You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોઈને કહી ના શકાય એવા ગુના લોકો ચર્ચમાં આવીને કબૂલે છે!
- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
"ફાધર, મને એક પરણેલા પુરુષ સાથે પ્રેમ થઈ ગયો છે. હું એના વગર નથી રહી શકતી પરંતુ મને લાગે છે કે હું ખોટું કરી રહી છું."
"ફાધર, મારા મનમાં બૉસ માટે કડવાહટ વધી રહી છે. દિલ કરે છે એને થપ્પડ મારી દઉં."
ફાધર લૉરેન્સ આ દિવસોમાં લોકોના આ પ્રકારના કેટલાંય 'કન્ફેશન' સાંભળી રહ્યા છે અને એમને સાચો રસ્તો બતાવવાની કોશિશ કરી રહ્યા છે.
દિલ્હીનું 'સેક્રેડ હાર્ટ કૈથેડ્રલ' આમ તો સૌથી સુંદર અને શાનદાર ગિરિજાઘરોમાંથી એક છે પરંતુ આ દિવસોમાં એની રોનકમાં ચાર ચાંદ લાગી ગયા છે.
ક્રિસમસની દસ્તક ચારે તરફ અનુભવી શકાય છે ત્યારે આ દિવસોમાં 'કન્ફેશન' રોજની સરખામણીમાં વધી જાય છે.
અહીં આવનારા ઘણા લોકો એવા છે જે 'કન્ફેશન' માટે આવ્યા છે. 'કન્ફેશન' એટલે પોતાના પાપ અને ગુનાઓનો સ્વીકાર કરવો.
જો તમને 'ખામોશી' ફિલ્મનો સીન યાદ હોય જેમાં મનીષા કોઈરાલા અને સલમાન ખાન 'કન્ફેશન' કરવા ચર્ચ આવે છે તો તમે સમજી જશો કે અહીં અમે શેના વિશે વાત કરી રહ્યા છીએ.
સાત સંસ્કારોમાંથી એક
ફાધર લૉરેન્સે બીબીસીને કહ્યું, 'કન્ફેશન' કેથલિક ચર્ચના સાત સંસ્કારોમાંથી એક છે. લૉરેન્સ છેલ્લાં 16 વર્ષથી પાદરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું, "જ્યારે પણ આપણે કોઈ ખોટું કામ કરીએ છીએ ત્યારે ગૉડ સાથે સંપર્ક તૂટી જાય છે. ઇશ્વર સાથે ફરી સંપર્ક સાધવા માટે કન્ફેશનની જરૂર પડે છે."
કન્ફેશન ત્યારે જ કરી શકાય છે જ્યારે તમને તમારી ભૂલનો પસ્તાવો હોય.
કોઈને વઢીને પરાણે કન્ફેશન ના કરાવી શકાય. કન્ફેશન કરવાવાળાની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષ હોવી જોઈએ.
ફાધર લૉરેન્સ કહે છે કે આમ તો કન્ફેશન ક્યારેય પણ કરી શકાય છે. પરંતુ ક્રિસમસ દરમિયાન કન્ફેશનમાં વધારો થાય છે.
વર્ષના અંતે લોકો પોતાના પાપનો સ્વીકાર કરી નવી શરૂઆત કરવા ઇચ્છતા હોય છે.
જેને પણ કન્ફેશન કરવું હોય તે ફાધરને આવીને જણાવે છે અને પાદરી તેમને કન્ફેશન રૂમમાં લઈ જાય છે.
કન્ફેશનની ખાસ વાત એ હોય છે કે તે તદ્દન ગોપનીય હોય છે.
ફાધર લૉરેન્સના કહેવા પ્રમાણે, "કન્ફેશન માટે આવેલા વ્યક્તિને વિશ્વાસમાં લેવો અમારી જવાબદારી છે.
કોઈ પણ કિંમતે એમની ઓળખાણ છૂપી રાખવી અમારા માટે ફરજીયાત છે.
તો શું ફાધર સામે કોઈ હત્યાનો ગુનો કબૂલ કરે તો ફાધર પોલીસને જણાવી દેશે?
આ સવાલના જવાબમાં ફાધર કહે છે, "ના, દુનિયામાં એવા પણ ઉદાહરણો છે જેમણે કન્ફેશનને છૂપું રાખવા પોતાનો જીવ પણ આપી દીધો છે."
"જે વાત અમને જણાવવામાં આવે છે તે 'કન્ફેશન સીલ'માં બંધ થઈ જાય છે અને અમે તેને ક્યારેય નથી તોડી શકતા."
યુવાનોની સંખ્યા વધારે
ક્રિસમસ પહેલાં કન્ફેશન કરવા આવતા લોકોમાં યુવાનો વધારે હોય છે.
ફાધર કહે છે કે યુવાનો ઓફિસમાં કોઈની સાથે અણબનાવ, ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ સાથેના ઝઘડા વિશે સલાહ માંગવા પણ આવે છે.
ફાધર કહે છે કે, "કેથલિક નિયમો અનુસાર જીસસ સિવાય બીજા ઇશ્વરની પૂજા ગુનો ગણવામાં આવે છે. આ માટે પણ માફીના કન્ફેશન આવે છે."
ફાધરે કહ્યું કે કેથલિક સમુદાયમાં ગર્ભપાત મોટું પાપ ગણાય છે. ઘણા દંપતીઓ ગર્ભપાત કરાવીને કન્ફેશન માટે આવે છે.
ધાર્મિક પરંપરાઓમાં માનનારા વ્યક્તિઓ રવિવારે ચર્ચ નથી આવી શકતા એ તેમને ગુનો માને છે અને એ માટે પણ કન્ફેશન કરવા આવે છે.
લગ્નેતર સંબંધો, પાર્ટનર સાથે વફાદાર ના રહેનારા લોકો પણ કન્ફેશન માટે આવે છે.
ફિલ્મ 'ખામોશી' નો કન્ફેશન વાળો વીડિયો અહીં જુઓ
એટલે કે ચોરી, ઈર્ષા અને ગુસ્સાને લઈને એક્સ્ટ્રા મેરિટલ અફેયર સુધીના કન્ફેશન લોકો કરે છે.
ફાધર કહે છે, "કન્ફેશન વખતે અમે વ્યક્તિને એ જ ભૂલ ફરી ના કરવાની કસમ ખવડાઈએ છીએ. સાથે જ વધારે સારા મનુષ્ય બનવાની પ્રેરણા પણ આપીએ છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો