અમરિકામાં જઈને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખનો 'અમેરિકન રાષ્ટ્રવાદ' પર હુમલો

''અલગ રહેવું, કોઈને અલગથલગ કરી નાખવાં કે રાષ્ટ્રવાદ આપણા ભયને દૂર કરવા થોડા સમય માટે વિકલ્પ તો બની શકે છે. પણ, વિશ્વ માટે આપણા દરવાજા બંધ કરી દેવાથી આપણે વિશ્વને આગળ વધતું અટકાવી ના શકીએ. આવું કરવાથી આપણા નાગરિકોનો ભય ઘટશે નહીં પણ વધશે. આપણે અતિ રાષ્ટ્રવાદના ઉન્માદથી વિશ્વની આશાને નુકસાન નહીં પહોંચવાં દઈએ.''
આ શબ્દ હતા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના. અમેરિકાની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન મેક્રોને આ વાત કરી.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથેની વાતચીત અને ભારે આવકાર-સત્કાર વચ્ચે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધતા મેક્રોને સ્પષ્ટ રીતે પોતાના 'મનની વાત' કરી દીધી.
તેમણે રાષ્ટ્રવાદ અને અલગતાવાદની નીતિઓને વિશ્વની સમૃદ્ધિ માટે જોખમ ગણાવી.
એવું પણ મનાઈ રહ્યું છે કે તેમનું આ ભાષણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા માટે બનાવાયેલા એજન્ડા પર હળવો પ્રહાર હતો.
બન્ને રાષ્ટ્રોના સંબંધો ભલે ગાઢ હોય પણ મેક્રોનનું ભાષણ સ્પષ્ટ નિર્દેશ આપે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઈરાનથી લઈને પર્યાવરણના મુદ્દાઓ સુધી ફ્રાન્સ અમેરિકા સાથે સહમત નથી.

મેક્રોનના ભાષણના મુદ્દાઓ

50 મિનિટ સુધી ચાલેલાં ભાષણમાં મેક્રોને કહ્યું કે તેમને આશા છે કે અમેરિકા 'પેરિસ ક્લાઇમેટ ચેન્જ સમજૂતી'નો પુનઃસ્વીકાર કરશે.
તેમણે એવું પણ વચન આપ્યું કે ફ્રાન્સ વર્ષ 2015માં ઈરાન સાથે થયેલા અણુ કરારને નહીં તોડે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ પેરિસ સમજૂતીમાંથી અમેરિકાને અલગ કરી ચૂક્યાં છે અને ઇરાન સાથેના અણુ કરારને તોડવાની ધમકી પણ આપી રહ્યાં છે.

પેરિસ સમજૂતીની વકીલાત

તેમણે પૂછ્યું, "જો આપણે ધરતીને નષ્ટ કરીએ અને આપણા બાળકોનું ભવિષ્ય દાવ પર મૂકીએ તો આપણી સ્વતંત્રતાનો અર્થ શો?''
"મને વિશ્વાસ છે કે અમેરિકા એક દિવસ પેરિસ સમજૂતીનો ભાગ બનશે''
વેપારના મુદ્દા પર તેમણે કહ્યું, ''વેપારનું યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. કારણ કે તેનાથી માત્ર નોકરીઓ જશે અને કિંમતો વધશે.''
મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પે હાલમાં જ યુરોપ અને ચીનના ઉત્પાદન પર નવા કર લગાવ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે વેપારનાં યુદ્ધો સારાં હોય છે અને સરળતાથી જીતી શકાય એમ હોય છે.
રાષ્ટ્રવાદ પર વાત કરતા મેક્રોને કહ્યું, ''અંગત રીતે મારું માનવું છે કે શક્તિશાળી દેશ બનવા, આઝાદી છોડવાં કે રાષ્ટ્રવાદના ભ્રમમાં રહેવાનું કોઈ જ આકર્ષણ નથી.''

સંસદની પ્રતિક્રિયા

ડેમોક્રેટ પક્ષના વરિષ્ઠ સાંસદ ઍડમ સ્કીફે ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું, ''મેક્રોને અપેક્ષા કરતાં વધુ સ્પષ્ટ રીતે રાષ્ટ્રપ્રમુખનો વિરોધ કર્યો છે.''
તો રિપબ્લિક પાર્ટીના જેફ ફ્લેકે કહ્યું કે મેક્રોનનું ભાષણ 'ટ્રમ્પવાદ'થી એકદમ વિપરીત હતું.
જોકે, રિપબ્લિક પક્ષના જ નેતા કેવિન મેક્કાર્થીએ કોઈ પણ પ્રકારના મતભેદનો ઇન્કાર કર્યો છે.
તેમણે જણાવ્યું કે, ''મેક્રોન સ્વતંત્ર અને યોગ્ય વેપાર ઇચ્છે છે અને એ જ વાત તો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પણ ઇચ્છે છે.''તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













