કાસગંજ ગ્રાઉન્ડ રિપોર્ટ : 'મારા પતિનો ગુનો છે કે તેઓ મુસ્લિમ છે'

- લેેખક, રજનીશ કુમાર
- પદ, કાસગંજથી, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ વચ્ચે, ગત વર્ષે થયેલા એક હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકના પ્રેમ લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે.
માર્ચ 2017માં 20 વર્ષીય સુરભિ ચૌહાણ અને 27 વર્ષના રાહતે પ્રેમ લગ્ન કર્યા હતા.
26 જાન્યુઆરીના રોજ ત્રિરંગા યાત્રામાં ચંદન ગુપ્તા નામના યુવકની હત્યા બાદ આ પ્રેમ લગ્ન ફરી એક વખત સંકટમાં છે.
સુરભિ ચૌહાણનાં પતિ રાહતની પોલીસે ધરપકડ કરી છે.
સુરભિનું કહેવું છે કે રાહતની ભૂલ માત્ર એટલી છે કે તેમણે એક હિંદુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે.
તેમણે કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ ત્રિરંગા યાત્રા દરમિયાન જે કંઈ થયું તેમાં તેમનાં પતિની કોઈ ભૂલ નથી.

કૉલેજના દિવસોમાં થયો પ્રેમ

સુરભિ ચૌહાણ ઠાકુર જ્ઞાતિનાં પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ જ્યારે કૉલેજમાં અભ્યાસ કરી રહ્યાં હતાં ત્યારે તેમને રાહત સાથે પ્રેમ થઈ ગયો હતો.
રાહત ત્યારે ડ્રાઇવર હતા. સુરભિનાં પિતા પણ ડ્રાઇવર જ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરભિનું કહેવું છે કે કૉલેજના દિવસો દરમિયાન રાહત સાથે તેમનો પ્રેમ સંબંધ ગાઢ બન્યો હતો.
પોતાના પતિની ધરપકડ બાદ સુરભિ મનથી તૂટી ગયાં છે.
તેઓ કહે છે, "26 જાન્યુઆરીના રોજ હું રાહત સાથે બેસીને સમાચાર જોઈ રહી હતી. મેં સમાચારમાં જ જોયું કે બલિરામ ગેટ ચોક પર હોબાળો થયો છે. આ દરમિયાન રાહતને ફોન આવ્યો કે અહીં લડાઈ થઈ ગઈ છે. રાહતને લોકોએ બોલાવ્યા પણ મેં તેમને ક્યાંય જવાની ના પાડી હતી."
તમને આ પણ વાંચવું ગમશે
સુરભિ આગળ જણાવે છે, "મેં મારા પતિને જવા ન દીધા. પછીના દિવસે એટલે કે 27 જાન્યુઆરીના રોજ અમે અલીગઢ જઈ રહ્યા હતા. અમને રસ્તામાં જ પોલીસે પકડી લીધા. મેં હાથ-પગ જોડ્યાં કે મારા પતિને છોડી દો."
"પોલીસે કહ્યું કે તારા માટે શું બધા ઠાકુર મરી ગયા હતા કે એક મુસ્લિમ સાથે ભાગી ગઈ. તને બીજું કોઈ ન મળ્યું? મેં કહ્યું કે મને રાહતે મુસ્લિમ બનાવી નથી."
આ બધી વાત કરતા સુરભિ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવાં લાગ્યાં.
પોતાને સંભાળતા સુરભિ કહે છે, "મારા પતિ સાથે પોલીસે ગેરવર્તણૂંક કરી હતી. હું તેમને આજીજી કરતી રહી કે મારા પતિને છોડી દો. જે લોકો ખરેખર અપરાધી હતા તેમને પોલીસ પકડી શકી નથી."
"જે લોકો નિર્દોષ છે તેમને પોલીસ પકડી રહી છે. હું ઇચ્છું છું કે મારા પતિને નિર્દોષ જાહેર કરી છોડી દેવામાં આવે. તેમની હિંદુ યુવતી સાથે લગ્નના કારણે ધરપકડ કરવામાં આવી છે."

'મુસ્લિમ બનવા દબાણ કર્યું નથી'

શું રાહતની ધરપકડમાં સુરભિના પરિવારજનોનો હાથ છે? સુરભિ કહે છે, "મારા પિયર પક્ષને આ વિવાહ મંજૂર ન હતા. પરંતુ તેઓ આ પ્રકારની હરકત ક્યારેય કરી શકતા નથી."
"તેઓ મારી સાથે વાત કરતા નથી, પરંતુ તેઓ અમારા બન્નેની વચ્ચે પણ પડતા નથી. તેમને આ સંબંધ સાથે કોઈ લેવા દેવા નથી."
કાસગંજના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પીયૂષ શ્રીવાસ્તવનું કહેવું છે કે જો સુરભિ સાથે કોઈ પોલીસકર્મીએ ગેરવર્તણૂંક કરી છે, તો તેઓ પોલીસ ફરિયાદ નોંધાવે અને તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું, "જ્યાં સુધી રાહતના નિર્દોષ હોવાની વાત છે તો તપાસ બાદ બધી વાતો સ્પષ્ટ થઈ જશે."

સુરભિ જણાવે છે, "હું મારા ઘરે હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરું છું. રાહતે ક્યારેય મને તે માટે મનાઈ કરી નથી. રાહત પણ મારી સાથે પૂજામાં જોડાય છે. રાહત નમાઝ પણ પઢે છે."
સુરભિની આ વાતથી તેમનાં સાસુ રેશમા અને સસરા ઝફર પણ સહમતી વ્યક્ત કરે છે.
આશરે 65 વર્ષના ઝફર રડતાં રડતાં કહે છે કે તેમણે સુરભિને ક્યારેય મુસ્લિમ બનવા માટે કહ્યું નથી. સુરભિના મેરેજ સર્ટિફિકેટ પર પણ તેમનું નામ સુરભિ ચૌહાણ જ લખાયું છે.
તેના પર સુરભિ કહે છે, "રાહતે ખૂબ પ્રયાસ કર્યા હતા કે આર્ય સમાજમાં લગ્ન કરી લઈએ પરંતુ એવું થઈ શક્યું નહીં. મારા નામની આગળ મારે હુમા જોડવું પડ્યું હતું જેથી નિકાહના સમયે હું પોતાને મુસ્લિમના રૂપમાં બતાવી શકું."
"મારો ધર્મ જે હતો તે જ છે અને તે જ રહેશે. મેં માત્ર નામની આગળ હુમા જોડ્યું છે, પરંતુ ધર્મ બદલ્યો નથી."

‘રાહત વિના ક્યાં જશે સુરભિ?’

સુરભિ કહે છે કે તેમનાં મનમાં મુસ્લિમો માટે જે ધારણા હતી તે સાચી ન હતી.
તેમણે કહ્યું, "મેં ખૂબ સાંભળ્યું હતું કે મુસ્લિમો છેતરી જાય છે. મુસ્લિમો ચાર લગ્ન કરી શકે છે. મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે. રાહત સાથે લગ્ન બાદ મને ખબર પડી કે જે વાતો કહેવામાં આવે છે અને જે સત્ય છે તેમાં કેટલો તફાવત છે."
સુરભિની વાતોથી સહમત થતાં તેમનાં સાસુ રેશમા કહે છે, "હવે કહો, આ બિચારી ક્યાં જશે. પિયર પક્ષે તો તેને પહેલેથી જ તેની સાથે સંબંધ તોડી નાખ્યા છે. પતિને પોલીસ પકડીને લઈ ગઈ. હવે આ ક્યાં જશે?"
"આ અમારા ધર્મમાં જોડાઈ નથી એટલે તે મારા દીકરા સાથે અલગ રહેતી હતી. હવે તે એકલી ક્યાં સુધી રહેશે?"
સુરભિના સાસુ અને તેમનાં નણંદને ડર છે કે એકલા હોવાથી લોકો તેમને પરેશાન કરી શકે છે.
રેશમા કહે છે કે જ્યાં સુધી પોલીસ રાહતને છોડી ન દે, ત્યાં સુધી સુરભિ તેમની સાથે રહે.
સુરભિ પોતાના પિયર વિશે કહે છે, "મારી માએ એ જ કર્યું કે જે દરેક મા અંતરધાર્મિક લગ્ન પર કરે છે. મારી માએ ગુસ્સામાં જે કર્યું તે કર્યું, પણ હવે મારી માને કોઈ સમસ્યા નથી. રાહત મને ખુશ રાખે છે અને મારી મા પણ ખુશીની વિરુદ્ધ નથી."

સુરભિને ક્યારે રાહત મળશે?

જ્યારે રવિવારના રોજ 11 કલાકે સુરભિ પોતાનાં સાસુ રેશમાના ઘરમાં આ વાતો કહી રહ્યાં હતાં ત્યારે ત્યાં પાડોશીઓ પણ એકત્ર થઈ ગયા હતા.
ઘણા લોકોએ કહ્યું કે જ્યારે આ લગ્ન થયા હતા ત્યારે પણ લવ-જેહાદ જેવી વાતો કરવામાં આવતી હતી, પરંતુ ત્યારે કોઈ મોટો હોબાળો થયો ન હતો.
ઉત્તર પ્રદેશમાં હિંદુ યુવતીઓનાં મુસ્લિમ યુવાનો સાથે લગ્નની વાત ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ઘણાં નેતાઓએ લવ જેહાદ કહી તેને મુદ્દો બનાવવા પ્રયાસ કર્યો હતો.
પરંતુ કહેવાય છે ને કે પ્રેમ લાખ મુશ્કેલીઓની વચ્ચે પણ પોતાનો રસ્તો શોધી જ લે છે. એ જ રીતે સુરભિ-રાહતના પ્રેમ લગ્ન પણ મુશ્કેલીઓ પાર કરીને આગળ વધી રહ્યા છે.
સુરભિને પોતાનાં પતિની રાહ છે અને ચંદનના પિતા પોતાના દીકરાની હત્યામાં ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
સુરભિ ઇચ્છે છે કે ચંદનના ગુનેગારને પોલીસ જલદી પકડે અને તેમને રાહત મળે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














