Top News: 'આપ'ના બરખાસ્ત થયેલાં 20 ધારાસભ્યોને હાઇકોર્ટમાં રાહત મળી

અરવિંદ કેજરીવાલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'આપ'ના બરખાસ્ત થયેલાં 20 ધારાસભ્યોને હાઇકોર્ટમાં રાહત મળી.

આમ આદમી પાર્ટીના 'લાભનું પદ' અથવા ઓફિસ ઑફ પ્રોફિટના મુદ્દે દિલ્હી હાઈ કોર્ટમાં રાહત મળી છે.

ચૂંટણી પંચના સૂચનથી રાષ્ટ્રપતિએ આ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાનો આદેશ આપ્યો હતો.

દિલ્હી હાઈ કોર્ટે શુક્રવારે આ મામલાની સુનાવણી બાદ જણાવ્યું કે ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈતી હતી.

કોર્ટે એમ પણ કહ્યું કે ચૂંટણી પંચે મૌખિક સુનાવણીના નિયમોનું ધ્યાન નથી રાખ્યું.

હાઈ કોર્ટના આ નિર્ણય પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, "સત્યનો વિજય થયો. દિલ્હીના લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓને ખોટી રીતે બરખાસ્ત કરવામાં આવ્યા હતા. દિલ્હી હાઈ કોર્ટે દિલ્હીના લોકોને ન્યાય આપ્યો છે. દિલ્હીના લોકોની મોટી જીત. દિલ્હીના લોકોને વધાઈ."

line

ચીન ટેક્સ મામલે અમેરિકા સામે ખફા

ફેક્ટરીમાં કામ કરતી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાએ ચીનના સામાન પર 60 અબજ ડોલરનો ટેક્સ નાખવાની તથા પોતાના ત્યાં થતા ચીનના રોકાણને મર્યાદીત કરવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકાએ પોતાને ત્યાંથી કથિત રીતે વર્ષોથી થતી ઇન્ટિલેક્ટ્યૂઅલ પ્રૉપર્ટીની ચોરીના બદલામાં આ પગલું ભર્યું છે.

વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ચીન દ્વારા થતા અન્યાયપૂર્ણ પડકારનો સામનો કરવા માટે આ યોગ્ય પગલું છે.

તો સામે પક્ષે ચીન પણ અમેરિકા દ્વારા નાખવામાં આવેલા ટેક્સને સાંખી લેવાના મૂડમાં નથી. ચીની સામાન પર નાખવામાં આવેલા ટેક્સથી તે ખફા છે.

ચીનનું કહેવું છે કે તે અમેરિકાને આનો યોગ્ય જવાબ આપશે.

આ પહેલાં ટ્રમ્પ પ્રશાસને સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉત્પાદનો પર ટેક્સ વધાર્યો હતો. જેના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

હવે ચીનના સામાન પર વધારે ટેક્સ નાખવાના નિર્ણયને કારણે વિશ્વમાં વેપાર યુદ્ધનાં મંડાણ થાય તો નવાઈ નહીં.

line

બનાસકાંઠામાં સ્થપાશે નવો એર બૅઝ

ફાઇટર જેટ

ઇમેજ સ્રોત, Getty Images

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ વડાપ્રધાનના વડપણ હેઠળની કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે IAF બૅઝ સ્થાપવાની મંજૂરી આપી દીધી છે.

ઇન્ડિય એરફોર્સ દ્વારા આ બૅઝ માટે વર્ષોથી માગ થઈ રહી હતી જેના પર હવે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનને ધ્યાનમાં રાખતા આ એર બૅઝને મહત્ત્વનો ગણવામાં આવી રહ્યો છે.

4000 એકરમાં સ્થપાનારો આ એર બૅઝ ભૂજ અને બારમેર વચ્ચે પડતા ગેપને પૂરવામાં મદદરૂપ થશે.

એવું મનાઈ રહ્યું છે કે આ એરબેઝ યુદ્ધના સમયે વળતો પ્રહાર કરવામાં અતિ ઉપયોગી સાબિત થશે.

line

અમરનાથ યાત્રા માટે જતા ગુજરાતીઓ માટે બુલેટપ્રુફ જેકેટ ફરજિયાત

બુલેટપ્રુફ જેકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાતમાંથી અમરનાથ યાત્રા જનારા યાત્રાળુઓને હવે થોડા વધારે રૂપિયા ખર્ચવા માટે તૈયાર રહેવું પડશે.

ટૂર બસ દ્વારા અમરનાથની યાત્રાએ જનારા યાત્રીઓએ હવે બુલેટપ્રુફ જેકેટ પહેરવું પડશે.

ગુજરાત સરકારે ગયા વર્ષે કશ્મીરમાં ગુજરાતીઓ પર થયેલા ઉગ્રવાદી હુમલા બાદ આ નવી ગાઇડલાઇન બહાર પાડી છે.

ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે ટુર બસ ઓપરેટરો એ નક્કી કરે કે તેમના ડ્રાઇવરની ઉંમર 50 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

માનવામાં આવી રહ્યું છે કે જો ટુર ઓપરેટરો આ ગાઇડલાઇનને અનુસરસે નહીં તો તેમને યાત્રા માટેની મંજૂરી આપવામાં નહીં આવે.

જેના કારણે ટૂર ઓપરેટરોના ખર્ચમાં વધારો થશે અને આ વધારાનો ખર્ચ યાત્રાળુ પર જ આવે તેવી સંભાવના છે.

line

કેન્દ્ર સરકાર સામે અણ્ણા ફરી આંદોલનના માર્ગે

અન્ના હજારે

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સામાજીક કાર્યકર અણ્ણા હઝારે ફરીથી કેન્દ્ર સરકાર સામે આજથી આંદોલન છેડી રહ્યા છે.

તેઓ દિલ્હીના રામલીલા મેદાન પર શુક્રવાર બપોરથી વિવિધ માગોને લઈને કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેસી રહ્યા છે.

અનિશ્ચિતકાળના આ ઉપવાસ આંદોલનમાં આશરે દસ હજાર લોકો ઉમટવાનું અનુમાન અહેવાલમાં કરવામાં આવ્યું છે.

સવારે રાજઘાટ પર ગાંધીજીની સમાધી પર શ્રદ્ધાંજલી અર્પણ કર્યા બાદ અણ્ણા અને તેમના સમર્થકો શહીદી પાર્કની મુલાકાત લેશે.

ત્યારબાદ તેઓ ખેડૂતોની નિશ્વિત આવક, પેન્શન, ખેતીના વિકાસ માટે ચોક્કસ નીતિઓ સહિતની અનેક માગો સાથે ઉપવાસ શરૂ કરશે.

line

આજે રાજ્યસભાની ચૂંટણી, યૂપીમાં ખરાખરીનો જંગ

સંસદની બિલ્ડિંગ

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવીના અહેવાલ મુજબ આજે રાજ્યસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ખરાખરીનો જંગ થવાના અણસાર છે.

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે શુક્રવારે મતદાન થશે. જેમાં ભાજપના 8 ઉમેદવારોનો વિજય નક્કી માનવામાં આવી રહ્યો છે.

બીજી તરફ સપાની એક સીટ પર જીત નક્કી માનવામાં આવી રહી છે. પરંતુ 10 સીટ પર સપા અને બસપા સમર્થિત ઉમેદવાર મામલે કટોકટી સર્જાઈ શકે છે.

અહેવાલ મુજબ જો આ મામલે કોઈ ગરબડ થઈ તો અખિલેશ અને માયાવતીનું હાલમાં જ થયેલા જોડાણમાં ભંગાણ સર્જાઈ શકે છે.

line

વીજળી ખરીદાય કે નહીં ગુજરાત સરકાર વીજ મથકોને મહિને 905 કરોડ ચૂકવે છે

પાવર પ્લાન્ટની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નવગુજરાતના અહેવાલ મુજબ ગુરુવારે વિધાનસભામાં સામે આવેલી માહિતી પ્રમાણે સરકાર વીજળી ખરીદે કે ના ખરીદે તો પણ વીજ મથકોને મહિને 905 કરોડ રૂપિયા ચૂકવે છે.

મુખ્ય સરકારી વીજ કંપની જીયુવીએનએલ દર મહિને વીજ મથકોને ફિક્સ કોસ્ટ તરીકે 905 કરોડ રૂપિયા ચૂકવી રહી છે.

જોકે, ઊર્જા વિભાગનું કહેવું છે કે વીજ નિયમન આયોગ દ્વારા જે પદ્ધતિ નક્કી કરવામાં આવી છે તેના આધારે હંમેશા વીજળી ઉપલબ્ધ રહે તે માટે આ રકમ જરૂરી અને વાજબી છે.

જ્યારે વીજળીની માગ વધે ત્યારે ઉત્પાદન ઉપલબ્ધ રહે તે માટે કરાર અંતર્ગત આ રકમ ચૂકવાતી હોવાની વાત ઊર્જા વિભાગે કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો