You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીફ જસ્ટિસ વિરુદ્ધની મહાભિયોગ નોટિસ ઉપરાષ્ટ્રપતિ નહીં સ્વીકારે તો શું થશે?
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા વિરુદ્ધની વિરોધ પક્ષની મહાભિયોગ દરખાસ્ત સંબંધે હવે બધાની નજર ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુ પર મંડાયેલી છે.
વેંકૈયા નાયડુ એ દરખાસ્તને સ્વીકારશે કે અમાન્ય જાહેર કરશે એ સવાલ બધાના મનમાં ઘૂમરાઈ રહ્યો છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, આ પગલું લેવા માટે વિરોધ પક્ષ પાસે કોઈ મજબૂત કારણ નથી અને રાજ્યસભામાં પૂરતા સંસદસભ્યો પણ નથી, એવું સરકાર માને છે.
વિરોધ પક્ષની આ નોટિસને કઈ રીતે ફગાવી દેવામાં આવે છે એ જોવાનું છે એવું કહેવામાં આવી રહ્યું છે.
વિરોધ પક્ષની આ નોટિસને સ્વીકારવામાં નહીં આવે તો એ અસામાન્ય નિર્ણય હશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે.
કાયદાવિદો કહે છે કે હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ વિરુદ્ધ મહાભિયોગની નોટિસ આપવામાં આવી હોય અને તેને સ્વીકારવામાં આવી હોય તેવું ઇતિહાસમાં છમાંથી ચાર કિસ્સામાં બન્યું છે.
એ છ પૈકીના પાંચમા મામલામાં પેનલની રચના કરવામાં આવે એ પહેલાં જ ન્યાયમૂર્તિએ પોતાના નિર્ણયમાં 'સુધારો' કર્યો હતો.
1970માં માત્ર એકવાર મહાભિયોગ નોટિસને ફગાવી દેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ સ્પીકર પાસે પહોંચીને એ સમજાવવામાં સફળ થયા હતા કે મામલો ગંભીર નથી.
બંધારણીય બાધ્યતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉચ્ચ સ્તરીય સૂત્રો માને છે કે રાજ્યસભાના સભાપતિ મહાભિયોગ નોટિસને તપાસ માટે સ્વીકારે નહીં ત્યાં સુધી દેશના વડા ન્યાયમૂર્તિને અદાલતી ગતિવિધિથી અલગ કરી શકાય નહીં.
રાજ્યસભાના સભાપતિ મહાભિયોગ નોટિસનો તપાસ માટે સ્વીકાર કરશે તો વડા ન્યાયમૂર્તિએ અદાલતી નિર્ણયોથી ખુદને અલગ રાખવા પડશે. સરકાર સામે પણ આ સવાલ હશે તે દેખીતું છે.
જોકે, બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપે બીબીસીને જણાવ્યું હતું કે આવું નૈતિક આધારે થતું હોય છે. કોઈ બંધારણીય બાધ્યતા નથી.
જોકે, સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે મહાભિયોગ નોટિસના સ્વીકારની સાથે જ વડા ન્યાયમૂર્તિએ ખુદને અદાલતી નિર્ણયોથી અલગ રાખવા પડશે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 124(4) અનુસાર, "સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને તેમની ભૂમિકા સંબંધે સંસદના બન્ને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતીને આધારે દરખાસ્ત પસાર થયા બાદ રાષ્ટ્રપતિના આદેશ મુજબ જ હટાવી શકાય છે."
ન્યાયાધિશ અધિનિયમ 1968 અને ન્યાયાધિશ કાયદા 1969માં જણાવ્યા મુજબ, મહાભિયોગ નોટિસ આપ્યા બાદ તેની પહેરી જરૂરિયાત તેના પર રાજ્યસભાના 64 સભ્યોની સહીની હોય છે.
એ પછી રાજ્યસભાના સભાપતિ આ બાબતે વિચારણા કરી શકે છે.
નોટિસના સ્વીકાર પછીની પ્રક્રિયા
વેંકૈયા નાયડુ મહાભિયોગ નોટિસનો સ્વીકાર કરશે તો ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરવી પડશે. તેમાં પહેલા સભ્ય વડા ન્યાયમૂર્તિ કે સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયમૂર્તિ હશે.
બીજા સભ્ય કોઈ હાઈ કોર્ટના વડા ન્યાયમૂર્તિ અને ત્રીજા સભ્ય કોઈ કાયદાવિદ્ હશે.
જે વડા ન્યાયમૂર્તિ વિરુદ્ધ નોટિસ આપવામાં આવી હોય એ આ સમિતિમાં ન હોય એ દેખીતું છે.
કાયદાના જાણકારોનું કહેવું છે કે રાજ્યસભાના સભાપતિ મહાભિયોગ નોટિસનો અસ્વીકાર કરે તો તે નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે.
કાયદાના જાણકારોના જણાવ્યા મુજબ, મહાભિયોગ નોટિસમાં તમામ શરતોનું પાલન થતું હોય તેમ છતાં તેનો અસ્વીકાર કરવામાં આવે તો એ નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે.
જોકે, દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે મહાભિયોગ નોટિસના અસ્વીકાર પછી કોર્ટમાં અપીલ કરવાથી કોઈ આશા રહેતી નથી.
ત્રણ સભ્યોની સમિતિ ત્રણ મહિનામાં આ સંબંધી રિપોર્ટ આપતી હોય છે. અલબત, એ સમયગાળો લંબાવવાની જોગવાઈ પણ છે.
મામલો તપાસના સ્તરે પહોંચે તો આ સમિતિનું કામ દેશના વડા ન્યાયમૂર્તિ વિરુદ્ધ આરોપો નક્કી કરવાનું હોય છે. તેના આધારે તપાસ કરવામાં આવે છે.
આ સમિતિ પાસે સંબંધિત વ્યક્તિઓને સમન્સ પાઠવવાની અને તેમણે લીધેલા સોગંદ અનુસાર જવાબદારી પાર પાડવા સંબંધે એક સિવિલ કોર્ટ જેવી સત્તા હોય છે.
મહાભિયોગની શરતો
આ સમિતિ પ્રત્યેક આરોપ સંબંધે પોતાના નિષ્કર્ષ તથા ટિપ્પણીઓ સંસદ સામે રજૂ કરે છે.
દેશના વડા ન્યાયમૂર્તિએ કોઈ પણ પ્રકારનું દુરાચરણ કર્યું નથી એવું સમિતિને જણાય તો મહાભિયોગની કાર્યવાહી ત્યાં જ અટકી જાય છે.
જો રિપોર્ટમાં એવું જણાવવામાં આવે કે દેશના વડા ન્યાયમૂર્તિનું આચરણ ખોટું હતું તો મહાભિયોગ અને સમિતિના અહેવાલ વિશે ગૃહમાં વિચારણા કરવામાં આવે છે.
મહાભિયોગની દરખાસ્ત બંધારણીય રીતે સ્વીકારવામાં આવે તો દેશના વડા ન્યાયમૂર્તિ પરના આરોપો સાબિત કરવાના રહેશે.
એ પછી સંસદના બન્ને ગૃહોમાં એક જ સત્રમાં નિર્ધારિત વ્યવસ્થા મુજબ વડા ન્યાયમૂર્તિને પદ પરથી હટાવવાની વિનતી રાષ્ટ્રપતિને કરવામાં આવશે.
જોકે, ચોક્કસ સંસદસભ્યો દ્વારા મહાભિયોગ નોટિસ આપવામાં આવ્યા પછી કેટલા ન્યાયમૂર્તિઓને અદાલતી તથા વહીવટી કામકાજથી દૂર રાખવામાં આવ્યા હતા કે કેટલા ન્યાયમૂર્તિઓએ એ કામકાજથી ખુદને દૂર રાખ્યા હતા એ સ્પષ્ટ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો