કોંગ્રેસ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવશે?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રમોદ જોશી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

પ્રથમ નજરે તો એવું લાગતું નથી કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન પદની દાવેદારીના દાવા વિશે બહુ સમજી વિચારીને કહ્યું છે.

બીજી નજરે એવું લાગે છે કે તેમણે તકનો લાભ લઈ વિચારપૂર્વક આવું કહ્યું છે, પોતાના દાવો રજૂ કર્યો છે. ઔપચારિકતામાં ફસાયેલા રહ્યા તો થઈ રહ્યું.

જો આવું હોય તો રાહુલ રાજકારણનો કક્કો ચોક્કસ શીખી ચૂક્યા છે અને તેમણે પણ પરિપક્વ નેતાની જેમ આવી રીતે વાત કરવાનું શરૂ કર્યું છે.

આવી જાહેરાતો રાહુલની પ્રોફાઇલ બનાવવા માટે પણ જરૂરી છે. આ જાહેરાતનો આઘાત ભાજપ કરતાં કોંગ્રેસના સાથીઓને વધારે લાગશે.

line

સહયોગી પક્ષો શું કહેશે?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલ ગાંધીએ જે પણ કહ્યું હોય, તેમના સાથીઓ અને વિરોધીઓ હવે તેની રાજકીય અસરનો તાગ મેળવશે.

તેમની પાર્ટીમાંથી સમર્થન કરતા નિવેદનો આવી રહ્યાં છે. નવાઈ નહીં કે થોડા સમયમાં પોસ્ટર્સ પણ જોવા મળે.

જોકે, મોટો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ વડાપ્રધાનપદના ઉમેદવારનાં નામની જાહેરાત કરી 2019ની ચૂંટણીમાં ઉતરશે? તેની જરૂર પણ છે?

તમે આ વાંચ્યું કે નહીં?

પાર્ટીમાં રાહુલ ગાંધી સિવાય બીજું કોણ છે, જે વડાપ્રધાન પદ માટે ઉમેદવાર હોઈ શકે?

જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે નહીં, ત્યારે તેમને પ્રશ્ન કરાયો કે શું તમે વડાપ્રધાન બનશો? રાહુલે જવાબ આપ્યો હતો કે તેનો આધાર પરિસ્થિતિ પર છે.

line

કોણે રાહુલનું નામ નક્કી કર્યું?

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

આ પછી પ્રશ્ન એ હતો કે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો, તો તમે વડાપ્રધાન બનશો? તેમણે કહ્યું, શા માટે નહીં?

તેઓ જવાબમાં એ કહી શક્યા હોત કે એ સંસદીય દળ નક્કી કરશે. અને જો સરકાર ગઠબંધનવાળી બને તો તેમણે કઈ રીતે નક્કી કરી લીધું?

જોકે, હમણાં સાથીદારો કોણ હશે એ નક્કી નથી. એનડીએ સામે વિરોધી પક્ષોનું એક ગઠબંધન હશે કે બે એ પણ હજુ સુધી સ્પષ્ટ નથી.

આ અર્થમાં આ નિવેદન અપરિપક્વ છે. શક્ય છે કે કેટલાક પક્ષો આ અંગે પ્રતિક્રિયા આપે.

એ સંભાવના પણ છે કે રાહુલ સમજી વિચારીને બોલ્યા હોય.

રાહુલ ગાંધી હવે એ પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ નરેન્દ્ર મોદીની સામે તેમની ઇમેજ ઊભી કરે.

line

જાહેરાત કેમ પડી?

સાઇકલ પર રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

એ એક મોટી હકીકત છે કે છેલ્લાં ચાર-પાંચ દાયકાઓમાં દેશની રાજનીતિ અનિશ્ચિતતાના હિંડોળે ઝૂલી રહી છે અને નેતાઓ અચાનક પ્રગટ થયા છે.

જો રાહુલ ગાંધી પોતાને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે, તો આ જાહેરાત પક્ષ માટે નહીં પણ મતદારો માટે છે.

કોંગ્રેસ પક્ષની પ્રથા વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની નથી.

તેમને તેની જરૂર પણ નથી, કારણ કે જ્યારે નહેરુ, ઇન્દિરા અને રાજીવ ગાંધીનાં નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી હતી ત્યારે આવી જાહેરાતની જરૂર નહોતી.

અલબત્ત 2009માં પક્ષે મનમોહન સિંહને નેતા તરીકે જાહેર કર્યા હતા, જેની ત્યારે જરૂર પડી હતી.

ભાજપને અટલ બિહારીના સમયે જરૂર પડી નહોતી. પરંતુ પાર્ટીની આંતરિક લડાઈમાં નરેન્દ્ર મોદીએ પોતાને ઉમેદવાર જાહેર કરાવી દીધા હતા.

જ્યારે પક્ષે તેમને ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે મોદીએ પોતે વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર તરીકે બોલ્યા ન હતા.

જોકે, 2014માં તેઓ પવનની ઝડપે વડાપ્રધાન બન્યા હતા. પરંતુ ચૂંટણીના છ મહિના અગાઉ નક્કી નહોતું કે ભાજપ જીતશે કે નહીં.

આ ખ્યાલ હજુ પણ છે. 2019ની ચૂંટણીઓમાં કેટલાય 'કિંગ' અને 'કિંગ મેકર' બાજુમાં બેઠેલા છે કદાચ તેમને તક મળી જાય.

મુલાયમસિંહ, નીતિશ કુમાર, લાલુ યાદવ, શરદ યાદવ સહિતના નેતાઓ

ઇમેજ સ્રોત, Getty Images

આ આપણા રાજકારણની નવી વાસ્તવિકતા છે. વડાપ્રધાન બનવા માટે બધા રાજકારણીઓ પાસે 'માન્ય' કારણો હોય છે.

ત્રિશંકુ સંસદની શક્યતાએ પ્રાદેશિક પક્ષોને આત્મવિશ્વાસ આપ્યો છે.

2012માં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ભવ્ય જીત છતાં મુલાયમસિંહ મુખ્યમંત્રી બન્યા નહોતા.

તેમણે વિચાર્યું કે કદાચ દિલ્હીમાં વધુ સેવા કરવાની તક મળશે, પણ મુલાયમસિંહને આ તક મળી નહીં.

અલબત, રાહુલ ગાંધી સિવાય રાષ્ટ્રીય રાજકારણમાં ઓછામાં ઓછા અડધો ડઝન નેતાઓ છે, જેમનામાં વડાપ્રધાન બનવાની ઇચ્છા છુપાયેલી હોઈ શકે છે.

શરદ પવાર, મમતા બેનરજી, માયાવતી, નવીન પટનાયક, કે. ચંદ્રશેખર રાવ, ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જેવા નેતાઓનો અનુભવ અને રાજકીય આધાર છે, જે ખુરશી મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.

line

સંજોગો મહત્ત્તવના

લોકોની વચ્ચે રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

એવી પરિસ્થિતિઓ મહત્ત્વની છે કે જે નેતૃત્વની ખુરશી તરફ દોરી જાય છે. આવા સંજોગો કોઈપણ ચૂંટણીમાં બની શકે છે.

મોટા ભાગના રાષ્ટ્રીય નેતાઓ કોઈ સંજોગોએ ઊભર્યા છે.

1964માં લાલ બહાદુર શાસ્ત્રી અને પછી તરત ઇન્દિરા ગાંધી, 1984માં રાજીવ ગાંધી, 1989માં વી.પી. સિંહ, 1991માં પી.વી. નરસિંહરાવ અને એચડી દેવેગૌડા અને ઇન્દ્રકુમાર ગુજરાલ વિપરિત સંજોગોમાં ઊભરી આવ્યાં હતાં.

મનમોહનસિંહ પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે તેનો પણ કોઈને અંદાજ હતો?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો