દલિતો ભેગા મળી ઉજવશે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જીત

    • લેેખક, રાજેશ જોશી
    • પદ, રેડિયો સંપાદક, બીબીસી હિંદી

જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રાજને ઉખાડી ફેંકવા માટે વર્ષ 1857માં આખાય ભારતમાં ઘમાસાણ મચ્યું હતું, તે જ કંપનીના વિજય ઉત્સવને સ્વતંત્ર ભારતમાં ઊજવવો શું 'દેશદ્રોહ' છે?

પૂના પાસેના કોરેગાંવ ભીમા ગામમાં દર વર્ષે આ વિજય ઉત્સવ મનાવવામાં આવે છે.

પરંતુ હજુ સુધી કોઈ 'રાષ્ટ્રવાદી'ની આ ઘટનાને દેશદ્રોહી સર્ટિફિકેટ આપવાની હિંમત નથી થઈ.

કોરેગાંવ ભીમા એ જગ્યા છે જ્યાં 200 વર્ષ પહેલા 1 જાન્યુઆરી 1818માં અછૂત કહેવાતા આઠસો મહારોએ ચિતપાવન બ્રાહ્મણ પેશવા બાજીરાવ દ્વિતિયના 28 હજાર સૈનિકોને ઘૂંટણ ટેકાવડાવ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

આ મહાર સૈનિક ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી લડ્યા હતા. આ યુદ્ધ પછી પેશવાઈ રાજનો અંત થયો હતો.

આ વખતે પણ 2018ના વર્ષના પહેલા દિવસે દેશના કેટલાય ભાગોમાંથી હજારો દલિતો કોરેગાંવ ભીમામાં એકઠા થશે. તેઓ આ યુદ્ધમાં વિજયની બીજી શતાબ્દી મનાવશે.

દલિતોનો ઉત્સવ

પરંતુ ભારતીય બ્રાહ્મણ મહાસંઘે પુણે પોલિસને અરજી કરી છે કે દલિતોને પેશવાઓની ડ્યોઢી 'શનિવાર વાડા'માં પ્રદર્શન કરવાની અનુમતિ ન આપવામાં આવે.

બ્રાહ્મણ મહાસંઘના આનંદ દવેએ મીડિયાને કહ્યું છે કે આવા ઉત્સવોથી જાતીય ભેદ વધશે.

બ્રાહ્મણ મહાસંઘને દલિતોના આ ઉત્સવ પર તકલીફ શું કામ થઈ શકે?

આ સમજવા માટે એ જાણવું જરૂરી છે કે પેશવા શાસક અંત્યજ(વર્ણ વ્યવસ્થાની બહારની જાતિઓ) મહાર દલિતો વિશે શું વિચારતા હતા.

એ સિવાય તેમણે કઈ રીતે મહારોની સામાજિક અને આર્થિક દુર્ગતિ માટે જવાબદાર સામાજિક વ્યવસ્થા બનાવી રાખવા માટે જાતીય ભેદભાવના નિયમોને કેટલી કડકાઈથી લાગુ કર્યા તે પણ સમજવું જરૂરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસની ખબર અનુસાર યુવા દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ આ ઊજવણીનો ભાગ બનશે.

અસ્મિતાની લડાઈ

જે ઇતિહાસવિદ્ મહારો અને પેશવા સેના વચ્ચેના આ યુદ્ધને અંગ્રેજો અને ભારતીય શાસકો વચ્ચેની લડાઈ ગણે છે, તથ્યની રીતે તેઓ ખોટા નથી.

પરંતુ અહીં સવાલ તો પૂછાવો જોઇએ કે આખરે મહાર અંગ્રેજો સાથે મળીને બ્રાહ્મણ પેશવાઓ સામે કેમ લડ્યા?

મહારો માટે તે અંગ્રેજો માટેની નહીં પરંતુ તેમની અસ્મિતાની લડાઈ હતી. તે તેમના માટે ચિતપાવન બ્રાહ્મણ વ્યવસ્થાથી બદલો લેવાનો એક મોકો હતો.

કારણ કે બસ્સો વર્ષ પહેલા પેશવા શાસકોએ મહારોને જાનવરોથી પણ નીચેનો દરજ્જો આપ્યો હતો.

અસ્પૃશ્યોના સાથે જે વ્યવહાર પ્રાચીન ભારતમાં થતો હતો, એ જ વ્યવહાર પેશવા શાસકોએ મહારો સાથે કર્યો.

ઇતિહાસવિદોએ કેટલીય જગ્યાએ કહ્યું છે કે નગરમાં પ્રવેશતા મહારોને પોતાની કમરમાં ઝાડૂ બાંધીને ચાલવું પડતું. એટલે તેમના 'પ્રદૂષિત અને અપવિત્ર' પગનાં નિશાન ભૂંસાઈ જાય.

તેમને પોતાના ગળામાં એક વાસણ પણ લટકાવું પડતું હતું. જેથી તેઓ તેમાં થૂંકી શકે અને તેમની થૂંકથી કોઈ સવર્ણ 'અપવિત્ર' ન થઈ જાય.

તેઓ સવર્ણોનો કુવામાંથી પાણી કાઢવાનું પણ વિચારી શક્તા નહોતા.

બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની

આ પ્રાચીન ભારતથી ચાલી આવતા નિયમ હતા. જેના વિરુદ્ધ બૌદ્ધ, જૈન જેવા સંપ્રદાયોએ વારંવાર વિદ્રોહ કર્યો હતો.

પરંતુ દર વખતે દલિત વિરોધી વ્યવસ્થાને ફરીથી સ્થાપિત કરી દેવામાં આવતી હતી.

આવી વ્યવસ્થામાં રહેનાર મહાર દલિત બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સામેલ થઈને લડ્યા. એટલે તેઓ પેશવાના સૈનિકોની સાથે સાથે ચિતપાવન બ્રાહ્મણ શાસકોની ક્રૂર વ્યવસ્થા વિરુદ્ધ બદલો પણ લઈ રહ્યા હતા.

હવે આ યુદ્ધના બસ્સો વર્ષ પછી હજારો દલિત સંગઠન એકઠા થઈને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વિજયની નહીં પણ ભેદભાવ આધારિત બ્રાહ્મણવાદી પેશવા વ્યવસ્થા વિરુદ્ધ દલિતોના વિજયનો ઉત્સવ મનાવશે.

જાતી ભેદભાવની સાબિતિ

આ ઉત્સવમાં સામેલ દલિત યુવાનો માટે બસ્સો વર્ષ પહેલાના ઇતિહાસનું પ્રતિકાત્મક મહત્વ જ હશે. પરંતુ તેમને જાતીય ભેદભાવના આજની ઘટનાઓથી પણ અનુભવ થઈ રહ્યા છે. આ અસલી ઉદાહરણ રાજનીતિ નક્કી કરવામાં ચોક્કસ રીતે મદદ કરશે.

દલિતો એ નથી ભૂલ્યા કે સહારનપુરના યુવા દલિત નેતા ચંદ્રશેખર આઝાદ 'રાવણ'ને કોર્ટમાંથી જામીન મળતાં જ યૂપીની યોગી સરકારે તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવી દીધો કે તેઓ જેલથી બહાર ન આવી શકે.

પરંતુ બીજી બાજુ એવા પણ સમાચાર છે કે ભાજપ-શાસિત રાજ્યોમાં પહલૂ ખાનની હત્યાના આરોપમાં પકડાયેલા છ લોકો પરથી આરોપ પાછા લેવામાં આવ્યા છે.

દાદરીના મોહમ્મદ અખલાકની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા એકનાં મોત પર દેશમાં સાંસ્કૃતિક વિભાગના મંત્રી મહેશ શર્માએ તેમને શહીદોવાળી શ્રદ્ધાંજલિ આપી હતી.

મહાર સૈનિકોની વિજય

રાજસ્થાનના રાજસમંદ શહેરમાં અફરાજુદ્દીનની સરેઆમ હત્યા કરનાર હિંદુત્વ સમર્થક શભુલાલ રૈગર વિશે હવે પોલીસ કહી રહી છે કે આ હત્યા ગેરસમજમાં થઈ ગઈ હતી.

બહાદુરગઢ પાસે ચાલતી ટ્રેનમાં મારી મારીને જુનૈદની કરાયેલી હત્યાની તપાસના મામલે તેમના પરિવારજનો અસંતોષ જાહેરમાં જણાવી ચૂક્યા છે.

એટલે જ કોરેગાંવ ભીમામાં મહાર સૈનિકોના વિજયના બસ્સો વર્ષ પૂરા થવાના ઉત્સવમાં સામેલ થઈને દલિતો હકીકતમાં આજની રાજનીતિમાં પોતાની જગ્યા શોધવાની કોશિશની સાથે બ્રાહ્મણવાદી પેશવા વ્યવસ્થાને આદર્શ માનનારા હિંદુત્વવાદી વિચારનો સામનો પણ કરી રહ્યા હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો