પ્રેસ રિવ્યૂઃ ગુજરાતમાં રોજગારીના મામલે સરકારના બે આંકડા બાબતે ગૃહમાં ઊઠ્યા પ્રશ્ન

ઇમેજ સ્રોત, gujaratinformation.official
સંદેશમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે સામાન્ય બજેટ અંગેની ચર્ચાના છેલ્લા દિવસે વિપક્ષની ટીકાનો જવાબ આપતા નાણાંમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારે એક વર્ષમાં 80 હજાર નાગરિકને રોજગારી આપી હોવાનો દાવો કર્યો હતો.
આ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સવાલ કરતા કહ્યું કે 1 વર્ષમાં 80 હજાર રોજગારીનો દાવો સરકાર કરે છે, પણ સરકાર જ ગૃહમાં કહે છે કે બે વર્ષ દરમિયાન 12,839 લોકોને નોકરી મળી છે, તો બન્નેમાં સાચું શું છે?
તમને આ પણ વાંચવું ગમશે
ધાનાણીએ આ અંગે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે સરકાર ભરતીના ખોટા આંકડા દર્શાવી જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.
વિપક્ષે એવું પણ કહ્યું કે આ બાબત સરકારની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે.

સરકાર પાસે 115 ડેમ ભરવાના નાણાં અને પાણી નથી માત્ર 21 ડેમ જ ભરાયા

ઇમેજ સ્રોત, Getty Images
દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ‘સૌની’ યોજનામાં 115 ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાયું છે.
યોજના હેઠળ અત્યાર સુધી 21 ડેમ ભરવામાં આવ્યા છે અને તેની પાછળ ખર્ચ થયો છે રૂ. 6,673 કરોડનો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ છતાં હજુ સુધી 94 ડેમ ખાલી પડ્યા છે.
વિધાનસભા ગૃહમાં ગુરુવારે ‘સૌની’ યોજનાનો મુદ્દો ચર્ચાયો હતો.
રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યા અનુસાર ‘સૌની’ યોજના હેઠળ રાજ્યના 115 ડેમ ભરવાના છે. પરંતુ ભરવામાં આવ્યા છે માત્ર 21 ડેમ.
રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું છે કે બાકી બચેલા ડેમ નાણાંકીય અને પાણી ઉપલબ્ધિ થાય પછી ભરવામાં આવશે.

'હદિયાના લગ્ન યોગ્ય, પતિ સાથે જવા મુક્ત'

ઇમેજ સ્રોત, Reuters
ગુજરાત સમાચારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર કેરળના લવ જેહાદ મામલે હદિયા અને શફીનના લગ્ન કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે હદિયાને પતિ સાથે રહેવાની પરવાનગી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાંડવિલ અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બનેલી ખંડપીઠે કેરળના બહુચર્ચિત હદિયા શફીનના લગ્ન મામલે ચૂકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કેરળ હાઇકોર્ટના નિર્ણયના સંદર્ભમાં કહ્યું હતું કે હેબિયસ કોર્પસને લઇને કરવામાં આવેલી કેરળ હાઇકોર્ટની દખલગીરી અયોગ્ય હતી અને તે કાયદા પ્રમાણે ન હતું.
આ સામે હવે હાદિયાના પિતા ફરી કોર્ટમાં રિવ્યૂ પિટિશન કરશે.

ગૌરી લંકેશ કેસઃ નવીન કુમારના સનાતન સંસ્થા સાથે સંબંધ હતા

ઇમેજ સ્રોત, FACEBOOK
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ગૌરી લંકેશની હત્યા સાથે સંબંધ મામલે કેટી નવીન કુમારની ધરપકડ કરવામાં આવી હતી, તેમનો સંબંધ કટ્ટર સનાતન સંસ્થા સાથે હતો.
અહેવાલ અનુસાર તેમણે કર્ણાટકના મદ્દુરમાં સનાતન સંસ્થા માટે એક હૉલ બુક કરાવ્યો હતો અને સભાનું આયોજન પણ કરાવ્યું હતું.
આ સભાનું આયોજન હિંદુ યુવા સેનાના મદ્દુર એકમ સનાતન સંસ્થાની હિંદુ જનજાગૃતિ સમિતિએ મળીને કર્યું હતું.
ગૌરી લંકેશ કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે નવીન કુમાર અને સનાતન સંસ્થા વચ્ચે ખૂબ નજીકના સંબંધ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












