You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાવનગરમાં દલિતની હત્યા બાદ શું થયું?
- લેેખક, માર્ટિન મેકવાન
- પદ, દલિત ઍક્ટિવિસ્ટ
તેમનું નામ પ્રદીપ રાઠોડ હતું અને હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા. તેઓ 21 વર્ષના હતા અને માત્ર દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.
તેમને ઘોડા રાખવાનો શોખ હતો. તેમનો ઉદ્દેશ ગામના ક્ષત્રિયોને બતાવવાનો ન હતો કે દલિતો પણ ઘોડા રાખી શકે છે.
તેઓ પ્રાણીઓને પ્રેમ કરતા હતા અને ઘોડાના ખૂબ સારા ટ્રેનર પણ હતા. તેમના પિતાએ 30,000 રૂપિયામાં આ ઘોડી ખરીદી હતી.
ક્ષત્રિયોએ ઘોડી રાખવા મામલે ધમકી આપી
ગયા અઠવાડિયે જ તેમના પિતાને ગામના ક્ષત્રિયોએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે જો તેઓ આ ઘોડી વેચી દે તો જ સારું છે.
કેટલાક ક્ષત્રિયો માટે ઘોડો તેમના પૂર્વજોના ગર્વ સાથે જોડાયેલો છે અને તેઓ દલિત દ્વારા રાખવામાં આવતા ઘોડાને ગુના તરીકે જુએ છે.
આરોપીઓના ગુસ્સા અને નફરતનો આપણે એ રીતે પણ અંદાજ મેળવી શકીએ જે રીતે મૂછો રાખવા બદલ તેમણે પ્રવીણની હત્યા કરી નાખી હતી.
પ્રવીણે તેના પર થયેલા હુમલાથી બચવા માટે જે પ્રયત્નો કર્યા હતા તે તેમની હથેળીમાં પડેલા કાપા પરથી સમજી શકાય છે.
ગળાના પાછળના ભાગે એટલી ગંભીર ઈજાઓ થઈ હતી કે બાકીનું શરીર માથા સાથે માત્ર ગળાના થોડા સપોર્ટ સાથે જોડાયેલું રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શા માટે આવી હેવાનિયત?
ભારતના ગ્રામિણ વિસ્તારોમાં કાયદાના શાસન કરતાં જ્ઞાતિના નિયમો વધારે શક્તિશાળી અને પ્રભાવી છે.
જ્યારે હું તેમના પિતા સાથે હોસ્પિટલમાં બેઠો હતો ત્યારે મારા મગજમાં સુપ્રિમ કોર્ટના વિચારો ચાલી રહ્યા હતા.
આઝાદી પહેલાં અસ્પૃશ્ય અને અપમાનિત થયેલા અને દેશની પાંચમા ભાગની વસતિ જેટલા દલિતો પાસે ન્યાયતંત્ર જ ન્યાય માટે એક આશરો હતું.
સુપ્રિમ કોર્ટના બે જ્જોએ એટ્રોસિટી મામલે ચૂકાદો આપતા કહ્યું હતું કે એટ્રોસિટી એક્ટનો નિર્દોષ નાગરિકોને હેરાન કરવા માટે દુરુપયોગ થાય છે.
બંને જ્જ અને ચૂકાદા પર કોઈ સંદેહ નથી અને કોર્ટનો ચૂકાદો શિરોમાન્ય છે. પરંતુ આ ચૂકાદો દલિતો માટે ઝટકા સમાન તો સાબિત નહીં થાય ને?
શું તે કેસ પણ એક ખોટો કેસ હતો?
'દલિતો ફરિયાદની હિંમત નહીં કરી શકે'
આ ઘટના બાદ હું ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં હતો. અહીં પ્રદીપના પરિવારને સાથ આપવા માટે ઘણા લોકો આવ્યા હતા.
તેમની પાસેથી મને જાણવા મળ્યું કે આ વિસ્તારમાં દલિતો અંગે એવું મનાય છે કે તેમને ગમે તેટલા હેરાન કરશો તો પણ તેઓ ફરિયાદ કરવાની હિંમત નહીં કરે.
નવસર્જન સંસ્થા આ વિસ્તારમાં 40 જેટલા એટ્રોસિટિના કેસ કરવા માટે લોકોને મનાવવામાં સક્ષમ રહી છે. જેના કારણે અમને જરા રાહતનો અનુભવ થયો.
હત્યા સામે જમીનની ઓફર
પ્રદીપના પિતાની સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસ પાસે એક જ માગણી હતી કે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે જેથી તેઓ તેમના પુત્રના મૃતદેહને સ્વીકારી શકે.
ત્યાં હાજર ઘણા નેતાઓએ તેમના પિતાને જમીનની માગણી કરવાનું કહ્યું પણ તેઓ તેમાં સફળ ન થયા. તેમને માત્ર ન્યાય જ જોઇતો હતો.
તેઓ તેમના 21 વર્ષના પુત્રને માત્ર જમીનના એક ટૂકડા સામે ગૂમાવવા નહોતા માગતા.
સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ ઘટના બાદ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
એટ્રોસિટિ કેસમાં વળતર માટે પ્રથમ હપ્તાના ભાગ રૂપે 4,15,000 રૂપિયાનો ચેક તેમના હાથમાં હતો.
હું એ વાતનો સાક્ષી છું કે તેમના પિતાએ આ પૈસા લેવાનો ઇનકાર કરી દીધો હતો.
અંતિમયાત્રામાં ઘોડી સામેલ
છ કલાકની રાહ જોયા બાદ અંતે પોલીસે અમને જાણ કરી કે ઘટનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
ત્યારબાદ પ્રદીપના મૃતદેહને સ્વીકારવામાં આવ્યો. પરિવારે તેમની અંતિમયાત્રા કાઢવાનું નક્કી કર્યું. એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે લોકોની સાથે આ અંતિમયાત્રામાં ઘોડી પણ જોડાશે.
આ નિર્ણય એ સંદેશ પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો કે કોઈ પણ અમને આ દેશના નાગરિક તરીકે સ્વતંત્ર રીતે જીવન જીવતા અટકાવી શકે નહીં.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો