લાખોનું દેવું કરીને આ પિતાએ દીકરીને ચેમ્પિયન બનાવી!

    • લેેખક, રવિન્દર સિંઘ રોબિન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દીકરી જો વહાલનો દરિયો કહેવાતી હોય તો તેના સતત વિકાસ માટે પિતાને લેવું પડતું કરજ પણ બોજારૂપ નથી લાગતું. આ વાત સાબિત કરી છે, એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા 28 વર્ષીય કુસ્તીબાજ નવજોત કૌરના પિતાએ.

દીકરીને આ રમતમાં ઊંચાઈએ પહોંચાડવા તેમના પિતા સુખચેન સિંઘનો સિંહ ફાળો છે અને તેમણે નવજોત માટે તેમના સુખ અને ચેનને બાજુએ મૂકી દીધા હતાં.

સામાન્ય રીતે સાંભળવામાં આવે છે કે, કોઈ પિતા પોતાની દીકરીના લગ્ન માટે લોન લીધી હોય, પરંતુ નવજોતના ખેડૂત પિતાએ તેમને તાલીમ અપાવવા માટે લાખો રૂપિયાની લોન લીધી હતી.

એશિયન ચેમ્પિયનશિપમાં સફળતા મેળવવા માટે નવજોત અને તેમના પરિવારે ઘણો સંઘર્ષ કર્યો છે.

તેમની એક સાધારણ કુસ્તીબાજથી આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ સુધીની સફર અંગે બીબીસીના રવિન્દર સિંઘ રોબિને નવજોત કૌરના પરિવાર સાથે વાતચીત કરી.

નવજોત કૌરના બહેન નવજીત કૌરે કહ્યું, "હું અને નવજોત બન્ને સાથે જ પ્રેક્ટિસ કરતા હતા. સવારે વહેલા ચાર વાગ્યે ઘરેથી નીકળી જતા."

"પણ ઘરે પરત આવતા આવતા રાત્રે ઘણું મોડું થઈ જતું હતું. આથી ગામના લોકો અમારી ટીકા કરતા હતા."

તમને આ પણ વાંચવું ગમશે

"જોકે, પરિવાર તરફથી ટેકો મળતો રહ્યો. નવજોતે ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે જે લોકો ટીકા કરતા તે લોકો પણ ખુશ છે."

પિતાએ દેવું કરવું પડ્યું

તેમના પિતા સુખચેને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "નવજોતે ઘણી મુશ્કેલી સહન કરી છે. તેને કુશળ કુસ્તીબાજ બનાવવા માટે અમારે લોન પણ લેવી પડી."

"વળી અત્યાર સુધી સરકાર તરફથી નવજોતને વધુ મદદ નથી મળી."

"અમારી પાસે માત્ર ચાર એકર જમીન છે. તેનાથી આવક પણ ઓછી થતી હતી."

"મેં લોકો પાસેથી પણ નાણાં ઉછીના લીધા હતા. જોકે, ભૂતપૂર્વ સરકારે બે વખત મદદ કરી હતી. આથી થોડું કરજ ચૂકવવામાં મદદ મળી શકી છે."

'પિતાએ કરજ લીધું તે જાણીને દુઃખ થયું'

વધુમાં બીબીસી સંવાદદાતા પ્રિયંકા ધીમાન સાથેની વાતચીતમાં નવજોત કૌરે કહ્યું, "મને ખબર જ નહોતી કે તેમના પિતાએ કરજ લીધું છે."

“પિતાએ કરજ લેવું પડ્યું તે જાણીને દુઃખ થયું હતું. જોકે, એ વાત સાચી છે કે અમને ખેતીમાંથી વધુ આવક નહોતી મળતી.”

"જ્યારે મને મારા બહેન મારફતે આ વાતની જાણ પડી ત્યારે મને ઘણું દુઃખ થયું."

એશિયન ચેમ્પિયનશિપ પ્રારંભે કઠિન લાગી પણ એક ગેમ જીત્યા બાદ આત્મવિશ્વાસ વધ્યો હતો.

"જ્યારે ફાઇનલ ગેમ ચાલી રહી હતી ત્યારે મારા મગજમાં રાષ્ટ્રગીત ગુંજી રહ્યું હતું."

"ગોલ્ડ મેડલ જીતીને મારા પરિવારની મહેનતને સમ્માન આપવાનો પ્રયાસ કર્યો છે."

નવજોત કૌરની સફર

તેઓ સવારે ચાર વાગ્યે ઊઠીને મોટી બહેન સાથે પ્રૅકિટસ કરવા જતા હતા.

સંઘર્ષ છતાં તેમણે પહેલા રાજ્ય કક્ષાએ અને ત્યાર બાદ રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં સફળતા મેળવી.

તેમના બહેન નવજીત કૌર તરફથી મોટિવેશન મળતું રહ્યું અને તેઓ આગળ વધતા ગયા.

હવે એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલની સફળતાથી પરિવાર ઘણો ખુશ છે અને ગર્વ અનુભવે છે.

સુખચેન સિંઘના અનુસાર નવજીત કૌર પણ કુસ્તી કરે છે. અને આથી નવજોત કૌરને પણ તેમાં ઝંપલાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

પહેલાં તેઓ જૂડો કરતા હતા પણ ધીમે ધીમે તેમણે કુસ્તીની શરૂઆત કરી અને આજે તેઓ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યાં છે.

મર્યાદિત સવલતો

નવજોત કૌરના ભાઈ દિલાવર સિંઘ કહે છે, "રમતગમત માટે તેમના ગામમાં મર્યાદિત સવલતો છે."

"રાજ્ય સરકારે આ માટે વધુ સવલતો પૂરી પાડવાની જરૂર છે. ગામમાં એવી કોઈ જગ્યા જ નથી જ્યાં કુસ્તી માટે પ્રૅક્ટિસ કરી શકાય."

"સુવિધાઓના અભાવે ગામના બાળકો ખેલકૂદમાં ભાગ નથી લઈ શકતા."

તેમણે વધુમાં ઉમેર્યું, "અમારા ગામમાં કુસ્તી માટે અખાડો નથી. આથી નવજોત કૌરે પ્રેક્ટિસ માટે તરન તારન જવું પડતું હતું."

નવજોત કૌરના બહેને આખરમાં બીબીસી સંવાદદાતા રવિન્દર સિંઘને જણાવ્યું, "રાજ્યમાં ખરેખર બે-ત્રણ ગામમાં એક સ્પોર્ટસ એકૅડૅમી હોવી જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો