તમિલનાડુ: સ્ટરલાઇટ પ્લાન્ટને લાગશે તાળું, જાણો વેદાંતાના 5 વિવાદો

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા.

તમિલનાડુના તૂતિકોરિનમાં આવેલા સ્ટરલાઇટ કંપનીના પ્લાન્ટ બંધ કરાવવા થયેલા વિરોધ પ્રદર્શનમાં 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

હવે આ પ્લાન્ટને તમિલનાડુની સરકારે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સોમવારે રાજ્ય સરકાર તરફથી આ પ્લાન્ટને કાયમી ધોરણે બંધ કરી દેવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

પર્યાવરણ અને વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં વૉટર ઍક્ટ 1974ની કલમ 18(1)(b)ની જોગવાઈ અનુસાર, જાહેર જનતાના હિતમાં તમિલનાડુ પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડને આ પ્લાન્ટ કાયમી ધોરણે બંધ કરવાનું કહેવાયું છે.

સ્ટરલાઇટ પ્લાન્ટ સામે વર્ષોથી સ્થાનિક લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. તાજેતરમાં જ આ કંપનીએ શહેરમાં પોતાના યૂનિટનું વિસ્તરણ કરવાની યોજના બનાવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સતત 100 દિવસના પ્રદર્શન બાદ પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

જેમાં પોલીસે ફાયરિંગ કરાયું હતું અને આ પ્રદર્શનમાં 13 લોકોનાં મોત થયાં હતા. બાદમાં વિવાદ થતા સરકાર પર પણ દબાણ ઊભું થયું હતું.

જોકે, આ પ્રથમ વખત નથી કે બ્રિટનની આ કંપની વિવાદોમાં ઘેરાઈ હોય.

લંડન સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ વેદાંતાના ભારતીય એકમનું નામ સ્ટરલાઇટ છે. આવો જોઈએ કે કયા કયા વિવાદોમાં કંપનીનું નામ આવ્યું હતું.

કોરબામાં પણ દુર્ઘટના

છતીસગઢના કોરબામાં સ્ટરલાઇટ ઍલ્યુમિનિયમ કંપની ચલાવે છે. જેમાં 2009માં થયેલી એક ચિમની દુર્ઘટનામાં 42 મજૂરોનાં મૃત્યુ થયાં હતાં.

પોલીસે આ દુર્ઘટનામાં બાલ્કો વેદાંતા,ચીની કંપની શૈનદોંગ ઇલેક્ટ્રિક પાવર કંસ્ટ્રકશન કૉર્પોરેશન અને જીડીસીએલ વિરુધ્ધ રિપોર્ટ નોંધાવ્યો છે.

આ મુદ્દે રાજ્ય સરકારે એક આયોગની પણ રચના કરી હતી જેનો રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો હતો પણ સરકારે એને જાહેર કર્યો ન હતો.

વર્ષ 2001માં આ સરકારી કંપનીને વેદાંતાએ ખરીદી ત્યારે જ વિવાદ શરૂ થઈ ગયો હતો.

વેદાંતાએ ભારત ઍલ્યુમિનિયમ કંપની કે બાલ્કોની રિફાઇનરી, સમેલટર અને ખાણોને ભારત સરકાર પાસેથી લગભગ 551 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતાં.

પણ એવું કહેવાય છે કે સરકારી કંપનીની કિંમત આના કરતાં ઘણી વધારે હતી.

કંપનીને વેચવાનાં વિરોધમાં મજૂરોએ હડતાલ પાડી હતી અને તે 60 દિવસ સુધી ચાલી હતી.

નિયમગિરી,ઓરિસ્સા

આદિવાસી બહુમતીવાળા વિસ્તારમાં બૉક્સાઇટ ખનનનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી ગયો, જેમાં ડોંગરિયા કોંડ આદિવાસીઓને આ અંગે ગ્રામ પંચાયતમાં એમનો અભિપ્રાય જણાવવાનું કહેવામાં આવ્યું.

તમામ 12 પલ્લી સભાઓએ ખનનનો પ્રસ્તાવ એકસૂરે નકારી કાઢ્યો.

દેશની સર્વોચ્ચ અદાલતના હુકમથી આ સભાઓઓ જુલાઈ-ઑગસ્ટમાં આયોજીત કરાઈ હતી.

વેદાંતાએ લાંજીગઢમાં 10 લાખ ટનની ક્ષમતાવાળી એક રિફાઇનરીનું નિર્માણ કર્યું હતું. નિયમગિરીમાં ખનનનાં જોરે ક્ષમતા છ ગણી વધારી દેવામાં આવી હતી. જો કે કંપની પાસે ત્યારે આનું કાયદેસર ફરમાન હતું નહીં.

તૂતિકોરિન,તમિલનાડુ

ચાર લાખ તાંબાના ઉત્પાદનની ક્ષમતાવાળા કારખાના સામે મહિનાઓથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. જેમાં પોલીસે ગોળીબારી કરતાં 13 લોકોનાં મૃત્યુ થયાં છે.

સ્થાનિક નાગરિકો કારખાનાને કારણે ત્યાં ફેલાઈ રહેલાં પ્રદૂષણ સામે વિરોધ કરી રહ્યા હતા.

પર્યાવરણ સંબંધી નિયમોના ઉલ્લંઘનને કારણે સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રી પર 100 કરોડ રૂપિયાનો દંડ લાદ્યો હતો.

વર્ષ 2010માં મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું કે પ્લાન્ટને કારણે વાતાવરણમાં એવા પદાર્થો ભળી રહ્યા છે જેની ઘાતક અસરો થઈ રહી છે.

પછી હાઈકોર્ટે પ્લાન્ટને બંધ કરવાનો આદેશ પણ આપ્યો હતો. કંપની આની સામે સુપ્રીમ કોર્ટ ગઈ હતી.

સેસા ગોવા, ગોવા

શાહ કમિશને વર્ષ 2012માં ગેરકાયદે ખનન માટે જે કંપનીઓને દોષી ગણાવી હતી એમાંની એક સેસા ગોવા પણ હતી.

સેસા ગોવા વેદાંતાની લોખંડની ઉત્પાદન કરતી કંપની છે.

એક અનુમાન મુજબ, ગેરકાયદે ખનન કારણે રાજકોષને 35,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

હવે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તમામ પટ્ટાઓને રદ કરી દેવામાં આવે અને હવે સરકાર બોલી લગાવીને આના ખનનની મંજૂરી આપે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો