ભાજપ-કોંગ્રેસના આ મજબૂત નેતાઓને જનાદેશમાં મળ્યો પરાજય

ગુજરાતના રાજકારણમાં કેટલાક ચહેરા એવા છે જેમને મોટાભાગના લોકો તેમના પક્ષનાં કારણે નહીં, પરંતુ તેમની વ્યક્તિગત પ્રતિભાના કારણે ઓળખે છે. પરંતુ આ ચૂંટણીમાં આગવી ઓળખ ધરાવતા નેતાઓને પણ હાર ખમવી પડી છે.

જૂનાગઢ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ઉંઝાના ધારાસભ્ય નારાયણ પટેલ, વાવના ધારાસભ્ય અને મંત્રી શંકર ચૌધરી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાના કિસ્સામાં આવું બન્યું છે.

આ નેતાઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડતા હોય કે પછી ગમે તે પક્ષમાંથી, જનતા તેમને વર્ષોથી ચૂંટી કાઢતી હતી, પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આ ઉમેદવારોને ગજબનો મળેલા જનાદેશ મળ્યો છે.

તમને આ વાંચવું પણ ગમશે

જેમનો વિજય પર પહેલેથી જ નિશ્ચિત માનવામાં આવતો હતો તેવા આ નેતાઓને ચૂંટણીમાં પરાજય મળ્યો છે.

મહેન્દ્ર મશરૂ - જૂનાગઢ

મહેન્દ્ર મશરૂ જૂનાગઢ બેઠક પરથી વર્ષ 1990ની વિધાનસભા ચૂંટણીથી વિજય મેળવતા આવ્યા હતા. સતત છ વિધાનસભા ચૂંટણીમાં તેમને વિજય મળ્યો હતો.

વર્ષ 1990 અને 1995ની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે સ્પર્ધામાં હતા અને વિજયી બન્યા હતા.

1998 અને બાદની ચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી લડતા આવ્યા છે અને સતત જીતતા રહ્યા હતા. હવે 27 વર્ષ બાદ કોંગ્રેસે જૂનાગઢના બેઠક પર વિજય મેળવ્યો છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ તેમને 6084 મતથી પરાજય આપ્યો છે. જૂનાગઢમાં મહેન્દ્ર મશરુની છબી જમીન સાથે જોડાયેલા અને સતત લોકસંપર્કમાં રહેતા નેતા તરીકેની છે.

પોતાનું વાહન રાખવાની જગ્યાએ તેઓ કોઈ શહેરીજનોના બાઈક પર લિફ્ટ લઈ શહેરમાં ફરતા જોવા મળે છે. જો કે તેમની સામે વિજય મેળવનારા ભીખાભાઈ જોશીની છબી પણ જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની છે.

તેઓ પણ રીક્ષા અને અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા હોવાનું કહેવાય છે.

નારાયણ પટેલ(કાકા)

પાટીદાર આગેવાન નારાયણ પટેલ વર્ષ 1995થી ઉંઝા વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડતા અને જીતતા આવ્યા હતા.

સતત પાંચ ટર્મથી તેઓ ઉંઝા બેઠકના ધારાસભ્ય હતા. આ ચૂંટણીમાં કોંગ્રસના ડૉ. આશા પટેલે તેમને 19529 મતોથી પરાજય આપ્યો છે.

પાટીદાર સમુદાય સિવાય અન્ય સમુદાયોમાં પણ નારાયણ પટેલ લોકપ્રિય છે. ઉપરાંત 'આખાબોલા' નેતા તરીકેની છાપ પણ તેઓ ધરાવે છે.

ઉંઝા અને આસપાસના વિસ્તારોમાં રહેતા પાટીદારોની ઘણી આંતરિક શાખાઓ હોવાથી પાટીદાર અનામત આંદોલનની અસર નારાયણ પટેલની ઉમેદવારી પર ઓછી થશે તેવું કહેવાતું હતું.

જીરું અને વરિયાળીની નિકાસ માટે તેઓ વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતા ઉંઝા માર્કેટિંગ યાર્ડના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. ઉમિયાધામ ઉંઝાના ચેરમેનપદે પણ તેઓ ઘણાં વર્ષો સુધી કામગીરી આપી ચૂક્યા છે.

શંકર ચૌધરી

ગુજરાત સરકારના માર્ગ-પરિવહન, સ્વાસ્થ્ય તેમજ પરિવારકલ્યાણ રાજ્ય મંત્રી શંકર ચૌધરીને બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર પરાજય મળ્યો છે. કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે તેમને 6655 મતોથી પરાજય આપ્યો છે.

1998, 2002 અને 2007ની ચૂંટણી તેઓ પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી લડી વિજયી બન્યા હતા. 2012ની ચૂંટણી તેઓ બનાસકાંઠાની વાવ બેઠક પરથી લડી વિજયી બન્યા હતા.

શંકર ચૌધરી કેટલીક મહત્વની સહકારી સંસ્થાઓમાં ઘણાં સમયથી સક્રિય છે. તેઓ 'બનાસ ડેરી'ના ચેરમેન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર તેમજ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેનપદે સક્રિય છે.

જયનારાયણ વ્યાસ

ભાજપના જાણીતા નેતા જયનારાયણ વ્યાસને પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પર પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ચંદનજી ઠાકોર આ ચૂંટણીમાં વિજયી બન્યા છે

1990, 1995, 1998 તેમજ 2007ની ચૂંટણીમાં તેઓ સિદ્ધપુર બેઠક પર વિજયી બન્યા હતા.

2007ની ચૂંટણી પછી બનેલી સરકારમાં તેમણે આરોગ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂતે તેમને પરાજય આપ્યો હતો.

જો કે આ ચૂંટણીમાં બળવંતસિંહ રાજપૂત ભાજપમાં હોવા છતાં તેમને પરાજય મળ્યો છે.

શિક્ષિત અને અભ્યાસુ નેતા તરીકે તેમની ગણના થાય છે. રાજકીય ક્ષેત્ર સિવાય તેઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, ઇન્ફ્રસ્ટ્રક્ચર અને મેનેજમેન્ટ ક્ષેત્રનો બહોળો અભ્યાસ ધરાવે છે.

શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલને કચ્છની માંડવી બેઠક પરથી જાકારો મળ્યો છે.

આ બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાનો 9046 મતોથી વિજય થયો છે.

શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી 1990, 1995, તેમજ 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

2012ની ચૂંટણીમાં તેમને આ બેઠક પર પરાજય મળતા તેઓ 2014ની પેટાચૂંટણીમાં કચ્છની અબડાસા બેઠક પરથી લડી ચૂંટાયા હતા.

ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની વયે એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે.

1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળ્યા હતા. સઘન વાંચન અને અભ્યાસ ધરાવતા નેતા તરીકેની તેઓ છબી ધરાવે છે.

અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાને તેમના જ ગઢ પોરબંદરમાં ભાજપના બાબુ બોખિરિયાએ પરાજય આપ્યો છે. બાબુ બોખિરિયાએ 1855 મતથી વિજય મેળવ્યો છે.

અર્જુન મોઢવાડિયાની ગણના શિક્ષિત તેમજ સતત લોકસંપર્કમાં રહેનારા નેતા તરીકે થાય છે તેમજ મહેર જ્ઞાતિમાં પણ તે અગ્રિમ પ્રતિનિધિત્વ ધરાવે છે.

ગુજરાતના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં એક સમયે જેની ગણના થતી હતી તે લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજમાંથી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ફરજ બજાવી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને પક્ષમાં ઘણાં હોદ્દાઓ પર કાર્યરત રહ્યા હતા. 2002 અને 2007માં તેઓ પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

જનતાએ તેમને 2012ની ચૂંટણીમાં પણ જાકારો આપ્યો હતો, તેથી બાદમાં તેમણે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો