કાશ્મીરના ડેપ્યુટી ગ્રાન્ડ મુફ્તીએ બીજા પાક.ની માગ કરી

ઇમેજ સ્રોત, DEPUTY GRAND MUFTI NASIR UL ISLAM
કાશ્મીરમાં મુસ્લિમ પર્સનલ બોર્ડના ઉપાધ્યક્ષ અને ડેપ્યુટી ગ્રાન્ડ મુફ્તી નાસિર ઉલ ઇસ્લામનું કહેવું છે કે, ભાજપ તેમજ RSS ભારતમાં રહેતા મુસ્લિમોને બીજું પાકિસ્તાન બનાવવા માટે મજબૂર કરી રહ્યા છે.
મંગળવાર (30 જાન્યુઆરી 2018)ના રોજ મુફ્તી નાસિરે શ્રીનગરમાં યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભારતમાં રહેતા મુસ્લિમો પોતાના માટે એક અલગ દેશની માગ કરે.
તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમોની ભારતમાં જે પરિસ્થિતિ છે, તે ખૂબ જ ખરાબ છે.
બીબીસી સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "મેં જે કહ્યું તેની પાછળ એવો ઉદ્દેશ હતો કે RSS તેમજ ભાજપ મળીને મુસ્લિમોને દેશની અંદર બીજું પાકિસ્તાન બનાવવા માટે મજબૂર કરી રહ્યા છે."

'મુસ્લિમોને બનાવવા દે બીજો દેશ'

ઇમેજ સ્રોત, Getty Images
મુફ્તી નાસિરે કહ્યું, "જ્યાં સુધી ભારતમાં રહેતાં મુસ્લિમોની વાત છે, 1947થી લઇને આજ દિન સુધી કેટલા આયોગની રચના થઈ, જેમાં તેમની ખરાબ પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ?
"તેઓ ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. ભારતના મુસ્લિમોને તકલીફ આપવામાં આવી રહી છે.
"ભારતના હિંદુ એ કહી રહ્યા છે કે ભારત મુસ્લિમોનો નહીં, હિંદુઓનો દેશ છે.
"અમે જ્યારે ટીવી ચાલુ કરીએ છીએ તો તેમાં જોઈએ છીએ કે મુસ્લિમોને પાકિસ્તાનની હરકતો માટે જવાબદાર ગણાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બાબર અને ઔરંગઝેબને પણ પાછળ છોડ્યા નથી. અહીં સુધી તો ઠીક હતું પણ પૈગમ્બર મોહમ્મદને પણ ઘણી વખત ટીવીના કાર્યક્રમોમાં નિશાન બનાવવામાં આવ્યા છે."
તમને આ પણ વાંચવું ગમશે
તેમણે આગળ જણાવ્યું, "ગૌરક્ષાના નામે કેવી રીતે મુસ્લિમોની હત્યા થઈ રહી છે. લવ જેહાદના નામે મુસ્લિમો સાથે કેવું વર્તન થઈ રહ્યું છે.
"ભારતમાં મુસ્લિમોને એ જ રીતે રહેવાનો હક મળવા જોઈએ, જે રીતે બીજા સમુદાયોને આપવામાં આવ્યા છે.
"તમે કહો છો કે આ દેશ હિંદુઓનો છે. તો પછી ઠીક છે. ભારતનો વધુ એક ભાગ કરી નાખો અને ભારતમાં રહેતા મુસ્લિમોને વધુ એક દેશ બનાવવા દો."

'મુસ્લિમોની જગ્યા તિહાડ જેલ'

ઇમેજ સ્રોત, MUFTI NASIR UL ISLAM/TWITTER
મુફ્તી નાસિરે જણાવ્યું, "જે નિર્ણય તે સમયે મુસ્લિમોએ લીધો તે યોગ્ય નિર્ણય હતો.
"ભારતમાં તેમની માટે કોઈ જગ્યા નથી. કોઈ પણ જગ્યાએ તેમનું મહત્ત્વ નથી. હા, એક જગ્યાએ તેમને મહત્ત્વ આપવામાં આવે છે, તે છે તિહાડ જેલ."
તેમણે જણાવ્યું કે આ નિર્ણય ભાજપ અને સંઘ પરિવારે લેવો જોઈએ કે મુસ્લિમો ક્યાં જાય.
નાસિરે કહ્યું, "પ્રવીણ તોગડિયા, સાક્ષી મહારાજ અને બીજા નેતાઓ આવું કરવા કહી રહ્યા છે."
તેમનું કહેવું છે, "તે સમયે માત્ર 17 કરોડ મુસ્લિમોએ પાકિસ્તાન બનાવ્યું હતું. જો ભારતમાં મુસ્લિમોની પરિસ્થિતિ યથાવત રહી તો પછી આજે 20 કરોડ મુસ્લિમો બીજો દેશ કેમ બનાવી ન શકે?"
મુફ્તી નાસિરના આ નિવેદન પર પીડીપીના નેતા અને મંત્રી ચૌધરી ઝુલ્ફીકાર અલીએ કહ્યું કે આ નિવેદન તેમના અંગત વિચાર હોઈ શકે છે.
તેમનું કહેવું હતું કે ભારતને બનાવવામાં મુસ્લિમોની પણ ભૂમિકા છે. આ દેશ જેટલો બીજા ધર્મના લોકોનો છે, તેટલો જ મુસ્લિમોનો પણ છે.
ભાજપના નેતા અને ધારાસભ્ય રવિંદર રૈનાએ મુફ્તી નાસિરના નિવેદન અંગે કહ્યું, "ભારત બધા જ લોકોનો દેશ છે. આ પ્રકારના નિવેદન માત્ર ષડયંત્ર છે.
"હવે ચૂંટણી નજીક છે ત્યારે કેટલાક લોકો મુસ્લિમોમાં નફરતનો માહોલ ઊભો કરવો માગે છે."

ગ્રાન્ડ મુફ્તીના દીકરા છે નાસિર

ઇમેજ સ્રોત, Getty Images
કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના રાજ્ય સચિવ અને ધારાસભ્ય યૂસુફ તારિગામીએ મુફ્તી નાસિરના નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યું કે તેમનું નિવેદન બિન-જવાબદાર છે.
તેમનું કહેવું છે, "હું આવા લોકોને એક સવાલ પૂછવા માગું છું કે 70 વર્ષ પહેલા પાકિસ્તાન નામનો એક અલગ દેશ અસ્તિત્વમાં આવ્યો.
"ધર્મના નામે એક અલગ દેશ બનવાથી સમસ્યાઓ ઓછી થઈ કે વધુ વિવાદ ઊભા થયા?"
"જ્યાં સુધી વાત છે ભારતની, તો જ્યારથી એક સરકાર બની છે ત્યારથી ભારતના અલ્પસંખ્યકોમાં એક પરેશાની ચોક્કસ જોવા મળી રહી છે.
"ભારતમાં એવા લોકો પણ છે કે જે ભાજપ અને RSSના રાજકારણની તરફેણ નથી કરતા."
મુફ્તી નાસિર કાશ્મીરના ગ્રાન્ડ મુફ્તી (મુફ્તી આઝમ) બશીરુદ્દીનના દીકરા છે. મુફ્તી બશીરુદ્દીને તેમને 2012માં ડેપ્યુટી ગ્રાન્ડ મુફ્તી બનાવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












