ભાવનગર: શા માટે હજારો ખેડૂતો આંદોલન કરી રહ્યા છે?

ભાવનગરના ઘોઘાના બાડી ગામે ચાલતા ખેડૂતોના આંદોલનમાં પોલીસે લાઠી ચાર્જ કરતા પરિસ્થિતિ તંગ બની છે.

બાડી અને આસપાસના ગામોની સરકારે સંપાદિત કરેલી જમીનનો કબજો મેળવવાના પ્રયાસોનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે.

પોલીસે છ હજારથી વધુ ખેડૂતો પર ટીયરગેસના શેલ પણ છોડયા હતા.

આ ઘર્ષણમાં કેટલાક ખેડૂતો પણ ઘાયલ થયા છે. મહિલાઓ અને બાળકો પણ આ પ્રદર્શનમાં સામેલ હતા.

40થી વધારે ખેડૂતોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. તેમને ડીએસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે.

હાલ બાડી અને આસપાસના ગામોમાં પંદરસો જેટલા એસઆરપી સહિતના પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

બાડીના ખેડૂત આગેવાન નરેન્દ્રસિંહ ગોહિલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે પોલીસે દમન આચર્યું છે.

તેમણે કહ્યું "છેલ્લા છ મહિનાથી અમે શાંતિપૂર્વક અમારી માગ કરી રહ્યા છીએ અને વિરોધ કરી રહ્યા છીએ."

"આજે આવું ત્રીજી વખત બન્યું કે ખેડૂતોને કોઈપણ નોટિસ આપ્યા વગર કંપનીના માણસો અને પોલીસ આવી ચડ્યા હોય."

તેઓ કહે છે તેમણે જિલ્લા સ્તરે અને સરકારને આ મામલે ઘણી વખત રજૂઆત કરી છે. પરંતુ તેમની અરજી સાંભળવામાં આવતી નથી.

સ્થાનિક પત્રકાર યશપાલ ચૌહાણે ભાવનગર એસપી પ્રવીણસિંહ માલનો સંપર્ક કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિ હાલ તો કાબૂમાં છે. તેમણે કહ્યું "2500નું ટોળું આવ્યું હતું એટલે અમે 40 ટીયરગેસના સેલ છોડ્યા હતા અને 40 જેટલા લોકોને અટકાયતમાં લીધા છે."

તેમણે કહ્યું છે કે માઇનીંગ શરૂ કરાવી દેવામાં આવ્યું છે. કંપનીએ પોલીસ રક્ષણ માગ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

ખેડૂતોએ જોકે બીજા અર્થમૂવર મશીનની આડે સૂઈ ગયા છે. એટલે બીજા મશીનથી માઇનીંગ શરૂ કરવામાં આવ્યું છે.

જોકે આવતીકાલે ફરી કંપનીએ કબજો લેવાની વાત પર પાંચસો જેટલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂતોએ બાર ગામમાં અભ્યાસ કરતા તેમના બાળકોને શાળા છોડાવી દેવાની વાત પણ કરી છે. તેમનું કહેવું છે કે જમીન વગર કઈ રીતે શિક્ષણ આપી શકીએ?

બીબીસી દ્વાર જીપીસીએલના ચેરમેન અને એમડી તથા ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુજિત ગુલાટીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો પણ તેમના ફોનનો કોઈ જવાબ મળ્યો નથી.

સરકારનો જવાબ

ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી અને ઊર્જા તથા પેટ્રેકેમિકલ્સ વિભાગનો પણ રાજ્ય કક્ષાનો હવાલો સંભાળતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખેડૂતનો વિરોધ વાજબી નથી.

તેમણે કહ્યું, “આ જમીન સંપાદન લાંબા સમયથી પૂર્ણ થઈ ચૂક્યું છે. જમીનના માલીકોને એ માટેના નાણાં પણ ચૂકવાઈ ગયા છે.”

“આ મામલે એ લોકો હાઈ કોર્ટમાં પણ ગયા હતા, પરંતુ ત્યાં પણ તેમની પિટિશન ગ્રાહ્ય રાખવામાં નથી આવી.”

“પ્લાન્ટ ચાલું કરવા માટે આ જમીનનો કબજો પગલો લેવો આવશ્યક હતો. આથી આ માટે તેમને પૂર્વ સૂચના પણ આપવામાં આવી હતી. આથી હવે અમે એ કબજો લઈ રહ્યા છીએ. એ લોકોની વાતમાં વાજબીપણું નથી.”

પ્રદિપસિંહ જાડેજાએ લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હોવાની વાતની પુષ્ટિ કરી હતી.

શું છે આ મામલો?

1997માં બાડી અને આસપાસના ગામની જમીન GPCLના કામ માટે સંપાદન કરવામાં આવી હતી. જેના 21 વર્ષ બાદ પણ હજુ આ જગ્યાએ કોઈ કામ થયું નથી.

ખેડૂતો આ જમીન હવે કાયદા પ્રમાણે પાછી માગી રહ્યા છે. કારણકે સંપાદિત જમીન પર કામ નથી થયું.

હવે GPCL આ જમીન પર કબજો લેવાનો પ્રયાસ કરી રહી છે.

કંપનીના અધિકારીઓ પોલીસના કાફલા સાથે ત્યાં પહોંચ્યા હતા. GPCL કંપની હવે સંપાદિત જમીન માઇનિંગ કરવા માગે છે.

શું છે કાયદાની જોગવાઈઓ?

જમીન સંપાદન મામલે બીબીસી સાથે વાત કરતા વકીલ રાજાભાઈ ગોગડા કહે છે, "જમીન સંપાદન અંગેના 2013ના કાયદા મુજબ સંપાદિત કરેલી જમીનનો કબ્જો જે તે પક્ષે સંપાદિત થયાના છ મહિનામાં લઈ લેવો પડે છે."

"જો છ મહિનામાં તેઓ આ કબ્જો લેવામાં નિષ્ફળ જાય તો જમીનની મૂળ માલિકી જે તે ખેડૂતની જ રહે છે."

જોકે, આ મામલે વકીલ કમલેશ શેઠ કહે છે, "જો સંપાદિત થયેલી જમીનનું વળતર ચૂકવાઈ ગયું હોય અને 7 અને 12ના ઉતારામાં સંપાદિત કરનાર કંપનીનું નામ ચડી ગયું હોય તો જમીનની માલિકી જમીન લેનાર કંપની કે તે પક્ષની જ રહે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો