ફેસબુક : ન્યૂઝ ફીડમાં થશે મોટા ફેરફાર, લોકોને સમાચાર ઓછા જોવા મળશે

ન્યૂઝ, બિઝનેસ, બ્રાન્ડ અને મીડિયા સંબંધી ફીડ મામલે ફેસબુક મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે.

ફેસબુકના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર આ વાતની જાણકારી આપી છે.

તેમનું કહેવું છે કે ફેસબુક પર હવે પરિવારના સભ્યો વચ્ચે અને મિત્રો વચ્ચે થતા સંવાદવાળી સામગ્રી પર વધુ ભાર મૂકવામાં આવશે.

ફેસબુકે એ વાતને પણ માની છે કે તેના પ્લેટફોર્મ દ્વારા પોતાની પોસ્ટ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડનારા સંગઠનોની લોકપ્રિયતામાં ઘટાડો થઈ શકે છે.

ફેસબુકમાં આ ફેરફારો આગામી સપ્તાહમાં જોવા મળશે.

ફેરફારો ફીડબેક પર આધારિત

માર્ક ઝકરબર્ગે લખ્યું છે, "અમને ફીડબેક મળ્યો છે કે બિઝનેસ, બ્રાન્ડ અને મીડિયાની પોસ્ટની ભરમાર લોકોની અંગત પળોને છીનવી રહી છે જે આપણે એકબીજા સાથે જોડે છે."

ઝકરબર્ગે લખ્યું કે તેમને અને તેમની ટીમને લોકોને એ માલૂમ કરાવવાની જવાબદારીનું ભાન છે કે ફેસબુક લોકોનાં કલ્યાણ માટે સારું છે.

'હવે ન્યૂઝ ઓછા જોવા મળશે'

ઝકરબર્ગે એક અન્ય પોસ્ટમાં લખ્યું કે વર્ષ 2018માં તેઓ એ નિશ્ચિત કરશે કે ફેસબુક પર કોઈ સાથે ખરાબ વર્તન ના થાય અને લોકો ફેસબુક પર પોતાનો સમય સારી રીતે પસાર કરી શકે.

હાવર્ડ યુનિવર્સિટીમાં નીમેન જર્નાલિઝમ લેબની લૉરા હજાર્ડ કહે છે, "એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફેરફારો છે. આ ફેરફારોથી પબ્લિશર્સ પર અસર પડશે. આપણે હવે ન્યૂઝ ઓછા નજરે ચડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો