ગુજરાતના મુખ્ય મંત્રી બળવંતરાય મહેતાના વિમાન પર જ્યારે પાકિસ્તાની પ્લેને હુમલો કર્યો

    • લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મ-કર્મભૂમિ ગુજરાત આઝાદી મળી ત્યારથી ગુજરાતના નામે ઓળખાતું ન હતું.

અનેક રાજાઓ અને રજવાડાંઓને ભેળવીને 1947થી 1950 દરમિયાન વિશાળ ભારત દેશની રચના કરવામાં આવી હતી.

આઝાદી પહેલાં ગુજરાત પ્રદેશ અંગ્રેજોના શાસન હેઠળની બૉમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ હતો. 1947 પછી આ પ્રદેશને બૉમ્બે રાજ્યમાં સામેલ કરવામાં આવ્યો હતો.

આઝાદી પછી ભાષાને આધારે રાજ્યોની રચનાની માગણીએ જોર પકડ્યું હતું અને એ સંબંધે શ્યામકૃષ્ણ ધર પંચની રચના કરવામાં આવી હતી.

શ્યામકૃષ્ણ ધર પંચે ભાષાને આધારે રાજ્યોની રચના દેશના હિતમાં ન હોવાનું જણાવ્યું હતું.

જોકે, સતત વધતી જતી માગને પગલે જેવીપી સમિતિની રચના કરવામાં આવી હતી. જેવીપી સમિતિએ રાજ્યોના પુનર્ગઠનની ભલામણ કરી હતી.

ગુજરાતની રચના

પહેલાં રાજ્ય પુનર્ગઠન પંચની રચના 1953માં કરવામાં આવી હતી.

તેમાં 14 રાજ્યો અને નવ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી.

એ સમયે ગુજરાત પ્રદેશ મુંબઈ રાજ્યનો હિસ્સો હતું. તે પછી મહાગુજરાત આંદોલન શરૂ થયું હતું.

મહાગુજરાત આંદોલનને પગલે 1960માં મુંબઈનું બે રાજ્યમાં વિભાજન કરવામાં આવ્યું હતું અને ગુજરાતનો જન્મ થયો હતો.

ક્યારે, કોણ હતું સત્તા પર?

ગુજરાતમાં વિધાનસભાની પહેલી ચૂંટણી 1960માં યોજવામાં આવી હતી.

132 બેઠકો માટે યોજવામાં આવેલી આ ચૂંટણીમાં કૉંગ્રેસે 112 બેઠકો જીતી હતી.

1960થી શરૂ કરીને 1975 સુધી કૉંગ્રેસ સતત સત્તા પર રહ્યો હતો.

મહાત્મા ગાંધીના ડૉક્ટર તરીકે થોડો સમય સેવા આપી ચૂકેલા જીવરાજ નારાયણ મહેતા પહેલી, મે 1960થી 18, સપ્ટેમ્બર 1963 સુધી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા.

એ પછી પંચાયતીરાજના પ્રણેતા ગણાતા બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્ય મંત્રી બન્યા હતા.

સ્વાતંત્ર્યસેનાની બળવંતરાય મહેતા 1965નું 19 સપ્ટેમ્બરે તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી મુખ્ય મંત્રીપદે રહ્યા હતા.

ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે કચ્છ જઈ રહેલા બળવંતરાય મહેતાના વિમાન પર પાકિસ્તાની પ્લેને હુમલો કર્યો હતો.

ગુજરાતનું રાજકારણ

બળવંતરાય મહેતા પછી હિતેન્દ્ર દેસાઈ મુખ્ય મંત્રી બન્યા હતા. તેમના કાર્યકાળમાં ગુજરાતમાં પહેલી વાર કોમી રમખાણ થયાં હતાં.

હિતેન્દ્ર દેસાઈ પછી મુખ્ય મંત્રી બનેલા ઘનશ્યામ ઓઝાને હઠાવીને કૉંગ્રેસે ચીમનભાઈ પટેલને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.

ચીમનભાઈ પટેલ હિંમતવાન નેતા ગણાતા હતા. તેમણે એક વખત ગુસ્સે થઈને ઇંદિરા ગાંધીને જણાવી દીધું હતું કે ગુજરાતનો મુખ્ય મંત્રી કોણ બનશે તે ગુજરાતના ધારાસભ્યો નક્કી કરશે.

ચીમનભાઈ લગભગ 200 દિવસ સુધી મુખ્ય મંત્રીપદે રહ્યા હતા અને નવનિર્માણ આંદોલનના દબાણને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

વિધાનસભાના વિસર્જન પછી ફરી વાર ચૂંટણી યોજવામાં આવી, ત્યારે કૉંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી.

એ પછી બાબુભાઈ પટેલના વડપણ હેઠળ ભારતીય જનસંઘ, ભારતીય લોકદલ, સમતા પાર્ટી અને કૉંગ્રેસથી અલગ થયેલા કૉંગ્રેસ (ઓ) પક્ષની સહિયારી સરકાર રચાઈ હતી.

ગુજરાતના પહેલા બિનકૉંગ્રેસી મુખ્ય મંત્રી બાબુભાઈ પટેલના વડપણ હેઠળની એ સરકારનું આયુષ્ય 211 દિવસનું જ રહ્યું હતું.

કટોકટી પછી શું થયું?

ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી પછી ગુજરાતના રાજકારણમાં માધવસિંહ સોલંકી જેવા ધુરંધર રાજકારણીની એન્ટ્રી થઈ હતી.

માધવસિંહની એન્ટ્રીને પગલે ગુજરાતના રાજકારણમાં નવું પ્રકરણ શરૂ થયું હતું. 1980માં જનતા પાર્ટીની સરકારની વિદાય પછી માધવસિંહ સોલંકી ફરી વાર મુખ્ય મંત્રી બન્યા હતા.

આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોના લોકોને તેમણે અનામતનો લાભ આપ્યો હતો.

તેનો ગુજરાતમાં જોરદાર વિરોધ થયો હતો અને રમખાણ થયાં હતાં. 1985માં માધવસિંહ સોલંકીએ રાજીનામું આપવું પડ્યું હતું.

માધવસિંહ સોલંકીએ ક્ષત્રીય, હરિજન, આદિવાસી અને મુસલમાન મતદારોનો લાભ લેવા માટે 'ખામ' (KHAM) થિયરી બનાવી હતી.

એ ખામ થિયરીને આધારે કૉંગ્રેસે 1985ની ચૂંટણીમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરીને 149 બેઠકો જીતી હતી.

ગુજરાતમાં એકેય રાજકીય પક્ષ આજ સુધી આટલી બેઠકો જીતી શક્યો નથી.

પટેલોના રાજકારણનો પ્રારંભ

1990માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જનતા દળ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે મળીને લડ્યાં હતાં.

ચીમનભાઈ પટેલ જનતા દળના નેતા હતા, જ્યારે ભાજપે કેશુભાઈ પટેલને તેમના નેતા જાહેર કર્યા હતા.

ભાજપને સમજાઈ ગયું હતું કે દલિત, મુસ્લિમ અને ક્ષત્રિય મતદારો કૉંગ્રેસની સાથે હોય તો પટેલોનો ટેકો લઈને ચૂંટણી જીતી શકાય છે.

કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપનો એ પ્રયોગ સફળ થયો હતો.

1990માં કૉંગ્રેસની હાર થઈ હતી અને ભાજપ-જનતા દળની સહિયારી સરકારની રચના થઈ હતી.

રામમંદિરના મુદ્દે ભાજપ અને જનતા દળની સરકાર તૂટી પડી હતી, પણ એ દરમિયાન ભાજપે પટેલ સમુદાય પર વર્ચસ્વ સ્થાપી લીધું હતું.

તેનો ફાયદો ભાજપને 1995થી મળવો શરૂ થયો હતો. 1995માં વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકીની 121 બેઠકો ભાજપે જીતી હતી.

ભાજપના વિજય પછી કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા હતા, પણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.

નરેન્દ્ર મોદી યુગની શરૂઆત

2001માં થયેલા ધરતીકંપ પછીની કેશુભાઈની નિષ્ક્રિયતા અને સંખ્યાબંધ પેટાચૂંટણીમાં ભાજપની હાર પછી તેમને હઠાવવામાં આવ્યા હતા.

સતત ત્રણ ટર્મ સુધી મુખ્ય મંત્રી રહ્યા બાદ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા અને આનંદીબહેન પટેલ ગુજરાતના પહેલા મહિલા મુખ્ય મંત્રી બન્યાં હતાં.

બે વર્ષ બાદ આનંદીબહેને મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું અને વિજય રૂપાણીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

આર્થિક રીતે પછાત વર્ગના લોકો અને પટેલ સમુદાયના સથવારે ભાજપે 1995માં સત્તા મેળવી હતી. ત્યાર પછી અત્યાર સુધીમાં ગુજરાતમાં ભાજપની સત્તા રહી છે.

2012માં શું થયું હતું?

2012માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 115 બેઠકો જીતી હતી, જ્યારે કૉંગ્રેસને 61 બેઠકો મળી હતી.

એ પછી 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની બોલબાલા રહી હતી અને તેણે ગુજરાતની તમામ એટલે કે 26 બેઠકો જીતી લીધી હતી.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 60 ટકા મત મળ્યા હતા.

1975 અને 1990 એમ માત્ર બે ચૂંટણીને બાદ કરીએ તો ગુજરાતના લોકોએ અત્યાર સુધી કોઈ પણ એક પાર્ટીને હંમેશાં સ્પષ્ટ બહુમતી આપી છે.

(આ અહેવાલ 2017માં પ્રકાશિત કરાયો હતો, જેને ફરી વાર પ્રકાશિત કર્યો છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો