હાર્દિકની મહાપંચાયત ફરી ઊભું કરી શકશે અનામત આંદોલન?

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સામાજિક ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પંચાયતમાં પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના નેતા હાર્દિક પટેલ હાજર રહ્યા હતા.

પંચાયત સભા અંગે હાર્દિકે બીબીસી સાથે વાતચીત કરતા જણાવ્યું, "ગુજરાતના ચાર હજાર ગામડાંમાંથી બે-બે આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને લગભગ 25થી 30 હજાર લોકોની આ સભા હતી."

હાર્દિકે સ્પષ્ટતા કરતા જણાવ્યું, "મેં કોઈ આંદોલન પાર્ટ-3 અંગે કહ્યું ન હતું. અમારું આંદોલન ક્યારેય બંધ થયું જ ન હતું. "આ સભા આંદોલન તરફ એક જમ્પ છે. અમે સ્પષ્ટ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ સભામાં કોઈપણ ભાજપના નેતા સામેલ થયા ન હતા.

"કોંગ્રેસના અમુક નેતાઓ આવ્યા હતા."

કોંગ્રેસ સમક્ષ મૂક્યો પ્રસ્તાવ

ઉલ્લેખનીય છે કે સામાજિક ન્યાય પંચાયતમાં કોંગ્રસેના 16 પાટીદાર ધારાસભ્યો હાજર રહ્યા હતા.

હાર્દિકે કહ્યું, "અમે કોંગ્રેસના ધારાસભ્યો પાસે અનામત મુદ્દે પ્રસ્તાવ મૂક્યો કે તેઓ વિધાનસભામાં અનામત મુદ્દે એક સત્ર બોલાવે જેને લઈને આ બધા ધારાસભ્યોએ પોતાની સહમતી દર્શાવી હતી."

હાર્દિકના જૂના સાથીઓ ગાયબ

હાર્દિકની મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં લોકો તો હાજર રહ્યા હતા પરંતુ તેમના જૂના સાથીઓ જે પાટીદાર આંદોલન બાદ તેમને છોડીને ચાલ્યા ગયા હતા તેઓ ક્યાંય નજરે પડ્યા નહોતા.

હાર્દિકે દાવો કર્યો હતો કે, તેમની હાલની ટીમ અગાઉની ટીમ કરતાં વધુ મજબૂત છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતની ક્રિકેટ ટીમનું ઉદાહરણ પણ આપતા તેમણે કહ્યું, "'ટીમમાંથી સચીન જતો રહે એનો મતલબ એવો નથી કે ટીમ ભાંગી પડે. વિરાટ કોહલી જેવા બૅટ્સમૅન પણ અત્યારે ટીમમાં છે ને?"

જોકે હાર્દિકે તેમની હાલની ટીમના 'વિરાટ' કોણ છે એ વિશે કોઈ માહિતી આપી નહોતી.

'હાર્દિકને પહેલાં જેટલું સમર્થન નહીં મળે'

હાર્દિકનું આ આંદોલન કેટલું અસરકારક રહેશે એ અંગે વાત કરતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ જણાવે છે, "મને લાગે છે કે હાર્દિકને પહેલાં જેટલું લોકોનું સમર્થન નહીં મળે.

"સામાન્ય રીતે સમય જતાં કોઈપણ આંદોલનની અસર ઓછી થતી હોય છે. જો તમે વૈચારિક અને સંગઠનની બાબતે મજબૂત હોય તો આવું ના થાય, પરંતુ હાર્દિક આ બાબતોમાં મજબૂત નથી."

શાહે એવું પણ જણાવ્યું કે સભામાં લોકો આવવા એનો મતલબ એવો નથી કે તેઓ તમને સમર્થન કરે છે.

આવનારી 2019ની લોકસભાની ચૂંટણીને હાર્દિક કેટલું પ્રભાવિત કરી શકે એ તો સમય બતાવશે, જે અસર થશે એ હાર્દિકને કારણે નહીં, પરંતુ રાજ્યમાં સરકાર વિરુદ્ધ ખેડૂતોનો રોષ અને બીજા પરિબળોને કારણે થશે.

'સારી-સારી વાતો કરવાથી સમાજનું ભલું નહીં થાય'

હાર્દિકના આંદોલન અંગે એક સમયે તેમના સાથી અને 25 ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર મળેલી જંગી પાટીદાર સભામાં તેમની સાથે મંચ પર રહેલા લાલજી પટેલ હવે તેમની સાથે નથી.

સરદાર પટેલ સેવા દળ(એસપીજી)ના આગેવાન લાલજી પટેલે બીબીસીને જણાવ્યું, "કોંગ્રેસના નેતાઓને એકઠા કરીને સારી-સારી વાતો કરવાથી સમાજનું ભલું નથી થવાનું.

"આપણે જોઈ પણ શકીએ છીએ કે પહેલાં કરતાં લોકોની હાજરી ઓછી જોવા મળી હતી."

તેમણે એવું પણ કહ્યું હતું કે સભા માટે દરેક જિલ્લાના આગેવાનને પહેલાંથી જ લોકોને લઈ આવવા માટે કહેવામાં આવતું હોય છે.

હાર્દિકના આંદોલનને તેઓ સમર્થન આપશે કે નહીં એ અંગે સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈપણ એજન્ડા વિના લોકોને ભેગા કરવાથી સમાજનું કંઈ ભલું નથી થવાનું.

જો તેઓ સમાજને અને વડીલોને સાથે લઈને એજન્ડા મુજબ આગળ વધે તો અમે સમર્થન કરી શકીએ.

'પાટીદારો અત્યારે બે ભાગમાં વહેંચાયેલા છે'

પાટીદાર આંદોલનની 2019માં લોકસભા ચૂંટણી પર શું અસર થશે એ અંગે પોલિટિકલ સાયન્સના પ્રોફેસર બલદેવ આગઝાએ જણાવ્યું હતું કે પાટીદારો અત્યારે બે ભાગમાં વહેંચાયેલા છે એટલે વધુ અસર થશે નહીં.

આગઝાએ આગળ જણાવ્યું, "પાટીદારો પહેલાંથી જ ભાજપ સાથે જોડાયેલા છે. વર્ષ 2017ની ચૂંટણી પહેલાં જે પાટીદાર આંદોલન થયું હતું તેની અસર ચૂંટણી પર બહુ ઓછી જોવા મળી ન હતી."

આગઝાએ એવું પણ કહ્યું હતું કે હાર્દિકની સભામાં આવતા દરેક લોકો તેમના તરફી હોય એવું ના માની શકાય.

ઉત્તર ગુજરાતનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે "પાટીદાર પ્રભાવવાળી આ બેઠકો પર હાર્દિકના આંદોલનની બહુ અસર જોવા મળી ન હતી અને કોઈ કાળે આવનારી ચૂંટણીમાં પણ પાટીદારો કોંગ્રેસ તરફી થશે નહીં."

આગઝાએ એવું પણ કહ્યું કે 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદ ખાતે થયેલા પાટીદાર આંદોલનમાં પાછલા બારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓનું સમર્થન હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો