You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ફી માટે ભાવનગરની શાળાએ 160 બાળકોને બંધક બનાવ્યા?
ભાવનગરની સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલે શાળાએ 160 જેટલાં બાળકોની ફી બાકી હોવાથી તેમને કેટલોક સમય શાળામાં કથિતરૂપે ગોંધી રાખવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
એક બાળકના પિતાએ આ મુદ્દે જિલ્લા કલેક્ટર, પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ પણ કરી છે.
જોકે સ્કૂલના સંચાલકોએ આવી કોઈપણ ઘટના બની હોવાનો સાફ ઇન્કાર કર્યો છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મુદ્દે વિદ્યાર્થીના પિતાની ફરિયાદ મળી હોવાનું જણાવી તપાસના આદેશ આપ્યા છે.
ઘટના પ્રકાશમાં આવતા ખાનગી શાળાઓની ફી નિયમન મુદ્દે સરકારની નીતિ અને વલણ પર ફરી એક વખત સવાલ સર્જાયો છે.
ફી વિવાદને પગલે રાજ્યમાં વાલી અને શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે.
જેમાં સૌથી વધુ પરેશાની શાળાઓમાં ભણતા માસૂમ બાળકોને થઈ રહી છે.
ફી મુદ્દે વિવાદ
અત્રે નોંધવું રહ્યું કે ગુજરાત રાજ્યમાં ખાનગી શાળાઓની ફી નિયમન સમિતિ મામલે રાજ્ય સરકારના બિલ અંગે સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાવનગરના કાળીયાબીડની સિલ્વર બેલ્સ પબ્લીક સ્કૂલે તેના લગભગ 160 વિદ્યાર્થીઓની વિદ્યાર્થી દીઠ 600 રૂપિયા જેટલી ફી બાકી હોવાથી તેમની સાથે આ પ્રકારનું કથિત વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઊઠી છે.
વળી શાળાના પ્રશાસને બાળકોના માતાપિતાને બાકી ફી ભર્યા બાદ જ બાળકોને લઈ જવા કહ્યું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
જોકે, સમગ્ર મામલે 160 બાળકોમાં સામેલ એક બાળકના પિતાના અનુસાર પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો શાળાએ પહોંચ્યો હતો અને બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
ઘટના એમ હતી કે શાળાનો એક વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ સમયસર ઘરે નહીં પહોંચ્યો હતો. પણ બીજી તરફ અન્ય વિદ્યાર્થીઓ તેમના ઘરે આવી ગયા હતા.
જેને પગલે બાળકના ચિંતિત પિતાએ તરત જ શાળામાં ફોન કરી માહિતી મેળવવા કોશિશ કરી હતી. ત્યાર બાદ તમામ બાબતો સપાટી પર આવી હતી.
'ફી ભરી દીધી છે છતાં આવું કર્યું'
સમગ્ર ઘટના અંગે બીબીસીએ આ બાળકના પિતા ધર્મરાજસિંહ ઝાલા સાથે વાતચીત કરી.
જેમાં ધર્મરાજસિંહે જણાવ્યું, "મારો દીકરો આદિત્ય બાળક સાતમા ધોરણમાં ભણે છે. મેં આખા વર્ષની 38,800 રૂપિયા ફી રોકડેથી ભરેલી છે. જેની મારી પાસે પહોંચ પણ છે.”
તેની પરીક્ષા ચાલે છે અને સોમવારે તે સમયસર ઘરે પહોંચ્યો નહોતો. તેની મમ્મીએ મને ફોન કરીને જાણ કરી. મેં સ્કૂલમાં ફોન કર્યો તો મને કહેવામાં આવ્યું કે, 600 રૂપિયા ફી બાકી હોવાથી મારા પુત્ર આદિત્યરાજને બેસાડી રાખ્યો છે."
"જોકે મેં ફોનમાં જણાવ્યું કે 38800 રૂપિયાની ફી રોકડેથી ભરી દીધી છે."
"પણ મને ભારપૂર્વક કહેવામાં આવ્યું કે બાકી ફી નહીં ભરવામાં આવે ત્યાં સુધી બાળકને ઘરે નહીં જવા દેવાય."
"હું બહાર ગામ હોવાથી મેં ઘટના વિશે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી."
"જેથી પોલીસ ત્યાં પહોંચી હતી અને પછી ખબર પડી કે ત્યાં આવા 160 જેટલા બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા."
દરમિયાન શાળાના સંચાલક અમરજ્યોતિ ગોહિલની પ્રતિક્રિયા માટે બીબીસીએ તેમની સાથે પણ વાત કરી.
જેમાં તેમણે કહ્યું, "ઘણા વાલીઓએ પ્રથમ સત્રની પણ ફી નથી ભરી. પરીક્ષા આવી ગઈ છતાં તેમણે ફી નથી ભરી."
"વળી શાળામાંથી બાળકો સમયસર છૂટી ગયા હતા. સ્કૂલ પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણાં છે. અમે કોઈ બાળકોને બેસાડી નહોતા રાખ્યા."
"અમારી સ્કૂલમાં પોલીસ નથી આવી અને મારી જાણ મુજબ કદાચ જે વાલીએ આક્ષેપ કર્યા છે તે સ્કૂલ સમક્ષ માફી પણ માગવાના છે."
તપાસના આદેશ
જોકે ધર્મરાજસિંહે આ વાતનો ઇન્કાર કરી દીધો. તેમણે માફી માગવાની વાત વિશે કહ્યું, "ના હું માફી નથી માંગવાનો. મને શાળા તરફથી કોઈ પણ ફોન નથી આવ્યો."
"છેલ્લા સાત વર્ષથી મારું બાળક ભણે છે પણ મારે ક્યારેય આવી રીતે પોલીસને ફોન કરવાની જરૂર નથી પડી."
"હવે મામલો બહાર આવ્યો હોવાથી તેમણે ફેરવી તોળ્યું છે."
દરમિયાન ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારી એ. બી. પ્રજાપતિ સાથે પણ બીબીસીએ વાતચીત કરી.
તેમણે બીબીસીને જણાવ્યું, "સરકારી વર્ગ બે કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. બે દિવસમાં તે અમને રિપોર્ટ આપશે ત્યાર બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો