2019ની સંસદીય ચૂંટણીમાં પણ એનડીએ અખંડ હશે?

ઇમેજ સ્રોત, PTI
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
આ વાત છે 20, મે 2014ની અને સ્થળ હતું સંસદનો સેન્ટ્રલ હૉલ.
એ વખત નવનિર્વાચિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં જીત બદલ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સહયોગી પક્ષોનો ખાસ આભાર માન્યો હતો.
ગત સંસદીય ચૂંટણીમાં બીજેપીએ એકલે હાથે બહુમતિ મેળવી લીધી હતી. બહુમતિ માટે જરૂરી 272થી બેઠકો કરતાં દસ બેઠકો વધારે જીતી હતી.
નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(એનડીએ)ના બે ડઝનથી વધારે સાથી પક્ષો પૈકીના 22 પક્ષોએ સાથે મળીને લોકસભાની કુલ 54 બેઠકો જીતી હતી.
બીજેપીના 282 સંસદસભ્યો અને સાથી પક્ષોની 54 બેઠકોના સરવાળા સાથે એનડીએનો આંકડો 335 પર પહોંચ્યો હતો.
તમને આ વાંચવું પણ ગમશે:
સંસદના સેન્ટ્રલ હોલમાં નરેન્દ્ર મોદીની જમણી બાજુએ પ્રકાશસિંહ બાદલ, ચંદ્રાબાબુ નાયડુ અને પછી ઉદ્ધવ ઠાકરે બેઠેલા હતા.

શિવ સેના અને ટીડીપી

ઇમેજ સ્રોત, PTI
હવે 2018ના માર્ચની વાત. 2019ની સંસદીય ચૂંટણી આડે હવે લાંબો સમય રહ્યો નથી, પણ પોતાના બે મોટા સાથી પક્ષો એ ચૂંટણીમાં પણ એનડીએમાં રહેશે એવો દાવો બીજેપી આજે કરી શકે તેમ નથી.
2014માં મહારાષ્ટ્રમાંથી લોકસભાની 18 બેઠકો જીતેલી શિવ સેના એનડીએમાં બીજેપી પછી બીજો સૌથી મોટો પક્ષ છે, પણ છેલ્લાં ત્રણ વર્ષથી શિવ સેના બીજેપીને સતત ધમકી આપતો રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2014ની સંસદીય ચૂંટણી પછી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલાં પણ બન્ને પક્ષો અલગ થયા હતા.
શિવ સેના લગભગ દર અઠવાડિયે બીજેપીને ટેકો આપવાના મુદ્દે ધમકીયુક્ત નિવેદનો કરતી રહે છે.
આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી) પણ છેલ્લા કેટલાક મહિનાઓથી આકરું વલણ અપનાવતી હતી.
કેન્દ્ર સરકારમાંના ટીડીપીના પ્રધાનો અને આંધ્ર સરકારમાંનાં બીજેપીના પ્રધાનો હવે રાજીનામાં આપી ચૂક્યા છે.
ચંદ્રાબાબુ નાયડુ કહી ચૂક્યા છે કે બીજેપીનું વલણ "અપમાનજનક અને પીડાકારક હતું."
એનડીએમાં રહેવું કે નહીં તેનો નિર્ણય ટીડીપી બાદમાં કરશે એવું પણ તેઓ જણાવી રહ્યા છે.
આજની તારીખે 18 સંસદસભ્યો ધરાવતી શિવ સેના અને 16 સંસદસભ્યો ધરાવતી ટીડીપીનો બીજેપી સાથેનો સંબંધ બગડી ચૂક્યો છે, પણ વાત અહીં પૂરી થતી નથી.

પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં કડવાશ

ઇમેજ સ્રોત, PTI
પંજાબમાં વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસના અમરિંદર સિંહની શાનદાર જીત અને સત્તાધારી બીજેપી-અકાલી દળ ગઠબંધનના પરાજયને કારણે બન્ને પક્ષો વચ્ચેના સંબંધમાં કડવાશ આવી છે.
બિહારમાં નીતિશ કુમાર-લાલુપ્રસાદ યાદવનું ગઠબંધન તૂટ્યાં બાદ બીજેપી સરકારમાં ભાગીદાર ભલે બની ગઈ હોય, પણ 2014માં બીજેપી નીતિશકુમાર સામે લડીને જ લોકસભાની 22 બેઠકો જીતી હતી.
બીજેપી 2019માં નીતિશકુમાર સાથે મળીને ચૂંટણી લડશે તો એ કેન્દ્ર તથા રાજ્ય બન્નેમાં શાસનવિરોધી લાગણીનો સામનો કરતી હશે.
તેનો અર્થ એ થયો કે 2014માં જેટલી બેઠકો મળી હતી એટલી બેઠકો બીજેપી ફરી જીતી શકશે એ નક્કી નથી.
જીતન રામ માંઝી 2014માં બીજેપીની સાથે હતા. તેમણે બીજેપી 'તકવાદી' હોવાનો આક્ષેપ કરીને તેનાથી અલગ થઈ ગયા છે.
નીતિશકુમાર એનડીએમાં જોડાયા પછી બિહારમાં તેમના બીજા સાથી પક્ષ રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહા નારાજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
તેમની તાજેતરમાં યોજાયેલી એક રેલીમાં લાલુપ્રસાદ યાદવના પક્ષના અનેક નેતાઓ જોવા મળ્યા હતા. એ પછી ઉપેન્દ્ર કુશવાહા નીતિશકુમારનો સાથ છોડશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
ભારત પ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં બીજેપીએ મહેબૂબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ગઠબંધન સરકાર તો રચી છે પણ તેમની વચ્ચે અનેક મતભેદ છે.

મહત્ત્વનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
આ સંજોગોમાં એ સવાલ વાજબી છે કે એનડીએ સાથે જોડાયેલા રહીને સાથી પક્ષો ફરિયાદ કે વિરોધ કેમ કરતા રહે છે?
ખાસ કરીને મુખ્ય પક્ષ બીજેપી તથા તેના નેતા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બીજેપીએ ઘણાં રાજ્યોમાં નવી સરકાર રચી છે અને પૂર્વોત્તર સુધી પહોંચી છે ત્યારે આવું કેમ થઈ રહ્યું છે?

એનડીએનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, PTI
એનડીએના ઇતિહાસ પર નજર કરીએ તો આવા એક ગઠબંધનની શરૂઆત અટલ બિહારી વાજપાયી કેન્દ્રમાં આવ્યા એ પહેલાં થઈ હતી.
એ સમયે એનડીએના સંયોજકનું પદ અત્યંત મહત્ત્વનું ગણવામાં આવતું હતું. જ્યોર્જ ફર્નાન્ડિઝે લાંબા સમય સુધી એ પદ સંભાળ્યું હતું.
એનડીએમાં સાથી પક્ષો વચ્ચે આજે જેવા મતભેદ સર્જાય છે એવા મતભેદ ત્યારે પણ સર્જાતા હતા, પણ ફરક એ છે કે હાલના એનડીએમાં કોઈ સંયોજક નથી.
નીતિશકુમાર એનડીએમાં પાછા ફર્યા એ પછી ફૂલટાઈમ સંયોજક શરદ યાદવની કોઈ ભૂમિકા રહી નથી.
બીજેપીના પ્રમુખ અમિત શાહની નજર હેઠળ સમાધાનનું કામકાજ થાય છે, પણ આખરે એ સવાલ આવીને ઊભો રહે છે કે 2019ની ચૂંટણીમાં એનડીએનું સ્વરૂપ 2014માં હતું એવું જ રહેશે?
આ સવાલનો જવાબ સાથી પક્ષોને બદલે બીજેપીએ વધારે મેળવવો પડશે અથવા નરેન્દ્ર મોદીની પ્રતિભાને જોરે 2014ના પરિણામનું પુનરાવર્તન કરવાનો ભરોસો રાખવો પડશે.
એવું ન હોય તો જૂના સાથીઓ પર બીજેપીએ ફરી ધ્યાન આપવું જ પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














