અટલ બિહારીની સરકારની હારને ધ્યાનમાં રાખીને રજૂ કરાયું બજેટ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
આગામી લોકસભા ચૂંટણી પૂર્વેનું મોદી સરકારનું પૂર્ણ કક્ષાનું છેલ્લું બજેટ રાજકીય પણ છે અને આર્થિક પણ છે.
નાણાંપ્રધાને વચલો રસ્તો અપનાવીને 2018-19નું સામાન્ય બજેટ રજૂ કર્યું.
જોકે, તેમાં ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોને રાહત આપવા માટેનું વલણ જોવા મળ્યું. દેશના મતદાતાઓનો આ મોટો વર્ગ છે.
પડકારોનો સામનો કરી રહેલા કૃષિ ક્ષેત્રને ટેકો આપવો એ આર્થિક અને નૈતિક જરૂરિયાત હતી.
પણ સવાલ એ છે કે વિતેલા વર્ષોમાં તેમણે આ સ્થિતિને ગણકારી કેમ નહીં?
હવે જ્યારે ચૂંટણી નજીક છે, ત્યારે તેમને આની યાદ કેમ આવી?

2004ની ચૂંટણીના પરિણામોમાંથી બોધપાઠ

કદાચ મોદી સરકારે 2004ની લોકસભા ચૂંટણીમાંથી બોધપાઠ લીધો હતો.
કેમ કે આ ચૂંટણી પૂર્વે અટલ બિહારી વાજપયીની સરકાર ફરીથી સત્તામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મને યાદ છે જ્યારે ચૂંટણી પૂર્વે અટલ બિહારી સરકારમાં સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત થઈ હતી.
મેં તેમને પૂછ્યું કે એફએમ રેડિયો પર સમાચાર પ્રસારિત કરવા માટે સરકાર ખાનગી કંપંનીને મંજૂરી ક્યારે આપશે?
ત્યારે તેમણે કહ્યું હતું, "અમને ચૂંટણી જીતી જવા દો. અમે તેની મંજૂરી આપી દઈશું. આ સંબંધનું એક બિલ પણ તૈયાર છે."

ઇંડિયા શાઇનિંગ' અને ગ્રામીણ વિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images
આ સમયે પક્ષ 'ઇન્ડિયા શાઇનિંગ'ના વિચારમાં મગ્ન હતો. પણ ગ્રામીણ વિસ્તારો 'શાઇન' નહોતા કરી રહ્યા.
ખેડૂતો પરેશાન હતા. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા. ભાજપ સરકારે તેમની સંપૂર્ણ અવગણના કરી હતી.
આથી પરિણામ એવું આવ્યું કે, 2004માં ખેડૂતો અને ગ્રામીણ વર્ગના યુવાઓએ ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંક્યો.
આમ કોંગ્રેસની સરકાર બની. દસ વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું પણ તેમણે પણ ખેડૂતોની અવગણના કરી.
જોકે, કોંગ્રેસની સરકાર 2014માં મોદી લહેરનો શિકાર બની અને ખેડૂતોએ પણ કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કર્યું.
આજે પણ ખેડૂતોની હાલત ખરાબ છે. નિષ્ણાતોએ મોદી સરકાર પર પણ ખેડૂતોની અવગણના કરવાનો આક્ષેપ લગાવ્યો છે.

આર્થિક નહીં પણ રાજકીય મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
પણ આ વખતના બજેટમાં કરવામાં આવેલા પ્રસ્તાવથી લાગે છે કે મોદી સરકાર અગાઉની ત્રણ ચૂંટણીનાં પરિણામોને ધ્યાનમાં રાખી રહી છે.
સરકારે ખેડૂતોને ઘણી મદદ કરવાનો વાયદો કર્યો છે.
સરકારક હવે ખરીફ પાકની પડતર કિંમત માટે ટેકાના ભાવ હેઠળ તેનું મૂલ્ય દોઢ ગણું વધારવાનો વાયદો કરી રહી છે.
રસપ્રદ વાત એ છે કે આગામી લોકસભા ચૂંટણીઓ સંદર્ભે સંબંધિત લોકોને સંદેશો મળી જાય તે હેતુને લીધે અરુણ જેટલીએ આ જાહેરાતો હિંદીમાં કરી હતી.

ઇમેજ સ્રોત, TWITTER
મધ્યમ વર્ગ અને પગારદાર લોકોને આશા હતી કે, આવકવેરામાં રાહત આપવામાં આવશે.
મતબેંકની દૃષ્ટિથી જોઈએ તો સ્વાભાવિક બાબત છે કે આ વર્ગ ખેડૂત વર્ગ કરતાં નાનો છે.
આ વર્ગને જેટલીએ સ્ડાન્ડર્ડ ડિડક્શનરૂપે 40,000 રૂપિયાની છૂટ આપી પણ બીજી તરફ શિક્ષણ અને હેલ્થ સેસમાં એક ટકાનો વધારો કરી દીધો.
આમ સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરી દીધો. જેનો અર્થ કે એક હાથે આપ્યું અને બીજા હાથથી લઈ લીધું.

દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મધ્યમ વર્ગ બજેટથી ખુશ નથી લાગતો. વળી 'લૉન્ગ ટર્મ કેપિટલ ગૅઇન' અને 'ઇક્વિટિ મ્યુચ્યુઅલ ફંડ' માટે દસ ટકાના વિતરણનો પ્રસ્તાવ નાના રોકાણકારો અને શેર બજાર માટે માઠા સમાચાર છે.
ટેક્સ અને વ્યક્તિગત ધિરાણ બાબતોના નિષ્ણાત ડી.કે.મિશ્રાના અનુસાર આ ક્ષેત્રમાં તે નાણાંપ્રધાનને 10માંથી માત્ર પાંચ જ અંક આપશે.
પણ અન્ય ક્ષેત્રમાં તે બજેટને આઠ અંક આપવા તૈયાર હતા.
જો ખેડૂતો પર વધુ ભાર મૂકવાની બાબત અને મધ્યમ વર્ગની નારાજગીની વાત બાજુ પર રાખીએ, તો એવું લાગે છે કે નાણાંપ્રધાને દરેક વર્ગને કંઈકને કંઈક આપવાની કોશિશ કરી છે.
વળી તેમણે એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે, સરકારની તિજોરીમાં ખાધ 3.3 ટકાથી વધી ન જાય.

કેટલાક નિષ્ણાતો એવા પણ છે જેઓ કહે છે કે આ વખતનું બજેટ રાજકીય વધારે અને આર્થિક ઓછું છે.
આ છૂટ પર ધ્યાન આપો : આઠ કરોડ ગરીબ પરિવારોને મફતમાં ગેસ કનેક્શન.
દસ કરોડ પરિવારો માટે સ્વાસ્થ્ય વ્યવસ્થા જેમાં પરિવારમાં પ્રતિ વ્યક્તિ માટે પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ.
તદુપરાંત 70 લાખ નવી નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય. આ તમામ પ્રસ્તાવોમાં રાજકારણ જોવા મળે છે.
આ મામલે સરકારનો અલગ તર્ક હોઈ શકે છે પણ નાણાંપ્રધાનનું સમગ્ર ભાષણ સાંભળીને મને એવું લાગે છે કે બજેટ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














