દૃષ્ટિકોણઃ ચાર જજના ‘બળવા’ને ગણકારશે મોદી સરકાર?

    • લેેખક, રાજુ રામાચંદ્રન
    • પદ, સીનિયર વકીલ, બીબીસી ગુજરાતી માટે

સુપ્રીમ કોર્ટના ચાર જજ પરંપરા તોડીને પોતાની વાત રજૂ કરવા આગળ આવ્યા છે, જેથી સર્વોચ્ચ અદાલતમાં પારદર્શકતા લાવવાના તેમના પ્રયાસનો દેશ સમક્ષ મૂકી શકાય.

આ મુદ્દો અત્યંત ગંભીર છે અને ઇતિહાસમાં અગાઉ આવું ક્યારેય થયું નથી.

ન્યાયમૂર્તિઓ આ રીતે મીડિયા સામે અગાઉ ક્યારેય આવ્યા ન હતા.

આ પ્રકારની વાતો બીજી તરફથી જરૂર કહેવામાં આવતી હતી, પણ તાજેતરના કિસ્સામાં જજોએ પત્રકાર પરિષદ મારફત તેમની વાતો દેશ સમક્ષ રજૂ કરી હતી.

ચીફ જસ્ટીસ રોસ્ટરના માસ્ટર હોય છે. તેનો અર્થ એ થાય કે વડા ન્યાયમૂર્તિને તેમના હાથ નીચેના અન્ય જજોને શું કામગીરી સોંપવી તેનો અધિકાર હોય છે.

તેમની જવાબદારી તર્કસંગતતાના આધારે ખંડપીઠોને કેસ સોંપવાની હોય છે.

વડા ન્યાયમૂર્તિ જજોની કોઈ ખંડપીઠને પોતાની રીતે કોઈ પણ કેસ સોંપી શકે એવી ધારણા સામાન્ય લોકોમાં આકાર લે તો લોકોનો વિશ્વાસ ડગમગે એ નક્કી છે.

તેનું કારણ એ છે કે દેશના સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા મહત્વના મુદ્દા સુપ્રીમ કોર્ટના સીનિયર જજોના હાથમાં હોવા જોઈએ.

તમને આ પણ વાંચવું ગમશે

રોસ્ટર ઉપરાંતની તકલીફો પણ છે?

જજોના ગુસ્સાનું મુખ્ય કારણ આ રોસ્ટર છે. તેમણે લખેલા પત્રની ભાષાને વકીલ અને ન્યાયમૂર્તિઓ જ આસાનીથી સમજી શકે છે.

ચાર ન્યાયમૂર્તિઓએ મુખ્યત્વે જજોની ખંડપીઠની નિમણૂકનો મુદ્દો જ ઉઠાવ્યો હતો.

પત્રના બીજા હિસ્સામાં મેમોરેન્ડમ ઓફ પ્રોસિજરની વાત સાથે જજોની ખંડપીઠની નિમણૂકની જ વાત કરવામાં આવી છે.

એનજેએસી કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર સંબંધે ચુકાદો આપ્યો હતો ત્યારે આ કેસમાં બે જજો સુનાવણી કેવી રીતે હાથ ધરી શકે?

આ વાત પણ જજોની ખંડપીઠની નિમણૂક બાબતે સવાલ ઉઠાવે છે.

સુપ્રીમ કોર્ટના એકથી માંડીને 26 કે 31 એમ જેટલા જજ છે એ બધા એકસમાન છે.

અલબત, રાષ્ટ્રીય મહત્વના મામલા હોય ત્યારે તેની સુનાવણી હાથ ધરતા જજોની સીનિયોરિટીનું પણ મહત્વ હોય છે.

સુપ્રીમ કોર્ટના સાત સૌથી સીનિયર જજોને જસ્ટિસ કર્ણન કેસ વિશે નિર્ણય કરવા શા માટે પસંદ કરવામાં આવ્યા હતા?

તેનું કારણ એ હતું કે આ કેસ હાઈકોર્ટના એક જજને લગતો હતો.

એ જ પ્રકારના રાષ્ટ્રીય મહત્વના ઘણા કેસ છે, જેની સુનાવણી સીનિયર જજોએ એક સિદ્ધાંત અનુસાર કરવાની જરૂર છે.

શું હશે ચીફ જસ્ટિસનું આગામી પગલું?

મને લાગે છે કે ચાર જજ આ મુદ્દાને પ્રેસ કોન્ફરન્સ મારફત બહાર લાવી ચૂક્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ આ મામલો ફૂલ કોર્ટમાં લાવવો જોઈએ.

હું માનું છું કે ચીફ જસ્ટિસ દીપક મિશ્રને એ ખબર પડી ગઈ હશે કે તેમના વિશે તેમના સાથીઓ શું વિચારે છે.

ચીફ જસ્ટિસે હવે સુધારા માટેનાં પગલાં લેવાં જોઈએ. આ સ્થિતિમાંથી આસાનીથી છૂટકારો મળશે એવું હું માનતો નથી.

જજોએ યોજેલી પત્રકાર પરિષદની ઘણી અસર પડશે એ નક્કી છે.

પત્રમાં જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે તેના નિરાકરણ માટે ચીફ જસ્ટિસે જરૂરી પગલાં લેવાં જોઈએ.

સરકાર શું કરશે?

પત્રકાર પરિષદને કારણે એક ગંભીર સમસ્યા બહાર આવી છે. લોકતંત્રના સંરક્ષક હોવાને નાતે સુપ્રીમ કોર્ટે પ્રતિષ્ઠા બચાવવી હોય તો આ સમસ્યાનું નિરાકરણ ન્યાયપાલિકામાં કરવું જરૂરી છે.

જજોની પત્રકાર પરિષદ બાદ વડાપ્રધાને કાયદા પ્રધાનને બોલાવ્યા હોવાના સમાચાર છે.

હું માનું છું કે રાષ્ટ્રીય મહત્વના મામલાઓમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરવાની વડાપ્રધાનની ફરજ છે. આ કિસ્સામાં સરકાર આગળ કશું કરી શકવાની સ્થિતિમાં નથી.

સરકાર, સીનિયર જજો અને સમગ્ર દેશે મીડિયા અને સિવિલ સોસાયટી મારફત ન્યાયમૂર્તિઓને સાથે મળીને કામ કરવા જણાવવું જોઈએ.

આ મામલે સમાજના અન્ય વર્ગોની ભૂમિકા વધારે મહત્વની છે, કારણ કે ન્યાયપાલિકા મજબૂત છે કે નિર્બળ તેની ચિંતા મજબૂત બહુમતવાળી સરકાર ઓછી કરશે.

સામાન્ય લોકોનો ભરોસો ડગમગ્યો છે, પણ યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવશે તો એ ભરોસો પુનર્સ્થાપિત થશે.

(બીબીસી સંવાદદાતા ઈકબાલ અહમદ સાથેની વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો