You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જસ્ટિસ હેગડેએ કેમ કહ્યું, "તો પછી ભારતને ભગવાન બચાવે"
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી
નોર્વે, ઑસ્ટ્રેલિયા, ડેનમાર્ક, સ્વિટ્ઝર્લેન્ડ અને નેધરલેન્ડ્સની ગણના વસવાટ કરવા માટેના શ્રેષ્ઠ દેશોમાં થાય છે, જ્યાં ભારત જેવી સંસદીય લોકશાહી છે.
હવે આ દેશના મહાન નેતાઓનાં નામ જણાવો? ચિંતા કરશો નહીં. તમારું સામાન્ય જ્ઞાન કંઈ નબળું નથી.
આ દેશના નેતાઓનાં નામ ભાગ્યે જ કોઈને યાદ છે.
આવું શા માટે છે? કારણ કે મહાન રાષ્ટ્રોને મહાન નેતાઓ નથી ચલાવતા પરંતુ તે સંસ્થાઓથી ચાલે છે.
નેતાઓ આવે છે અને જાય છે પરંતુ સંસ્થાઓ તેમના કામને જવાબદારીપૂર્વક અને ગંભીરતાથી લે છે અને કામ કરે જાય છે.
આ સંસ્થાઓની કાર્યક્ષમતાને કારણે લોકશાહીનું નિર્માણ થાય છે જેમાં નાગરિકો ખુશ, તંદુરસ્ત, શિક્ષિત અને સલામત છે.
તમને આ પણ વાંચવું ગમશે
ન્યાયતંત્રમાં ખેંચતાણ
સંસ્થાઓની સ્વાયત્તતા જળવાઈ રહે તે બહુ જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોઈપણ વ્યક્તિ, નેતા કે અધિકારી અથવા ન્યાયાધીશ કોઈ સંસ્થા કરતાં વિશેષ મહત્વના કે મહાન ન હોવા જોઈએ.
વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારતમાં કોઈ સંસ્થા નથી કે જેની વિશ્વસનીયતા સાચી છે.
દરેક વ્યક્તિ જે હેરાન અને દુઃખી છે તે ન્યાય મળવાની અપેક્ષાએ ન્યાયાલયના દ્વાર ખટખટાવે છે.
તમને આ વાંચવું પણ ગમશેઃ
પરંતુ હાલના સમયમાં ભારત દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) પણ એક મોટી કસોટીમાંથી પસાર થઈ રહી છે.
ન્યાયાધીશોની નિયુક્તિ માટે અપનાવાયેલી નીતિરીતિઓને લઈને હાલની ભારત સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ખેંચતાણ તો શરૂ થઈ ગઈ છે.
ઉપરોક્ત પરિસ્થિતિને સંજોગોવસાત્ ન્યાયપાલિકાની વિશ્વસનીયતા પરની કટોકટી તરીકે તો ન જ કહી શકાય.
પરંતુ, હાલની ન્યાયપાલિકાની પરિસ્થિતિ અને સમસ્યા કેટલી જટિલ છે તે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ સંતોષ હેગડેની ટિપ્પણીઓ પરથી જ સમજી શક્ય તેમ છે.
એમણે લખ્યું છે કે, "જો ન્યાયતંત્ર પોતાની જાતને નિયંત્રિત નહિ કરી શકે તો ભગવાન જ ભારતને બચાવી શકે છે."
તિરસ્કાર હોઈ શકે છે
સુપ્રીમ કોર્ટમાં હાલના સમયે ધમાલ મચેલી છે. ધમાલ એ છે કે શું દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ ભ્રષ્ટાચારના કેસ સાંભળવા જોઈએ કે જેમાં તેઓ પોતે એક પક્ષકાર પણ હોઈ શકે છે?
આ સમગ્ર બાબતનું કાનુની પાસું તેના પોતાના સ્થાને છે. હવે આ પ્રશ્ન સુપ્રીમ કોર્ટની નૈતિક સત્તાના છે.
ન્યાયાધીશના હેતુ અંગે પૂછપરછનો કાયદો પ્રતિબંધિત છે.
ઉપરોક્ત સંજોગોમાં આવી પૂછપૂરછ કરનાર સામે અદાલતની અવગણનાની કાર્યવાહી થઈ શકે છે અને આ ઉચિત પણ છે.
ન્યાયમૂર્તિઓ પણ આ સમાજમાંથી આવે છે. તેઓ દેવદૂતો તો નથી જ નથી. ન્યાયતંત્રમાં અને સેનામાં ભ્રષ્ટાચારની ઘણી ચર્ચાઓ થાય છે.
પરંતુ બીજા ક્ષેત્રોની સરખામણીએ ભ્રષ્ટાચારના બહુ ઓછા કિસ્સાઓ સમાજ સમક્ષ આવ્યા છે. એનો અર્થ એ નથી કે ન્યાયતંત્ર સંપૂર્ણપણે પવિત્ર છે.
સુપ્રીમ કોર્ટમાં જે મામલા સંદર્ભે વિવાદ ઉભો થયો છે એ વિવાદમાં ઓડિશા હાઈકોર્ટના નિવૃત્ત જજની ધરપકડ પણ થઈ છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા જસ્ટિસ કે.જે. બાલકૃષ્ણન પર તેમના સાથી ન્યાયમૂર્તિઓએ ગંભીર આરોપ મૂક્યા છે.
તેમના પરિવારના સભ્યોની આવકની સરખામણીમાં વધુ મિલકત મુદ્દે તપાસ પણ કરવામાં આવી હતી.
જસ્ટિસ રામસ્વામી, ન્યાયમૂર્તિ સૌમિત્ર સેન, જસ્ટિસ દિનાકરન અને જસ્ટિસ નાગાર્જુન રેડ્ડીના નામોને ગુગલ પર શોધીને તમે વધુ માહિતી મેળવી શકો છો.
ઉપરોક્ત દર્શાવેલ તમામ હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ રહી ચુક્યા છે.
પ્રશ્નાર્થ ચિહ્ન
રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ રહી ચૂકેલા મહેશ ચંદ્ર શર્મા તો થોડા મહિનાઓ પહેલાં મોરની સેક્સ લાઇફ વિશે જ્ઞાન આપીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી ચુક્યા છે.
અગાઉ કોલકતા હાઈકોર્ટના જસ્ટીસ કર્ણન મામલે પણ સર્વોચ્ચ અદાલત માટે શરમજનક અને હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં હાઇકોર્ટના ન્યાયાધીશ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એકબીજા સામે હુકમો પસાર કરી રહ્યા હતા.
દેશની સર્વોચ્ચ અદાલતમાં ઉપરોક્ત પરિસ્થિતિઓ સર્જાઈ હોવા છતાં કૌભાંડ, ભ્રષ્ટાચાર અને ગુનેગારી સામે સંઘર્ષ કરી રહેલા દેશમાં એવું કોઈ નહિ કહે કે 'મને આ ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ નથી'.
દેશની અદાલતો એ માત્ર નૈતિક સત્તા નથી પણ લોકોનો વિશ્વાસ છે.
ઉપરોક્ત દર્શાવેલી પરિસ્થિતિમાં દેશની ન્યાયવ્યવસ્થા પર હવે જે એક પ્રશ્નચિહ્ન લાગ્યો છે તે લોકશાહી માટે ઊંડી ચિંતાનો વિષય છે.
સોમવારે સુપ્રીમ કોર્ટમાં (આ સંદર્ભે) થયેલી ચર્ચામાં અરુણ મિશ્રાએ કહ્યું, "સુપ્રીમ કોર્ટની શાખને નુકસાન પહોંચ્યું છે."
જ્યારે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું, "આ ઘાને રૂઝાતા ઘણો સમય લાગી જશે."
ચૂંટણી પંચ
થોડા સપ્તાહો પહેલા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓની તારીખને નક્કી કરીને જાહેર કરવામાં થયેલા વિલંબને લઇને ચૂંટણી પંચના મુખ્ય કમીશનર અચલ કુમાર જોતીના ઈરાદાઓ પર અનેક સવાલો ઊભા થયા હતા.
આખા મામલાએ જે રીતે વેગ પકડ્યો હતો એમાંથી મુખ્ય ચૂંટણી અધિકારી બેદાગ બહાર ન નીકળી શક્યા.
ઉપરોક્ત બનાવ પહેલા ઈવીએમ મશીનોમાં થતી ઘાલમેલના આરોપો સંદર્ભે ચૂંટણી પંચ આ શંકાઓને સંપૂર્ણપણે નથી ખાળી શક્યું.
ચૂંટણી પંચ પરથી વિશ્વાસ ઉઠી જવાનો અર્થ એ છે કે સમગ્ર લોકશાહી પ્રક્રિયા પરથી ભરોસો ઉઠી જવો.
જરા વિચારો આ કેટલી જોખમી વાત છે અને કેટલું ખતરનાક છે.
હજુ એક સ્વાયતતા ધરાવતી સંસ્થા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નોટબંધી દરમ્યાન સારી એવી નામોશી વેઠી છે.
વારેઘડીએ નોટબંધી સંદર્ભે લેવાયેલા નિર્ણયો બદલવામાં આવ્યા હતા.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઊર્જિત પટેલે સીડીઓ કૂદીને મીડિયાની જે રીતે અવગણના કરી હતી તે ઘટનાએ લોકોના માનસપટલ પર અવિરત છાપ છોડી છે.
સંસ્થાઓની સ્વાયત્તતા
રિઝર્વ બેન્ક સરકારથી પર એક સ્વતંત્ર સંસ્થા તરીકે જાણીતી હતી જેનું કામ દેશની નાણાકીય નીતિ અને બેન્કિંગ સિસ્ટમ નિયંત્રણ કરવા માટે છે.
નોટબંધી સમયે એક પણ વખત ભારતીય રિઝર્વ બેન્કની સત્તાની તાકાત જોવા નહોતી મળી.
શાહી લગાડવાથી લઇને ચલણી નોટો જમા કરાવવાની સીમા નક્કી કરવા સુધી નિયમો એટલીવાર બદલવામાં આવ્યા કે આ સંદર્ભે નિર્ણય લઈ રહેલા સત્તાધીશોની વિશ્વસનીયતા પર અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા.
આવી તો અનેક સ્વાયત્તતા ધરાવતી સંસ્થાઓ છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનથી લઈને હ્યુમન રાઇટ્સ કમિશન સુધી, જેની સ્વાયત્તતા મુદ્ધે અનેક ચર્ચાઓ કરી શકાય છે.
ભારતમાં સૌથી વધુ સ્વાયત્ત સંસ્થાઓનો પાયો પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો.
આ સંસ્થાઓની સ્વતંત્રતાનું ઉલ્લંઘન ઇંદિરા ગાંધીના સમયમાં બહુ મોટાપાયે કરવામાં આવ્યું હતું.
હાલના સમયમાં આ સ્વાયત્ત સંસ્થાઓની હાલત પહેલાથી પણ વધુ દયનીય અને દારુણ દેખાઈ રહી છે.
સરકારો મજબૂત થવાથી લોકશાહી મજબૂત નથી થતી પરંતુ સરકાર પર નિયંત્રણ રાખવાવાળી સંસ્થાઓ નબળી પુરવાર થયે લોકશાહી ચોક્કસ નબળી અને પાંગળી સાબિત થાય છે.
સૌથી મોટી લોકશાહીને જો વધુ સારી લોકશાહી બનાવવી હોય તો સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ જેવી સ્વાયત્તતા ધરાવતી સંસ્થાઓની શાખ બચાવવી પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો