ઈશરત-સોહરાબુદ્દીન કેસનો અંજામ પણ હરેન પંડયા કેસ જેવો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રશાંત દયાળ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી હરેન પંડ્યાની 2003માં અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં વહેલી સવારે હત્યા કરવામાં આવી હતી. આ મામલે પહેલા અમદાવાદ પોલીસ અને ત્યાર બાદ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આ કેસમાં કુલ બાર આરોપીની ધરપકડ થઈ હતી, જેમને અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા કસુરવાર ઠરાવી જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી.
પરંતુ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓએ કરેલી અપીલ હાઈકોર્ટે માન્ય રાખી તમામ આરોપીઓને નિદોર્ષ છોડી મુક્યા હતા.
આ મામલે સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ સુધ્ધાં કરવામાં આવી નથી.

હરેન પંડયાને કોણે માર્યા હતા ?

ઇમેજ સ્રોત, Getty Images
હરેન પંડ્યાની હત્યાના 15 વર્ષ બાદ આજે પણ ખબર પડી નથી કે હરેન પંડ્યા કોણે માર્યા હતા.
હવે શું તે જ દિશામાં ઈશરત જહાં, સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિની એન્કાઉન્ટરના કેસો જઈ રહ્યા છે?
આ બંન્ને કેસની તપાસ પહેલા ગુજરાત પોલીસ કરી ચુકી હતી, પરંતુ ઈશરત કેસ ગુજરાતના હાઈકોર્ટના હુકમથી અને સોહરાબુદ્દીન કેસ સુપ્રીમ કોર્ટના હુકમથી સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોહરાબુદ્દીન કેસની ટ્રાયલ પ્રમાણિકપણે ચાલે તે માટે કેસને ગુજરાત બહાર ચલાવવાની માગણી કરી હતી, જે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી કેસને મુંબઈમાં ટ્રાન્સફર કર્યો હતો.

પુરાવાનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
આ કેસમાં સીબીઆઈ દ્વારા અમીત શાહ અને રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા અને ગુજરાત-રાજસ્થાનના પોલીસ અધિકારીઓ સહિત કુલ 38 વ્યકિતઓ સામે ચાર્જશીટ કર્યુ હતું.
પરંતુ 2014માં અમીત શાહ અને ગુલાબચંદ કટારીયા સહિત ગુજરાત અને રાજસ્થાનના સિનિયર આઈપીએસ મળી 15 વ્યકિતઓ સામે મુંબઈ સીબીઆઈ કોર્ટે પુરાવાના અભાવે તેમને કેસમાંથી હટાવી દીધા હતા.
સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈએ જયારે કેસ ટ્રાન્સફરની રજુઆત કરી ત્યારે તેમની દલીલ હતી કે સાક્ષીઓ ઉપર દબાણ ના આવે અને સાક્ષી ફરી જાય નહીં તે માટે કેસ ગુજરાત બહાર ચલાવો.
પરંતુ મુંબઈ સીબીઆઈ કોર્ટ સામે રજૂ થયેલા કુલ 45 સાક્ષીઓ પૈકી 38 સાક્ષીઓ ફરી ગયા છે.
આ તમામ સાક્ષીઓએ કોર્ટેને આપેલા નિવેદનમાં જણાવ્યુ હતું કે સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલા સાક્ષી નિવેદન અંગે તેઓ કઈ જાણતા જ નથી.

સીબીઆઈની ભૂમિકા પર સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના વિવિધ એન્કાઉન્ટર કેસમાં પીડિતો તરફથી હાજર રહેલા એડવોકેટ શમશાદ પઠાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેસની આવી સ્થિતિ ત્યારે જ નિર્માણ થાય જયારે તપાસ કરનાર એજન્સી સીબીઆઈ તપાસની દિશા બદલે છે.
"સોહરાબુદ્દીન કેસ હોય કે પછી ઈશરત, જયારે ડીસ્ચાર્જ અરજી મુકાઈ ત્યારે સીબીઆઈએ આરોપીઓ વિરૂધ્ધના પુરાવા કોર્ટ સામે મુકવાના હતા તે મુક્યા નથી."
આવું જ કઈંક હવે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પણ થઈ રહ્યુ છે? ગુજરાતના પૂર્વ ડીજીપી પી. પી. પાડેંય આ કેસના આરોપી રહી ચુક્યા છે, અને આ કેસમાં તેમણે ખાસ્સો સમય જેલમાં પણ કાઢયો હતો.
ઈશરત કેસમાં તાજેતરમાં તેમને પણ અમદાવાદ સીબીઆઈ કોર્ટ દ્વારા ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા, જેના પગલે હવે ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારાએ પણ ડીસ્ચાર્જ અરજી મુકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હરેન પંડ્યાની રાજકીય હત્યા થઈ છે તેવા આરોપ મુકનાર હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરેલી છે, જે હાલમાં પડતર છે. જાગૃતિ પંડ્યા 2015માં ભાજપમાં જોડાયા, મહિલા અને બાળ વિકાસ નિગમનું અધ્યક્ષપદ પામ્યા જે હોદ્દો આજે પણ ભોગવી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












