Top News : કુશીનગર ટ્રેન-વાન અકસ્માતમાં 13 બાળકોનાં મૃત્યુ

ઘટનાસ્થળનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળનો ફોટો

ઇન્ડિયન એક્સપ્રેસનાં અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં વિદ્યાર્થી ભરેલી એક વાનને એકસ્માત નડ્યો હતો અને તેમાં 13 બાળકોનાં મૃત્યુ થયા હતા.

આ ઘટનાને નજરે જોનારા લોકોના કહેવા પ્રમાણે સવારે 6:50 વાગ્યે વિદ્યાર્થીઓ સાથે શાળા જવા માટે નીકળેલી આ વાન રેલવે ક્રોસિંગ પાસે પહોંચી હતી.

વાન જ્યારે રેલવે ક્રોસિંગ કરી રહી હતી ત્યારે ટ્રેન પણ ત્યાં આવી પહોંચતા મોટો અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિતોના પરિવારજનોને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

line

સ્કૂલોમાં ઇતર પ્રવૃત્તિની ફીનું માળખું નક્કી કરવા સુપ્રીમનો નિર્દેશ

કરાટેનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

'સંદેશ' દૈનિકના અહેવાલ અનુસાર ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી ઉઘરાવી શકે તે નક્કી કરવાનો રાજ્ય સરકારને પૂરો અધિકાર હોવાનો સુપ્રીમ કોર્ટે વધુ એકવાર સ્વીકાર કર્યો છે.

પણ સાથે સાથે જ ખાનગી સ્કૂલો વિવિધ પ્રવૃત્તિઓના નામે જે રીતે ટ્યુશન ફી ઉપરાંત પણ નાણાં ઉઘરાવે છે તેના પર પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે.

અહેવાલમાં વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કમ્પ્યૂટર, સ્વિમિંગ, મ્યુઝિક, આર્ટ જેવી ઇતર પ્રવૃત્તિઓ માટે લેવાતા ચાર્જીસ નક્કી કરવા માટે ફી ફિક્સેશનની સ્કીમ ઘડી કાઢવાની રહેશે.

સ્કીમ નક્કી કરતી વખતે સરકારે સ્કૂલના સંચાલકો અને ઓલ ગુજરાત વાલીમંડળના પ્રતિનિધિઓ સહિત વાલીઓની સાથે પરસ્પર ચર્ચા વિચારણા કરવાની રહેશે.

line

ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સની કપ્તાની કેમ છોડી?

ગૌતમ ગંભીર

ઇમેજ સ્રોત, Getty Images

'ઇએસપીએન' સ્પોર્ટ્સ વેબસાઇટ અનુસાર ગૌતમ ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સની કપ્તાની છોડી દીધી છે.

ગૌતમ ગંભીરે આઈપીએલ-11માં અધવચ્ચેથી જ કપ્તાની છોડી દેતા સૌને આશ્રર્ય થયું છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર આઈપીએલ-11માં ટીમ અને પોતાના નબળાં પ્રદર્શનની નૈતિક જવાબદારી લેતાં ગંભીરે કપ્તાની છોડી દીધી છે.

ગૌતમના સ્થાને યુવા બોલર શ્રેયસ ઐય્યરને હવે બાકીના નવા સત્રના કપ્તાન બનવાયા છે. એટલું જ નહીં પણ ગંભીરે તેમની 2.8 કરોડની સેલેરી પણ છોડી દેવાનો નિર્ણય કર્યો છે.

line

જ્યારે આઈસીસીએ પીએમ મોદી-આસારામનો વીડિયો શેર કર્યો

આસારામની તસવીર

'ઇકોનોમિક ટાઇન્સ' ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના ટ્વીટર હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આસારામનો એકસાથેનો વીડિયો રિ-પોસ્ટ થઈ ગયો હતો.

આઈસીસી દ્વારા આ મામલે માફી પણ માગી લેવાઈ છે. સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ થયેલા આ વીડિયોની ઘટના બાબતે સંસ્થાએ તપાસ પણ આરંભી દેવાઈ છે.

આઈસીસીના હેન્ડલ રિ-પોસ્ટ થયેલા આ વીડિયોમાં "નારાયણ નારાયણ " પણ લખાયું હતું.

અત્રે નોંધવું રહ્યું કે આસારામને જોધપુર કોર્ટ દ્વારા બાળકી પર દુષ્કર્મના કેસમાં આજીવાન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

line