પ્રિન્સ સલમાન : જો ઈરાને અણુબૉમ્બ બનાવ્યો તો અમે પણ બનાવીશું

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ચેતવણી આપી છે કે, જો ઈરાન દ્વારા અણુબૉમ્બ બનાવવામાં આવશે, તો તેઓ પણ અણુબૉમ્બનું નિર્માણ કરશે.
ક્રાઉન પ્રિન્સે અમેરિકાની ચેનલ સીબીએસ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં કહ્યું, "અમારો દેશ પરમાણુ હથિયારોનું નિર્માણ કરવા નથી માંગતો.
"પરંતુ જો ઈરાન અણુબૉમ્બ બનાવશે તો અમે પણ ટૂંક સમયમાં અણુ હથિયારોનું નિર્માણ કરીશું."
વર્ષ 2015માં થયેલા કરાર બાદ ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ અટકાવી દીધો હતો.
જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે તેઓ આ કરારમાંથી ખસી શકે છે.
મધ્ય-પૂર્વમાં સાઉદી અરેબિયા તથા ઈરાનની દુશ્મની દાયકાઓ જૂની છે, બંને દેશોમાં ઇસ્લામના ભિન્ન પંથોનું પ્રભુત્વ છે.
ઈરાનમાં શિયા પંથને અનુસરવામાં આવે છે, જ્યારે સાઉદી અરેબિયામાં સુન્ની પંથનું પ્રભુત્વ છે.
ગત કેટલાક વર્ષો દરમિયાન સીરિયા તથા યમનનાં ગૃહયુદ્ધના પગલે બંને રાષ્ટ્રો વચ્ચે તણાવ વકર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'મધ્યપૂર્વના હિટલર'

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના ભાવિ સુલતાન છે અને હાલમાં સાઉદીના સંરક્ષણપ્રધાન છે.
ઇન્ટર્વ્યૂ દરમિયાન તેમણે ઈરાનના નેતા આયાતોલ્લાહ અલી ખમેનઈની 'હિટલર' સાથેની સરખામણી પાછળના તર્ક ગણાવ્યા હતા.
પ્રિન્સ સલમાને કહ્યું, "તેઓ (ખમેનઈ) મધ્યપૂર્વમાં પોતાની આગવી યોજનાઓ પર કામ કરવા ચાહે છે, પોતાના કાળમાં હિટલરના વિચાર પણ એવા જ હતા."
"જ્યાર સુધી હિટલરે તારાજી ન ફેલાવી, ત્યાર સુધી યુરોપ કે અન્ય કોઈ દેશને અંદાજ ન હતો કે તેઓ કેટલા ખતરનાક સાબિત થશે. હું નથી ઇચ્છતો કે મધ્યપૂર્વમાં પણ એવું જ થાય."

પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ

ઇમેજ સ્રોત, Getty Images
મધ્યપૂર્વમાં સાઉદી અરેબિયા એ પાકિસ્તાનનું સૌથી મોટું ભાગીદાર છે. 1988માં પરમાણુ હથિયાર અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.
સાઉદી અરેબિયાએ ખુદ પોતાનો પરમાણુ કાર્યક્રમ વિકસિત કરવા પ્રયાસ કર્યા છે કે નહીં, તે અંગે કોઈને અંદાજ નથી, પરંતુ અનેક વખત એવા અહેવાલ આવ્યા છે કે તેણે પાકિસ્તાનને અણુ હથિયારોનું નિર્માણ કરવામાં રોકાણ કર્યું છે.
વર્ષ 2013માં ઈઝરાયલની ગુપ્ત સેનાના પૂર્વ વડા અમૉસ યાદલિને સ્વીડનમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું, "જો ઈરાન અણુબૉમ્બ બનાવશે તો સાઉદી અરેબિયાને પરમાણુ બોમ્બ મેળવવામાં એક મહિનો પણ નહીં થાય.
"તેઓ આ માટે અગાઉથી જ રોકાણ કરી રહ્યા છે. તેઓ પાકિસ્તાન જશે અને જે કોઈ હથિયાર જોઈતા હશે, લઈ આવશે."
ઈરાને પણ અણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા છે, ઈરાનનું કહેવું છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉપયોગ માટે જ છે.
પરમાણુસંધિ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય દબાણને પગલે ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ બંધ કરવો પડ્યો હતો.
એ સમયે તમામ રાષ્ટ્રોને શંકા હતી કે ઈરાન દ્વારા અણુ હથિયારોનું નિર્માણ થઈ રહ્યું હતું.
તે સમયે ઈરાન કરાર કરવા તૈયાર થયું, જેને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની 'સૌથી મોટી જીત' ગણાવવામાં આવી હતી.
અમેરિકાના પૂર્વ ગૃહપ્રધાન રેક્સ ટિલરસન આ કરારના હિમાયતી હતા અને તેમના સ્થાને આવેલા માઇક પૉમ્પોનું માનવું છેકે આ કરાર રદ કરી દેવા જોઈએ.
જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર લદાયેલા પ્રતિબંધોમાં કેટલીક ક્ષતિઓ હતી.
ટ્રમ્પનું કહેવું છે કે છેલ્લી વખત તેઓ કરારમાં સુધારા કરી રહ્યા છે.
બીજી બાજુ, બ્રિટન, ફ્રાન્સ તથા જર્મનીએ ટ્રમ્પને અપીલ કરી છેકે ઈરાન સાથે થયેલા કરારને યથાવત રાખવામાં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














