You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમે મરીએ પણ ખરા અને અમારા મરણના પુરાવા પણ લાવીએ?'
- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા, બિહારના બથાનીથી
સાધુ પલટન રામને પોતાની ઉંમરનો અંદાજ નથી પણ સહારા વગર એમના પગ હવે જમીન પર ટકતા નથી.
પોતાના હાડપિંજર જેવા શ્યામ શરીર પર લાંબી ખુલ્લી જટાવાળા ઘરની સામે બેઠેલા આ સાધુ પલટન રામ પહેલાં સાધુ નહોતા.
પલટન રામ બિહારના ભોજપુર જિલ્લાના બથાની ટોલા ગામના રહેવાસી છે.
21 જુલાઈ 1996માં 'રણવીર સેના'એ આ ગામ પર હુમલો કર્યો હતો, જેમાં 21 દલિતો અને મુસલમાનોની હત્યા કરી નાખવામાં આવી હતી.
જેમાં 11 મહિલાઓ અને 6 બાળકો હતાં એટલે સુધી કે ત્રણ દૂધ પીતાં બાળકોને પણ છોડવામાં આવ્યાં નહોતાં.
'બથાની ટોલા જનસંહાર'તરીકે જાણીતો આ હત્યાકાંડ દેશભરમાં દલિતો વિરુદ્ધ થનારી હિંસાના ઇતિહાસમાં બનેલી ભયાનક ઘટનાઓમાંની એક છે.
પલટન રામની 13 વર્ષની દીકરી ફૂલા કુમારીનું મૃત્યુ આ જ હત્યાકાંડમાં થયું હતું.
ગામમાં એક શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે અને પલટન રામનું ઘર તેની સામે જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બોલવામાં પણ તકલીફ
ગંદુ ધોતિયું પહેરી ઘરના આંગણામાં બેઠેલા પલટન રામને ઓછું સંભળાય છે અને બોલવામાં પણ તકલીફ પડે છે.
ફૂલા કુમારી અંગે પૂછતાં સામેના સ્મારક તરફ આંગળી ચીંધી તેઓ જણાવે છે, ''પેલી રહી મારી ફૂલા, હું રોજ એને અહીંથી જોઉં છું."
આટલું કહેતાં એમની આંખમાં આંસુ આવી જાય છે. 'બથાની ટોલા જનસંહાર'ને નજરે નિહાળનારા પલટન રામ ફૂલાની હત્યાકાંડના ત્રણ વર્ષ બાદ સાધુ બની ગયા હતા.
રણવીર સેનાનું નામ
14 વર્ષની લાંબી લડાઈ બાદ ભોજપુરની નીચલી અદાલતે 68 આરોપીઓમાંથી 23ને દોષી ઠેરવ્યા હતા.
મે 2010માં ભોજપુર જીલ્લા મુખ્યાલય આરામાં આપવામાં આવેલાં એક ચુકાદામાં 20 આરોપીઓને આજીવન કારાવાસ અને ત્રણને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
પણ એપ્રિલ 2012નાં નવા નિર્ણયમાં પટના ઉચ્ચ ન્યાયાલયે સાક્ષીઓ ન હોવાને કારણે તમામ આરોપીઓને છોડી મૂક્યા.
આ છોડાયેલાં આરોપિઓમાં રણવીર સેનાનાં પ્રમુખ બ્રહ્મેશ્વર મુખિયાનાં નામનો પણ સમાવેશ થતો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
ઉચ્ચ જાતિઓનાં જમીનદારોની હથિયારધારી સેના બનાવનારા બ્રહ્મેશ્વર મુખિયાની 2012માં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
તમામ આરોપીઓને છોડી મૂકાયા બાદ બથાની ટોલા ગામના રહેવાસીઓ ઉચ્ચતમ ન્યાયાલયમાં ન્યાય માટેની ફરિયાદ લઈને તો ગયાં છે, પણ એમને ન્યાય મળવાની આશા ના બરોબર છે.
'બથાની ટોલા જનસંહારની વાતો દલિતો અને મુસલમાનો માટે ન્યાયનાં મુશ્કિલ માર્ગોનું જીવંત ઉદાહરણ છે.
''દલિતો અને મુસલમાનો ને કેટલો મળી શકે છે ન્યાય?''
દલિતો અને મુસલમાનો સાથે જોડાયેલી બીબીસીની સ્પેશિયલ સિરીઝ માટે, જ્યારે અમે આ સવાલનો જવાબ મેળવવા માટે બથાની ટોલા જનસંહારનાં પીડિતોને મળ્યા, ત્યારે હતાશામાં ડૂબેલી એક છબી ઉભરી આવી.
રાષ્ટ્રીય અપરાધ રિકૉર્ડ બ્યૂરો (એનસી આરબી)નાં આ વર્ષનાં આકડા દર્શાવે છે કે 1996માં જાતીય હિંસાનો ભોગ બનેલાં બથાની ટોલાનાં દલિત હિંસાનાં આ દુષ્ચક્રમાં એકલાં નથી.
એનસી આરબીનાં આંકડા અનુસાર, છેલ્લાં 10 વર્ષોમાં(2007-2017) માં ભારતમાં દલિતો પર થતી હિંસામાં 66 ટકાનો વધારો થયો છે.
આ આંકડા મુજબ, દર 15 મિનિટમાં ભારતમાં કોઈને કોઈ એક દલિત સામે અત્યાચારનો કેસ નોંધાય છે.
ગયા નવેમ્બરમાં જારી કરાયેલાં એનસીઆરબીનાં તાજા આંકડા અનુસાર, 2015માં નોંધાયેલાં 38,670 કેસની સરખામણીમાં 2016માં દલિતો પર અત્યાચારના 40,801 ફોજદારી કેસ નોંધાવવામાં આવ્યાં છે.
એપ્રિલ 2018માં ગૃહ મંત્રાલયનાં એક અહેવાલ મુજબ, દલિતો સામે થતી જાતીય હિંસાનાં મુદ્દામાં આરાપિઓને સજા મળવાનો દર માત્ર 16.3 ટકા છે.
'રણવીર બાબાની જય'ના સૂત્રોચ્ચાર
બથાની ટોલાનાં રહેવાસીઓની કહાણી અક્ષરશઃ ખરી જણાય છે. પલનરામ અને આજુબાજુના લોકો મને મારવારી ચૌધરી મલ્લાહના ઘરે લઈ જાય છે, જે માંડ 40 મીટરનાં અંતરે આવેલું છે.
બથાની નરસંહાર દરમિયાન અહીં 14 બાળકો અને મહિલાઓની હત્યા કરવામાં આવી હતી.
ગોળીબારમાં એક ગોળી ઘરનાં મુખ્ય દરવાજામાં ફસાઈ ગઈ હતી, જે આજે પણ ત્યાં છે.
એ દિવસને યાદ કરતા મારવારી કહે છે, "એ સમયે ઘર કાચી માટીનું બનેલું હતું. જુલાઈ મહિનામાં બપોરનો સમય હતો.
"ગામના આ વિસ્તારમાં ભૂમિહીન દલિતો રહેતાં. એ દિવસે ઘરના પુરુષો મજૂરી માટે ગયા હતા.
"ત્યારે 'રણવીર બાબ કી જય'ના નારા લગાવતા રણવીર સેનાના લોકો આ વિસ્તારમાં ઘૂસી આવ્યા."
દલિતોની વેતન વધારવાની માગ
મલ્લાહ ઉમેરે છે, "દિવાળીના ફટાકડાની જેમ ગોળીબાર કરી રહ્યા હતા. લગભગ 60 લોકો હતા. તેમના હાથોમાં બંદૂકો, રાઇફલ, તલવાર અને ધારિયા હતા.
"અડધી કલાકની અંદર તેમણે 21 લોકોની હત્યા કરી નાખી.
"મારા ઘરમાંથી ત્રણ લોકોનાં મૃત્યુ થયાં. મારો દોહિત્ર બુધના તો માત્ર 11 વર્ષો જ હતો."
ગામના વડીલ તથા હત્યાકાંડમાં સાક્ષી હીરાલાલ કહે છે, "દલિતો તેમની દૈનિક મજૂરી રૂ. 20થી વધારીને રૂ. 21 કરવાની માગ કરી રહ્યા હતા."
તેઓ કહે છે, "એક સમયે અહીં લગભગ 150 દલિત વેઠિયા મજૂર હતા. બાદમાં 79ની સાલમાં અહીં મનોજકુમાર શ્રીવાસ્તવ નામના કલેક્ટર આવ્યા.
"તેમણે લેબર કોર્ટમાં સરકારી લડાઈ લડીને અમને વેઠિયા મજૂરી અટકાવડાવી.
"અનેક વેઠિયા દલિત મજૂરોને મુક્ત કરાવ્યા. આથી ગામના સવર્ણ સામંતોને માઠું લાગ્યું હતું."
મજૂરીના સૌથી ઓછા દર
હીરાલાલે કહે છે કે, "એ પછી અમને બહુ ઓછી મજૂરી મળતા અમે ગામના દલિતોએ મળીને મજૂરી વધારવાની માગ કરી.
"સરકારી રેટ 21 રૂપિયા પ્રતિદિવસ હતો અને લડવા છતાં અમને 20 રૂપિયા જ આપતા હતાં.
"મજૂરી માંગીએ તો સાહેબ અમને કહેતા હતા કે, 'નક્સલ ના બનશો.' પછી બિહારમાં રણવીર સેના બની."
એટલામાં ચુપચાપ બધઈ વાતચીત સાંભળી રહેલાં ગામના અન્ય વડીલ યમુનારામે કહ્યું કે, "મારી છોકરી રાધિકા દેવને પણ ગોળી વાગી હતી. ત્યારે તે માં બનવાની હતી.
પાંચ મહિના થયાં હતાં. ગોળી વાગ્યા બાદ પણ તે બચી ગઈ અને પછી ઘટનાને નજરે જોનાર સાક્ષી બની.
અમે બન્ને કોર્ટ જતા હતાં, અનેક ધક્કા ખાધા, અનેક જુબાનીઓ આપી. બધાં વચ્ચે અદાલતમાં તેણે ઓળખ કરી બતાવી કે કોણે-કોણે ગોળી ચલાવી હતી.
જજ સાહેબને બધું જ કહ્યું, આમ છતાં એ લોકો છૂટી ગયાં. તે આજે પૂછે છે કે "ન્યાય શું છે? ન્યાય કંઈ જ નથી સર!"
આટલું કહેતા-કહેતા તો યમુનાના ચહેરા પર ખાલીપો છવાઈ ગયો. જેમ કે છેલ્લાં 22 વર્ષમાં તેમના આંસુ સુકાઈ ગયા હતાં.
ડરના ઓથાર હેઠળ જિંદગી
મારવારીના આંગણામાં અમારી સાથે બેઠેલા 50 વર્ષના કપિલ કહે છે કે ગામમાં રહેતાં દલિતોનાં જીવનનું સ્તર હજું સુધી સુધર્યું નથી.
તેઓ કહે છે કે, "એ લોકો અમારા પર જુલ્મ કરે અને અમે ચૂપચાપ સહન કરીએ ત્યારસુધી જ શાંતિ રહે.
"આજે પણ અહીં દલિતોને દિવસદીઠ 100 રૂપિયા મજૂરી જ આપવામાં આવે છે, જે આખા દેશમાં સૌથી ઓછી અપાતી મજૂરી છે.
"એમ છતાં દલિતોએ કામ કરવું પડે છે કેમકે અમે ભૂમિહીન છે.
"અમારા પાસે કોઈ જ વિકલ્પ નથી, જેમણે અહીં નરસંહાર કર્યો, એમના જ ખેતરોમાં દલિતોને કામ કરવું પડે છે."
કપિલ કહે છે કે, "એ લોકો અમારી સામે ખુલ્લાં ફરે છે. કંઈ કહીએ તો જમીનદાર લોકો કહે છે કે, પહેલાં પણ અમે કાપ્યા હતાં અને અમને કશું જ નહોતું થયું, ભૂલી ગયાં?
"પુરુષો તો ઠીક તેમના ઘરની મહિલાઓ પણ સંભળાવે છે કે, કાપી નાંખ્યા હતા ને, તો પણ આદત છૂટતી નથી."
બથાનીના સ્થાનિકો આજે પણ ભયના ઓથાર હેઠળ જિંદગી પસાર કરી રહ્યાં છે.
દલિતો પર અત્યાચાર
હીરાલાલ કહે છે, "દેશનો જે પ્રકારનો માહોલ છે એ તમે જોયું જ હશે, બધા જાણે છે કે દલિતો અને મુસ્લિમો પર દમનની ઘટનાઓ વધી રહી છે.
"શું ખબર કાલે હિંદુ ધર્મના નામે કોઈ અન્ય સેના બનાવીને લોકો અહીં આવે અને ફરીથી મારકાટ શરૂ કરે.
"અગાઉના કિસ્સામાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હોવાથી ઊંચી જાતીઓના લોકોનું મનોબસરળ વધ્યું છે."
ઉત્તર પ્રદેશમાં લાંબા સમય સુધી કામ કરી ચૂકેલાં રિટાયર્ડ આઈપીએસ અધિકારી અને સામાજિક કાર્યકર્તા એસઆર દારાપુરીનું કહેવું છે કે વર્તમાન સરકારમાં દલિતો પર અત્યાચાર વધ્યા છે.
દારાપુરી કહે છે, "અમે એનસીઆરબીના તાજા આંકડાનું અધ્યયન કર્યું તો ખ્યાલ આવ્યો કે ભાજપ શાસિત પ્રદેશોમાં દલિતો વિરુદ્ધ અપરાધ બીજા પ્રદેશોની સરખામણીએ વધારે છે.
"આ સરકારનું દલિત વિરોધી વલણ સ્પષ્ટ છે. એટલી હદ સુધી કે દલિત અને પછાત લોકોને મદદ કરવાના બદલે પોલીસ અને સરકારી તંત્ર તેમને વિકાસયાત્રામાં પાછા ધકેલે છે."
એસઆર દારાપુરીની ટિપ્પણી આરામાં રહેતા મહંમદ મઈમુદ્દીન સાથે થયેલી વતાચીતના પ્રતિબિંબ સમાન છે.
'22 વર્ષોથી ઊંઘી નથી શકતો'
બથાની નરસંહારમાં નઈમુદ્દીનના પરિવારના છ લોકોની હત્યા થઈ હતી. ઘટના પછી ડરના કારણે નઈમુદ્દીને તેમના બાકીના પરિવાર સાથે ગામ છોડીને આરામાં રહેવાનો નિર્ણય કર્યો.
તેમના પરિવારમાંથી મોટી બહેન, મોટી વહુ, એક દસ વર્ષનું બાળક અને ત્રણ મહિનાની નવજાત પૌત્રી પણ મૃત્યુ પામી હતી.
દલિતો અને મુસલમાનો માટે ન્યાયનું શું મહત્ત્વ છે. એ પ્રશ્ન સાંભળીને નઈમુદ્દીનની આંખોમાં આંસુ આવી જાય છે.
તેઓ ડૂસકાં ભરીને રડવા લાગે છે જેમકે 22 વર્ષ જૂનાં ઘા જાણે હજું પણ તાજા જ છે.
પાણી પીધા બાદ થોડાં સ્વસ્થ થઈને નઈમુદ્દીન કહે છે, "મારું લોહી ઊકળી ઊઠે છે. મારા પરિવારજનોની કબર પર મારા જ હાથથી માટી નાંખી છે.
"22 વર્ષમાં ઊંઘી શકતો નથી. પાંચ પરિવારજનોનાં મૃતદેહો એક જ ટ્રેક્ટરમાં નાંખીને લઈ ગયા હતા. 10 વર્ષના બાળકની ગરદન પાછળથી કાપી દેવાઈ હતી."
નઈમુદ્દીને બોલતી વખતે પોતાના આંસુને રોકી નહોતા શકતા.
'જજ સાહેબ અમારો કેસ જોતાં જ નથી.'
તેઓ પૂછે છે કે, "અમને શું ન્યાય મળશે? સુપ્રીમ કોર્ટ પાસે આશા હતી, તપાસ કરીએ છીએ તો સાહેબ કહે છે કે ત્રીજા જજની કોર્ટમાં કેસ અટક્યો છે. હવે અમે શું કરીએ?"
બાજુમાં જ નઈમુદ્દીનનો મોટો છોકરો ઇમામુદ્દીન સૂનમૂન થઈને બેઠો હતો. તેમની પત્ની નગમાનું નામ પણ મૃતકોની યાદીમાં હતું.
તેઓ કહે છે કે, "ત્યારે અમારાં નવા-નવા જ લગ્ન થયા હતાં."
નઈમુદ્દીના આગળ કહે છે કે, "ઘટના ઘટી એ પહેલાં સુધી અમે ગામમાં બંગડીઓ વેચતા હતાં.
અમે અમારી નજરે આખી ઘટના જોઈ છે. એ દિવસે બધી જ મહિલાઓ પોતાનો જીવ બચાવવા માટે મારવારી મલ્લાહના ઘર તરફ ભાગી હતી.
એમાં અમારા ઘરની સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. એ લોકોએ બધાંને આંગણામાં જ ઘેરીને મારી નાંખ્યા.
મને મારી નાંખવાની ધમકી આપતા હતાં, તો પણ હું રોજ અદાલતમાં જતો હતો. જજ સાહેબનું બધું જ કહ્યું. જજ સાહેબનું બધું જ કહ્યું
આરાના જજ મને રડચો જોઈને ચુપ કરાવતા હતાં અને કહેતા હતાં કે અમે ન્યાય કરીશું.
14 વર્ષ પછી તેમણે 20ને આજીવન કેદની અને ત્રણને મૃત્યુદંડની સજા આપવામાં આવી. પછી એવું કેવી રીતે થયું કે મોટી અદાલતે 6 જ મહિનામા 21 લોકોને નિર્દોષ જાહેર કરી દીધા.
ત્યાં જજ સાહેબે કહ્યું કે પુરાવા નથી. અરે, પુરાવા લાવવાનું કામ તો પોલિસનું છે. "એટલે અમે મરીએ પણ અને મરવાનાં પૂરાવા પણ લાવીએ?"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો