You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આવી રીતે મોદીએ બદલી નાખ્યો મતદારોનો મિજાજ
- લેેખક, સંજય કુમાર
- પદ, ડાયરેક્ટર, સીએસડીએસ
એક સમય આવ્યો જ્યારે એવું લાગી રહ્યું હતું કે ગુજરાતમાં જબરદસ્ત મુકાબલો છે, બન્ને પાર્ટીઓ વચ્ચે 'કાંટે કી ટક્કર' છે, પણ અંતે ભાજપે જીત પ્રાપ્ત કરી લીધી.
કોંગ્રેસ આ ચૂંટણીમાં મજબૂતી સાથે સામે લડી, પાર્ટીના વોટ શૅરમાં સામાન્ય વધારો થયો છે. જો કે તે છતાં કોંગ્રેસ મોદી અને અમિત શાહને તેમના ઘરમાં માત ન આપી શકી.
ભાજપે હિમાચલ પ્રદેશમાં પણ સહેલાઇથી જીત મેળવી લીધી. આ સાથે જ ભાજપે પોતાના શાસનમાં વધુ એક રાજ્યનો ઉમેરો કરી લીધો છે.
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાજપ એક બાદ એક જીત નોંધાવી રહ્યું છે.
હિમાચલ પ્રદેશની જીતે ભાજપને 'કોંગ્રેસ મુક્ત ભારત' મિશનની વધારે નજીક પહોંચાડી દીધો છે.
એ વાત સાચી છે કે ભાજપે બન્ને રાજ્યોમાં જીત મેળવી છે, પરંતુ તે પાર્ટી કરતાં વધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત છે.
તથ્યોથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ ભાજપને પડકાર આપતી જોવા મળે છે તો નરેન્દ્ર મોદી એકલા હાથે જ પરિસ્થિતિ સંભાળે છે અને ભાજપને જીતના દીદાર કરાવી દે છે.
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતની જીતે મૂક્યા આશ્ચર્યમાં?
એ વાતની ઉપેક્ષા પણ નથી કરી શકાતી કે મોદી વિરુદ્ધ મણિ શંકર ઐયર જેવા નેતાઓની ટિપ્પણી કોંગ્રેસના ચૂંટણી અભિયાનને દિશાવિહીન સ્થિતિમાં મૂકી દે છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપની જીતને લઇને કોઇને પણ શંકા ન હતી. હિમાચલ પ્રદેશનો ઇતિહાસ રહ્યો છે કે અહીં પાંચ વર્ષોમાં સરકાર બદલાઈ જાય છે.
પ્રદેશનું પાંચ વર્ષનું શાસન સ્વાભાવિક રૂપે ભાજપ પાસે જ જવાનું હતું, પણ ગુજરાતમાં ભાજપની જીતથી મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ ઘણા મુદ્દાઓ હતા. બાવીસ વર્ષોની સત્તા વિરોધી લહેર હતી.
હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદારોનું આંદોલન હતું. જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં દલિતોનું આંદોલન હતું અને પછાત જાતિ ઠાકોરની નારાજગી હતી, જેનું નેતૃત્વ અલ્પેશ ઠાકોર કરી રહ્યા હતા.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું ન હોવું એ પણ ભાજપ વિરુદ્ધ લાગી રહ્યું હતું, પરંતુ બધી જ સમસ્યાઓનો સામનો કરી ભાજપે ફરી એક વખત ગુજરાતમાં જીત નોંધાવી છે.
જોકે, વર્ષ 2012માં ભાજપને 115 બેઠક મળી હતી અને આ વખતે 99 બેઠક પર જ જીત મળી છે.
આ વખતે ભાજપના વોટ શેરમાં સામાન્ય વધારો થયો છે. 2012માં ભાજપનો વોટ શેર 48.30% હતો અને આ વખતે 49.1 ટકા છે.
કેવી રીતે મેળવી ભાજપે જીત?
એ કારણો કયા છે કે જેનાં કારણે ભાજપને જીત મળી છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે અઠવાડિયામાં આક્રમક ચૂંટણી પ્રચાર કર્યો હતો.
તેની અસર મતદાન બાદ થયેલા સર્વેક્ષણમાં પણ સ્પષ્ટપણે જોવા મળી હતી.
CSDSના સર્વેમાં પણ જોવા મળ્યું હતું કે, ચૂંટણી અભિયાનના કારણે ભાજપના પક્ષમાં મતદારોમાં વધારો થયો હતો.
જે મતદારોએ કોંગ્રેસના પક્ષમાં મત આપવાનું શરૂઆતમાં નક્કી કર્યું હતું, તેની સરખામણીએ મોટી સંખ્યામાં મતદારોએ મતદાન પહેલા મોદીના પક્ષમાં મત આપવાનો નિર્ણય કર્યો હતો.
મોદીના અભિયાન બાદ ભાજપના પક્ષમાં મતદાનનું વલણ મોટા પાયે શિફ્ટ થયું હતું.
સૌથી મહત્ત્તવપૂર્ણ વાત એ છે કે ગુજરાતમાં લગભગ 35 ટકા મતદાતાઓએ મતદાનના થોડા દિવસ પહેલા પોતાનો નિર્ણય કરી લીધો હતો.
શરૂઆતના થોડા અઠવાડિયા દરમિયાન કોંગ્રેસે આક્રમક ચૂંટણી અભિયાન ચલાવ્યું હતું.
કોંગ્રેસના આ અભિયાનના કારણે ભાજપ બેકફૂટ પર નજર આવી રહ્યો હતો. પરંતુ જ્યારે નરેન્દ્ર મોદીએ પણ આક્રમક અભિયાનની શરૂઆત કરી તો કોંગ્રેસના ચૂંટણી અભિયાન પર તેની ભારે અસર જોવા મળી.
મણિ શંકર ઐય્યરની ટિપ્પણી બાદ તો મોદીના ચૂંટણી અભિયાનને વધુ ગતિ મળી. મણિ શંકર ઐય્યરની 'નીચ'વાળી ટિપ્પણી બાદ ભાજપ વધુ આક્રમક જોવા મળ્યો હતો.
મોદીએ મણિ શંકર ઐય્યરના નિવેદનને ગુજરાતી ગૌરવ અને ઓળખ સાથે જોડ્યું હતું.
ત્યારબાદ કોંગ્રેસ ચૂંટણી અભિયાનમાં ભાજપ સામે બેકફૂટ પર આવી હતી અને તેણે ભાજપ વિરોધી જે માહોલ બનાવ્યો હતો તેને આઘાત પહોંચ્યો હતો.
કોંગ્રેસના હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને છોટૂ વસાવા જેવા વિભિન્ન સમાજના નેતાઓ સાથે ગઠબંધનના પ્રયાસ કર્યા.
જેના પરિણામ સ્વરૂપે ગત ચૂંટણી કરતા કોંગ્રેસને આ જુદા જુદા સમાજ પાસેથી વધુ મત મળ્યા.
પાટીદારોના મોટાભાગના મત ભાજપને
જોકે, આ ફેરફારથી પણ કોંગ્રેસ જીતનો સ્વાદ ન ચાખી શકી. કોંગ્રેસને આશા હતી કે પાટીદારોના મત તેમને મળશે.
પરંતુ ચૂંટણી બાદ થયેલા સર્વેક્ષણથી જાણવા મળ્યું કે પાટીદારોના 40 ટકા કરતા પણ ઓછા મત કોંગ્રેસને મળ્યા હતા. તો આ તરફ ભાજપને પાટીદારોના 60 ટકા મત મેળવવામાં સફળતા મળી.
જિગ્નેશ મેવાણી સાથે ગઠબંધન પણ કોંગ્રેસને ન ફળ્યું. 47 ટકા દલિતોના મત કોંગ્રેસને મળ્યા, જ્યારે ભાજપને 45 ટકા દલિત મત મેળવવામાં સફળતા મળી.
આ જ રીતે ઓબીસી મત પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વહેંચાઈ ગયા.
પાટીદારોના મતની ભરપાઈ ભાજપે આદિવાસી મતથી કરી. 52 ટકા આદિવાસીની મત ભાજપને મળ્યા. તો કોંગ્રેસને માત્ર 40 ટકા આદિવાસી મત મળ્યા.
એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે ગત ચૂંટણીઓ કરતા આદિવાસીઓએ મોટી સંખ્યામાં કોંગ્રેસને મત આપ્યા છે.
જો કોંગ્રેસે છોટુ વસાવા સાથે ગઠબંધન ન કર્યું હોત તો ભાજપને હજુ પણ વધુ આદિવાસી મત મળ્યા હોત. પ્રચાર દરમિયાન કોંગ્રેસે આદિવાસી મતોને પરત મેળવી લીધા હતા.
આમ તો ભાજપે ગુજરાતમાં વધુ એક ચૂંટણી જીતવાની અને કોંગ્રેસ પાસેથી હિમાચલ પ્રદેશ રાજ્ય છીનવી લેવાની ખુશી મનાવવી જોઈએ.
પરંતુ આ જીતનો એવો મતલબ નથી કે ગુજરાતમાં સત્તાધારી પાર્ટીની અંદર બધુ જ સારું ચાલી રહ્યું હતું.
સરકારના વિકાસકાર્યોનો રેકોર્ડ સંતોષજનક છે, પરંતુ હજુ પણ અસંતોષ અને નિરાશા સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
ગુજરાત અને હિમાચલ, બન્ને જગ્યાએ મતદારોની મોટી સંખ્યા સરકારની નોટબંધી અને જીએસટી જેવી નીતિઓથી અસંતુષ્ટ છે.
ખેડૂતો સરકારથી ખુશ નથી કેમ કે સરકાર ખેડૂતોની મુશ્કેલીઓના સમાધાન માટે યોગ્ય પ્રયાસ નથી કરી રહી.
યુવા વર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ એ રીતે આકર્ષિત ન હતો, જે રીતે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી બાદ હતો.
પીએમ મોદી સાથે પણ તેમની નારાજગી જોવા મળી શકે છે, પરંતુ આ બધા કારણો છતાં એક મોટી આબાદીએ કોંગ્રેસને મત ન આપ્યા.
સ્પષ્ટ છે કે કોંગ્રેસ લોકોની ભાજપ પ્રત્યે નિરાશાને ગુસ્સામાં પરિવર્તિત ન કરી શકી.
ગુજરાતમાં ભાજપ સરકારને હટાવવા માટે મતદારોની નારાજગી પૂરતી ન હતી.
ભાજપને હરાવવા માટે ગુસ્સાની જરૂર
ભાજપને હરાવવા માટે એક ગુસ્સાની જરૂર હતી, પરંતુ લોકોની નારાજગી એટલી વધારે પણ ન હતી કે તેને ગુસ્સામાં બદલી શકાય.
ભાજપને હાર્દિક પટેલની રેલીઓમાં જોવા મળતી ભીડ બાદ લોકોના અસંતોષનો અંદાજ મળી ગયો હતો.
પરંતુ વડાપ્રધાન મોદી પોતાની તમામ રેલીઓમાં ગુજરાતી આન-બાનનો દાવ રમવામાં સફળ થયા.
તેમણે ગુજરાતની જે અસ્મિતાનો સવાલ ઉઠાવ્યો, તે તેમના માટે નારાજગીને દબાવવામાં સફળ રહ્યો.
જો ગુજરાતમાં ભાજપને 49 ટકા મતથી જીત મળી છે તો કોંગ્રેસે 42 ટકા મત છતાં ચૂંટણી હારી છે.
આ તરફ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ છે, પરંતુ તે છતાં 42 ટકા મત મેળવવામાં કોંગ્રેસને સફળતા મળી છે.
એ વાત સાચી છે કે વડાપ્રધાન મોદી ભાજપના પક્ષમાં હવાની દિશા પલટવામાં સફળ રહ્યા છે, પરંતુ આ જીત છતાં ભાજપ પાસે ચિંતા કરવાના ઘણાં કારણો છે.
2014ની લોકસભા ચૂંટણી બાદ વધતી બેરોજગારી ગુજરાતી યુવાઓને ભાજપથી દૂર કરી રહી છે.
ભાજપની વોટબેન્ક મનાતા વેપારી સમાજમાં પણ નારાજગી છે.
પોતાના વફાદાર સમર્થકોને આ રીતે ખોઈ નાખવા એ આગામી દિવસોમાં ભાજપ માટે ચિંતાનો વિષય સાબિત થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો