રાહુલ ગાંધી અને અમિત શાહની કાર્યપદ્ધતિ અલગ

અમિત શાહ, રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

ત્રીજી માર્ચની સાંજે ઉત્તર-પૂર્વ ચૂંટણીમાં ભવ્ય પ્રદર્શન બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે પત્રકારો સાથે વાતચીત કરી હતી.

વિજય પર ખુશી વ્યક્ત કર્યા બાદ, મતદાતાઓ અને વડાપ્રધાન મોદીનો આભાર માન્યા બાદ, તેમણે કહ્યું, "જ્યાં સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ તથા કર્ણાટકમાં વિજય ન મળે ત્યાં સુધી ભાજપનો સુવર્ણયુગ નહીં આવે. અમે ઓડિશા, પશ્ચિમ બંગાળ તથા કેરળમાં સરકાર બનાવીશું અને કર્ણાટકમાં ચોક્કસપણે જીતીશું."

મતલબ કે હજી એક વિજયનો આનંદ પૂર્ણ થયો નથી, ત્યાં તો અમિત શાહે આગામી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

બીજી બાજુ, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સમગ્ર પરિદૃશ્યમાંથી ગેરહાજર હતા. ટ્વિટર પર નાનીને સરપ્રાઇઝ આપવાની વાત કહીને તેઓ ઇટલી જવા નીકળી ગયા હતા.

line

રાહુલ ગાંધી અને રજાઓ

રાહુલ ગાંધી, સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

સોનિયા ગાંધીએ ઇંડિયા ટુડેની કોન્ફરન્સમાં જણાવ્યું કે પાર્ટીના અનેક નેતાઓ રજા પર જાય છે. રાહુલ ગાંધી પણ ચૂંટણીનું કામકાજ પતાવીને જ ઇટલી ગયા હતા.

રાહુલ ગાંધી ડિસેમ્બર મહિનામાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. ત્યારથી તેમની પાસેથી અપેક્ષાઓ વધી ગઈ હતી.

ગુજરાતની ચૂંટણીઓ દરમિયાન રાહુલ ગાંધીની કામગીરીની ભારે પ્રશંસા થઈ હતી. હિંદુઓનો ઝંડો લહેરાવતી ભારતીય જનતા પાર્ટીના ગઢમાં 27-28 વખત મંદિરે ગયા.

પ્રચાર દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકાર સામે આકરા પ્રહારો કર્યા.

પરિણામે અમિત શાહ તથા નરેન્દ્ર મોદીએ ગઢ બચાવી રાખવા ભારે મહેનત કરવી પડી.

બધાને લાગ્યું કે જો વિપક્ષ બાજી બરાબર રમે તો ભાજપ 'અજેય' નથી.

line

અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ શું કર્યુ?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતની ચૂંટણીઓ પછી મોદી વિરોધીઓ તથા કોંગ્રેસ પાર્ટીના નેતાઓમાં આશાનો સંચાર થયો. છેવટે રાહુલ ગાંધી પક્ષના મુખ્ય નેતા બન્યા.

પરંતુ અણિના સમયે રાહુલ ગાંધી રજાઓ માણવા નીકળી ગયા એટલે અમિત શાહ તથા તેમની કાર્યપદ્ધતિની સરખામણી શરૂ થઈ ગઈ.

એક એવો નેતા કે જેનામાં એક પછી એક ચૂંટણીઓ જીતવાની ભૂખ છે. બીજો, જેમના રાજકારણ વિશે અનેકના મનમાં સવાલ છે.

રાહુલ ગાંધીના ટીકાકારો સવાલ ઉઠાવે છે કે વર્ષોથી સંગઠનને મજબૂત કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ શું થયું? અને પાર્ટીના અધ્યક્ષ બન્યા પછી તેમણે શું કર્યું?

તમને આ પણ વાંચવું ગમશે

કેટલાક વિશ્લેષકોનું કહે છે કે તાજેતરમાં જ અધ્યક્ષપદ સંભાળનારા રાહુલ ગાંધીની સરખામણી ચાર વર્ષથી અધ્યક્ષપદ સંભાળનારા અમિત શાહ સાથે કરવી યોગ્ય નથી.

એક વરિષ્ઠ પત્રકારે કહ્યું, "અનેક બાબતો અંગે રાહુલ ગાંધીએ તેમના વિચારો સ્પષ્ટ કરવાના છે. વર્ષોથી જે કામો કરવાની વાત કરતા રહ્યા છે, તેને પૂર્ણ કરવા માટે તેમને સમય આપવો જોઈએ. આ સમય રાહુલ ગાંધી તથા અમિત શાહ વચ્ચે સરખામણી કરવાનો નથી."

ઉમેશ રઘુવંશી છેલ્લા 25 વર્ષોથી કોંગ્રેસ વિશે રિપોર્ટિંગ કરે છે.

તેઓ કહે છે કે, ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનું વલણ હજી સ્પષ્ટ નથી. જે પાર્ટીની દશા તરફ અંગુલીનિર્દેશ કરે છે.

તેઓ કહે છે, "આ ઢીલ માટે જે લોકો જવાબદાર છે, તેમણે જવાબદારી લેવી રહી. તો જ નવી સંસ્કૃતિ વિકસશે. હાલ તો કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું હોય તેમ જણાય છે."

line

રાહુલની સામે છે રજા ન લેનારા મોદી-શાહ

નરેન્દ્ર મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Reuters

કોંગ્રેસમાં નવી સંસ્કૃતિ તથા મંથનની વાતો ખૂબ જ જૂની થઈ ગઈ છે. 2014માં રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીનો 'ચહેરો' હતા.

કોંગ્રેસ પાર્ટીને માત્ર 44 બેઠકો મળી. એ કે એન્ટની સમિતિના અહેવાલનું શું થયું, તેની કોઈને જાણ નથી.

2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસ પાર્ટી એક પણ બેઠક જીતી શકી ન હતી. છતાંય રાહુલ ગાંધી બે મહિના સુધી ગેરહાજર હતા. મીડિયામાં પણ ચર્ચા થઈ કે તેઓ ક્યાં છે?

વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ વરદરાજને લખ્યું, "રાજકારણ બ્લડસ્પૉર્ટ છે, નહીં કે કોઈ શોખ. મોદી ક્યારેય રજા નથી લેતા. જ્યારે તેઓ સત્તાવાર પ્રવાસે વિદેશ ગયા હોય છે, ત્યારે પણ પાર્ટી વિરોધીઓ સામે લડતા રહે છે."

ઉત્તર પ્રદેશમાં 312 બેઠકો જીત્યા બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહ 95 દિવસની દેશવ્યાપી યાત્રા પર નીકળી ગયા. જેથી, '2019માં ચૂંટણીની રણનીતિ તૈયાર કરી શકાય'.

ત્યારબાદ પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં સમય પસાર કર્યો. બીજી બાજુ, યુપીમાં માત્ર સાત બેઠક જીતનારી કોંગ્રેસ પાર્ટીના તત્કાલીન ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીમાં 'મૂળભૂત ફેરફાર'ની માગની વચ્ચે બીમાર માતાને મળવા માટે અમેરિકા જતા રહ્યા.

line

શાહનું શિડ્યૂલ

અમિત શાહ

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના વરિષ્ઠ પત્રકાર તથા રાહુલ ગાંધી પર બુક લખનારા જતીન ગાંધીના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધી 'સમર્પણ સાથે કામ નથી કરતા.'

'ઇકોનોમિક ટાઇમ્સ'ના રાકેશ મોહન ચતુર્વેદી છેલ્લા દસ વર્ષથી ભાજપના સમાચારોનું રિપૉર્ટિંગ કરે છે.

તેઓ કહે છે, "અમિત શાહ ખૂબ જ સક્રિય છે. સવારે આઠ-નવ વાગ્યેથી જ લોકોને ફોન કરવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ પહેલા ઘરે અને પછી કાર્યાલયે લોકોની સાથે મુલાકાત કરે છે.”

"રાહુલ ગાંધીનું શિડ્યૂલ ક્યારેય આટલું ભરચક નથી હોતું. રાહુલ ગાંધી એક કે બે રેલી કરે છે.”

"ચૂંટણીનો સમય હોય તો ગુજરાતની જેમ ચારેક રેલીઓ સંબોધતા હોય છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાંચ-પાંચ રેલીઓ સંબોધે છે.”

"મતદારો લઈ તાલુકા સ્તરે લોકોને ચૂંટવા, જિલ્લા કે રાજ્ય સ્તરે જવાદારીની સોંપણી, કેન્દ્રીય અધિકારીઓને જવાબદારીની સોંપણી, પ્રધાનને કામ સોંપવું દરેક બાબતમાં તેઓ (અમિત શાહ) તમામની સાથે સપર્ક જાળવી રાખે છે."

line

અને રાહુલ ગાંધી?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

રાકેશના કહેવા પ્રમાણે, "રાહુલ ગાંધીની કાર્યપદ્ધતિ સુધરી છે. ગુજરાતની ચૂંટણીઓ બાદ લોકો તેમને વધુ ગંભીરતાથી લેવા લાગ્યા છે.

"પરંતુ તેઓ વારંવાર ગાયબ થઈ જાય છે, જે તેમની મોટી સમસ્યા છે. રાજકારણ 24 કલાકની નોકરી છે."

બંનેની સરખામણી કરતા રાકેશ કહે છે, "વિજય માટે અમિત શાહે જે કાંઈ કરવું પડે તે કરે છે, તેઓ ખચકાતા નથી. જો તેમને લાગે કે ભાજપને લાભ થશે તો તેઓ ચૂંટણી દરમિયાન ધ્રુવીકરણનો આશરો પણ લે છે.”

"આથી જ અનેક વખત આપને લાગશે કે રાજ્યની ચૂંટણી એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિષય બની જાય છે."

line

રાહુલ ગાંધી અને અમિત શાહનો છેલ્લા ચાર વર્ષનો ગ્રાફ

ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથસિંહે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહને ઉત્તર પ્રદેશને જવાબદારી સોંપી હતી.

અનેક રાજકીય વિશ્લેષકોને લાગતું હતું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપનો વિજય અશક્ય જણાય છે. એ ચૂંટણીમાં રાહુલ ગાંધી કોંગ્રેસનો મુખ્ય ચહેરો હતા.

અમિત શાહના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ભાજપે 80માંથી 71 બેઠકો પર વિજય મેળવ્યો. ગુજરાતના અનુભવનો તેમણે યુપીમાં ઉપયોગ કર્યો.

તેઓ સતતપણે નેતાઓના સંપર્કમાં રહ્યા અને જાતિ આધારિત સમીકરણોને ધ્યાને લીધા, કહેવાતા 'મોટા' નેતાઓને અવગણીને રાજ્યમાં ચૂંટણીની કમાન હાથમાં લીધી, ઉત્તર પ્રદેશમાં ખાસ્સો સમય પસાર કર્યો, જે લોકો નારાજ હતા એમને મનાવ્યા, ગઠબંધન કર્યા અને લોકોની આશંકાઓને ખોટી ઠેરવીને વિજય મેળવ્યો.

પરિણામે તેમને લોકસભાની ચૂંટણીમાં વિજય બાદ બઢતી આપીને ભાજપના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા. જોકે, નરેન્દ્ર મોદી અને તેમની નિકટતા અગાઉથી જ જગજાહેર હતી.

બીજી બાજુ, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી પાસે 206 બેઠકોમાંથી માત્ર 44 બેઠકો રહી.

2004માં કોંગ્રેસ પાર્ટી 13 અને ભાજપ છ રાજ્યોમાં સત્તા પર હતી. આજે કોંગ્રેસ પાર્ટી ચાર તથા ભાજપ 21 રાજ્યો પર સત્તામાં છે.

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં વિજય મળ્યો, તે સમયે ભાજપ સાત રાજ્યોમાં સત્તા પર હતો.

મે 2014થી ડિસેમ્બર 2016 દરમિયાન કોંગ્રેસ પાર્ટીનો આંધ્રપ્રદેશ, ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર અને આસામ સહિત અનેક ચૂંટણીઓમાં પરાજય થયો.

કેટલાક રિપૉર્ટ્સ પ્રમાણે, મધ્યપ્રદેશના એક વિદ્યાર્થીએ '27 વખત ચૂંટણી હારવા બદલ ગિનિઝ બુકમાં નામ માટે અરજી આપી.'

કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા. આમ છતાંય ડિસેમ્બર 2017માં રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનાવી દેવાયા. તે લગભગ નક્કી જ હતું.

line

રાહુલ રાજકારણમાં આવવા માગતા ન હતા

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

2004માં તેમણે અમેઠીની બેઠક પરથી ચૂંટણી લડી, ત્યારે અનેકને આશ્ચર્ય થયું હતું. ત્યારે એવું લાગતું હતું કે, કોંગ્રેસ પાર્ટીના નવી પેઢીના નેતાઓ પાયાના સ્તરે પકડ મજબૂત કરશે.

સપ્ટેમ્બર 2007માં રાહુલ ગાંધીને પાર્ટીમાં મહાસચિવ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ ગાળામાં તે ઇંડિયન યૂથ કોંગ્રેસ તથા એનએસયુઆઈમાં પરિવર્તન લાવવાની વાત કરતા હતા.

એ સમયે તેમણે જે ફેરફાર કરવાની વાત કરી હતી, તેની ઉપર શું થયું, તેની ઉપર સવાલ ઉઠ્યા હતા. બાદમાં તેઓ કોંગ્રેસના ઉપાધ્યક્ષ બન્યા.

લોકોના દિલ જીતવા તથા ભવિષ્યના નેતા તરીકે પ્રોજેક્ટ કરવા માટે તેમણે અનેક સભાઓને સંબોધિત કરી.

વર્ષ 2012માં ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ દરમિયાન તેમણે 200થી વધુ રેલીઓ સંબોધિત કરી અને ગામડાંઓમાં ગરીબોના ઝૂંપડાઓમાં રાતવાસો પણ કર્યો.

જ્યાં સુધી રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ન હતા, ત્યાં સુધી એવી ચર્ચા થતી કે વરિષ્ઠ નેતાઓને કારણે તેઓ પાર્ટીમાં જરૂરી ફેરફાર નથી કરી શકતા.

હવે રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બની ગયા છે.

line

રાહુલ ગાંધીની છબી

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે આપણે ઊંચાપદે પહોંચીએ ત્યારે ખુદને સાબિત કરવા માટે તનતોડ મહેનત કરીએ છીએ, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

અનેક લોકોએ રાહુલ ગાંધીને ફરિયાદ કરી છે કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી પણ કાર્યપદ્ધતિમાં ખાસ ફેર નથી પડ્યો.

અમિત શાહના નેતૃત્વમાં ભાજપ 'કોંગ્રેસ-મુક્ત ભારત' તરફ આગળ ધપી રહ્યો છે. ક્યારેક તો એવું લાગે કે ટીવી પર ચર્ચા દરમિયાન ભાજપના પ્રવક્તાઓ રાહુલ ગાંધી પ્રત્યે સહાનુભૂતિને કારણે સલાહ આપી રહ્યા છે.

આ વાત પરથી જ કોંગ્રેસની સ્થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ મૂકી શકાય છે.

રાહુલ ગાંધીના અધ્યક્ષપદ હેઠળ પણ કોંગ્રેસ પાર્ટી ચૂંટણીઓ હારી રહી છે.

જતીન ગાંધી કહે છે કે, રાહુલ ગાંધીની છાપ 'નિર્ણય નહીં લેનારા' નેતા તરીકેની નથી રહી.

line

રાહુલ સામે મોદી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

જતીન કહે છે, "તેમની સરખામણી નરેન્દ્ર મોદી સાથે કરો. જ્યારે તેઓ દિલ્હી આવ્યા, ત્યારે તેમની છાપ ત્વરિત નિર્ણય લેનારા નેતા તરીકેની હતી.”

"મોદી વડાપ્રધાનપદ માટે ઉમેદવારી કરી રહ્યા હતા, ત્યારે પાર્ટીમાં વિરોધ થયો હતો. એલ. કે. અડવાણી પણ ખુશ ન હતા."

જતીન ગાંધીના કહેવા પ્રમાણે, "મોદી પહેલા તો કૅમ્પેન સમિતિના અધ્યક્ષ બન્યા, ત્યારબાદ તેમને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા. રાહુલ ગાંધી વિશે એવો મત પ્રવર્તે છે કે તેઓ નિર્ણય નથી લેતા.”

"કદાચ હળીમળીને વાત કરવાની કાર્યપદ્ધતિએ તેમને નુકસાન કર્યું છે. આમ છતાંય તેઓ ટકી રહ્યા છે, એ વાતની પ્રશંસા કરવી ઘટે."

ભાજપના મીડિયા સેલે 'રાહુલ ગાંધી નિર્ણય નથી લઈ શકતા', તેવી છાપ ઊભી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે.

રાકેશ મોહનના કહેવા પ્રમાણે, "પાર્ટીના માઠા દિવસ ચાલી રહ્યા હોવાથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં પણ કોંગ્રેસ પાર્ટીમાં ઉત્સાહનો સંચાર નથી થયો."

તેઓ કહે છે, "જો આપણું પ્રદર્શન સારું ન હોય તો આપણો ઉત્સાહ પણ મરી જાય છે. તેમને લાગે છે કે સમય બદલાશે, સરકાર કોઈ ભૂલ કરશે અને અમારો સમય આવશે.”

"આવા સંજોગોમાં કોંગ્રેસે સંગઠનનું માળખું મજબૂત કરવાની જરૂર હતી, પરંતુ એવું નથી થયું. જ્યારે ભાજપે એ જ કામ કર્યું છે."

"લોકોનો સંપર્ક સાધવો તથા જિલ્લા અને રાજ્યસ્તરે પાર્ટીને મજબૂત કરવી. બ્લૉક સ્તરે કોંગ્રેસ હજુ સુધી આવું કશું નથી કર્યું. માત્ર રેલી કે રોડ શો દ્વારા ચૂંટણી જીતી ન શકાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો