બહેનનું ઍડમિશન એક સરકારી સ્કૂલમાં પહેલા ધોરણમાં કરાવવામાં આવ્યું છે.

પિતા કહે છે કે તેમની સુરેશ સાથે છેલ્લી મુલાકાત થોડા દિવસો પહેલાં થઈ હતી.

તેમણે કહ્યું, "તેને પોલીસે ખૂબ માર્યો છે. એવું બની શકે છે કે તે બહાર આવી જાય. પરંતુ પોલીસનો ડરમાંથી કેવી રીતે બહાર આવશે?

જોકે, તેઓ ખુશ છે કે આ કાર્યવાહીથી મફત શાકભાજી લઈ તા પોલીસકર્મીઓ પર લગામ તો ચોક્કસ લાગશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો