ગુજરાત ચૂંટણી : પાટીદાર નેતા હાર્દિક પટેલના ગઢમાં ભાજપનો પરાજય

હાર્દિક પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલે પાટીદારોને ભાજપને મત નહીં આપવા આહ્વાન કર્યું હતું

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના હોમ ટાઉન વિરમગામની બેઠક પર કોંગ્રેસના લાખા ભરવાડનો 6548 મતોથી વિજય થયો છે.

ગુજરાતની ચૂંટણીમાં ભાજપને પડકાર આપનાર હાર્દિક પટેલ જ્યાં રહે છે, તે અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર સૌની નજર હતી.

તમામને સવાલ હતો કે હાર્દિક પટેલ ગુજરાતમાં ભાજપની સત્તાને ઉખાડી ફેંકવાની વાત કરે છે, પણ વિરમગામ બેઠક કોણ જીતશે?

હવે આખરે અહીંનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વિરમગામ બેઠક પર ભાજપ તરફથી તેજશ્રીબેન પટેલ ચૂંટણી લડ્યાં હતાં, પણ તેઓ કોંગ્રેસનાં વર્તમાન MLA (ધારાસભ્ય) હતા.

ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણીઓ પૂર્વે તેઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.

કોંગ્રેસે તેમની સામે ઓબીસી નેતા લાખા ભરવાડને મેદાને ઉતાર્યા હતા. લાખા ભરવાડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે.

line

વિરમગામમાં પાટીદાર-ઓબીસી મતદારોનું પ્રભુત્વ

હાર્દિક પટેલ અને તેમના માતા ઉષાબેનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ અને તેમના માતા ઉષાબેનની તસવીર

ગત 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેજશ્રીબેને ભાજપના નારણભાઈ પટેલને હરાવીને ચૂંટણી જીતી હતી, પણ આ વખતે તે ભાજપ તરફથી લડ્યાં હતાં.

2012ની ચૂંટણીમાં તેજશ્રીબેન પટેલે ભાજપના ઉમેદવારને હરાવી ચૂંટણી જીતીને સૌને ચોંકાવી દીધા હતા.

આ વખતે કોંગ્રેસના લાખા ભરવાડનો વિજય થયો છે.

line

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પણ વિરમગામના મતદાર

અલ્પેશ ઠાકોરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અલ્પેશ ઠાકોરનો રાધનપુર બેઠક પરથી વિજય થયો છે

પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતની રાજનીતિમાં એક અલગ પ્રકારના જ્ઞાતિ આધારિત રાજકારણની શરૂઆત કરનારા યુવા હાર્દિક પટેલના માતાપિતા વિરમગામમાં જ રહે છે.

જોકે, હાર્દિક પટેલ સતત ઘરથી દૂર રહે છે. વિરમગામમાં કુલ 2.71 લાખ મતદારો છે, જેમાંથી 1.83 લાખ મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો, એટલે કે 67.69 ટકા મતદાન થયું હતું.

અત્રે નોંધવું રહ્યું કે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ બન્ને વિરમગામના મતદાર છે અને અલ્પેશ ઠાકોરનો પણ રાધનપુરની બેઠક પરથી 14857 મતોથી વિજયી થયા છે.

અલ્પેશ ઠાકોરની સામે ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકી હતા, જેમનો પરાજય થયો છે.

પાટીદાર સમર્થકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપના ઉમેદવાર તેજશ્રીબેન પટેલ 2012 માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં

પાટીદાર નેતા હાર્દિક પટેલ મધ્યમવર્ગીય છે. ભારતના કાયદા મુજબ ચૂંટણી લડવા માટે હાર્દિકની ઉંમર હજી યોગ્ય નથી થઈ, પરંતુ પાટીદાર આંદોલન ચલાવનાર હાર્દિક માટે વિરમગામની બેઠક પણ એક રીતે પ્રતિષ્ઠાનો જંગ તરીકે જોવામાં આવી હતી.

વળી વિરમગામમાં રજપૂત સમુદાયના એક અપક્ષ ઉમેદવારે પણ ચૂંટણી લડી હતી. હાદિક પટેલના પોતાના ગઢ વિરમગામમાં પાટીદાર અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે.

line

વિરમગામ વિશે

અમદાવાદ જિલ્લામાં આવેલા વિરમગામમાં મારુતિ સુઝુકી અને જાપાનીઝ ઔદ્યોગિક પાર્કની સાઇટ આવેલી છે.

અમદાવાદ શહેરથી 60 કિમી દૂર આવેલા વિરમગામની સ્થાપના વિરમદેવ નામના રાજાએ કરી હતી.

સોલંકી યુગનું મુનસર તળાવ પણ અહીં જ આવેલું છે. સિદ્ધરાજ જયસિંહના માતા મિનળદેવીએ આ તળાવ બંધાવેલું હતું.

વિરમગામ મૂળભૂત સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરતું આવ્યું છે. તદુપરાંત વિરમગામના ઇતિહાસમાં રમખાણો પણ એક બાબત રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો