ગુજરાત ચૂંટણીઓ : હાર્દિક પટેલના EVM અંગેના દાવામાં સત્ય કેટલું?

હાર્દિકનો ફોટો

ઇમેજ સ્રોત, FACEBOOk/Hardikpatel.official

ભાજપે ગુજરાત તથા હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો છે. ભાજપના સમર્થકોએ વિજયની ઉજવણી કરી છે.

બીજી તરફ કોંગ્રેસ સમર્થકોને લાગી રહ્યું છે કે પાર્ટીની હાર થઈ હોવા છતાંય રાહુલ ગાંધીએ કુશળ નેતૃત્વનો પરિચય આપ્યો છે.

જોકે, રાજકીય વર્તુળો તથા સોશિયલ મીડિયા પર ઈવીએમ(ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નો મુદ્દો ફરી ચર્ચામાં છવાયેલો રહ્યો હતો.

હાર્દિક પટેલે ચૂંટણી પરિણામ બાદ કહ્યું, "ગેરરીતિ આચરીને વિજય હાંસલ કર્યો છે. જો હેકિંગ ન થયું હોત તો ભાજપનો વિજય ન થયો હોત.

"વિપક્ષે ઈવીએમ હેકિંગ વિરુદ્ધ એક થવું જોઇએ. જો એટીએમ હેક થઈ શકે તો ઈવીએમ કેમ નહીં."

તમને આ પણ વાંચવું ગમશે

line

શું ઈવીએમ સાથે ચેડાં શક્ય?

ઈવીએમ સાથે ચૂંટણી અધિકારીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કોંગ્રેસના નેતા સંજય નિરુપમે પાર્ટીના વિજયની તરફેણમાં તેમના જ એક જૂના ટ્વીટને રી-ટ્વીટ કરતાં લખ્યું, "હું હજુ પણ મારા એ ટ્વીટ પર અડગ છું. જો ઈવીએમ સાથે ચેડાં ન થયા હોત તો કોંગ્રેસનો જ વિજય થયો હોત."

વર્ષ 2009માં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ઈવીએમ અંગે શંકા વ્યક્ત કરી હતી અને પરંપરાગત બૅલટપત્રો દ્વારા જ વોટિંગની માંગ કરી હતી.

જેવી રીતે ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ બાદ ઈવીએમ સાથે ચેડાંની ચર્ચા શરૂ થઈ હતી, તેવી જ રીતે ગુજરાત તથા હિમાચલ પ્રદેશના પરિણામો બાદ પણ ચર્ચા શરૂ થઈ છે.

એ સમયે માયાવતીએ ઈવીએમ સાથે ચેડાંના ગંભીર આરોપ મૂક્યા હતા.

મે 2010માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, ભારતના ઈવીએમને તેઓ હેક કરી શકે છે.

શોધકર્તાઓએ દાવો કર્યો હતો કે, મોબાઇલ ટેકસ્ટ મેસેજ દ્વારા પરિણામોમાં ફેરફાર કરી શકાય છે.

line

ઈવીએમની કડક ચકાસણી

ઈવીએમ સાથે ચૂંટણી અધિકારીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, પૂર્વ ચૂંટણી કમિશનર ટી.એસ. કૃષ્ણમૂર્તિ અલગ મત ધરાવે છે.

માર્ચ 2017માં તેમણે બીબીસી સંવાદદાતા માનસી દાશ સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું, "ભારતમાં જે મશીનોનો ઉપયોગ થાય છે તે ફૂલપ્રૂફ છે. તેને હેક કરી શકાય તેમ નથી.

"એવી શક્યતા રહે કે મશીન ચલાવનારી વ્યક્તિ તેને બરાબર રીતે ચલાવી ન શકે. પરંતુ મતદાન પૂર્વે તેની કડક ચકાસણી કરવામાં આવે છે.

અગાઉ પણ અનેક લોકોએ ઈવીએમ ચેડાંના આરોપ મૂક્યા હતા, પરંતુ કોર્ટમાં એ આરોપ સાબિત કરી શક્યા ન હતા અને સુપ્રીમ કોર્ટે આ કેસ કાઢી નાખ્યો હતો."

કેટલાક લોકોએ પેપર ટ્રેલની માંગ કરી હતી, હવે એ યુનિટ પણ જોડી દેવામાં આવ્યું છે.

line

હેકર્સ પણ સજ્જ

એક મતદાતાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

શારદા યુનિવર્સિટીમાં સંશોધન અને ટેકનિકલ વિકાસ વિભાગમાં પ્રાધ્યાપક અરુણ મહેતાના કહેવા પ્રમાણે, "ઈવીએમમાં પણ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ હોય છે અને તેને બદલી શકાય છે."

"આપ તેને વધુ સુદ્રઢ બનાવી શકો, પરંતુ એ પણ જોવું ઘટે કે હેકર્સ વધુ સજ્જ બની રહ્યા છે."

"ઈવીએમ મશીન બે પ્રકારનાં હોય છે. એક પ્રકારનાં મશીનમાં મતોની પુનઃગણતરી શક્ય નથી.

જ્યારે બીજા પ્રકારનાં મશીનમાં મતોની પુનઃગણતરી શક્ય છે."

"જૂના મશીનોનો વિરોધ થતાં તેનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો."

"હાલમાં જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પેપર ટ્રેલ યુનિટ લગાવવામાં આવ્યું છે. જેથી મતોની ફેર ગણતરી કરી શકાય."

જોકે, આ વ્યવસ્થામાં મતદારની ઓળખ છતી થઈ જાય છે.

ખુદ ચૂંટણી પંચે એક આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફોર્મેશન)નો જવાબ આપતાં આ બાબતનો સ્વીકાર કર્યો હતો.

પ્રો. મહેતાના કહેવા પ્રમાણે, "કોર્ટમાં 'ઈવીએમ હેક થઈ શકે' એમ કહેવા માત્રથી ન ચાલે. તેના પુરાવા પણ આપવા પડે અને આમ કરવું ખૂબ મુશ્કેલ છે."

"ઈવીએમની સિક્યુરિટી પર નજર રાખનારા ટેકનિકલ નિષ્ણાતો પણ માને છે કે મશીનોને હેક કરવા સામાન્ય વાત છે અને તે સાબિત પણ થઈ ગયું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો