મૂડીઝ રેટિંગથી ગુજરાતની ચૂંટણીઓમાં મોદીને કેટલો લાભ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સમીર હાશ્મી
- પદ, ઇન્ડિયા બિઝનેસ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ
છેલ્લા એક વર્ષમાં સરકારે કરેલા આર્થિક સુધારને ધ્યાને લઈ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે 2004 બાદ પ્રથમ વાર ભારતનું રેટિંગ વધાર્યું છે અને કહ્યું કે આ આર્થિક સુધારા લાંબાગાળે ફાયદાકારક રહેશે.
એજન્સીએ ભારતનું રેટિંગ 'Baa3'થી સુધારી 'Baa2' કર્યું અને રેટિંગનું સ્ટેટસ પણ સ્થાયીથી વધારીને પોઝિટિવ કર્યું છે.
રોકાણના ગ્રેડિંગમાં બીજા ક્રમના સૌથી નીચા સ્તરથી એક સ્તરના આ સુધારે ભારતને ઇટલી અને ફિલિપાઇન્સની સમાંતર લાવી દીધું છે.
વિશ્લેષકોનું કહેવું છે કે નવા રેટિંગથી ધિરાણની કિંમત ઓછી થશે, જે ભારત સરકાર અને ભારતમાંની કંપનીઓ માટે રાહતપૂર્ણ રહેશે.
એટલું જ નહીં પણ એક રોકાણ માટે આકર્ષક દેશ તરીકેની તેની છબી પણ સુધારશે.
તમને આ પણ વાંચવું ગમશે

નરેન્દ્ર મોદી અને સરકાર માટે પ્રોત્સાહન

ઇમેજ સ્રોત, Getty Images
મૂડીઝનો નિર્ણય મોદી સરકાર અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક પ્રોત્સાહકજનક ઘટના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્રે નોંધવું કે મોદી સરકારે છેલ્લા એક વર્ષમાં સુધારા સંબંધિત કેટલાંક આકરાં પગલાં લીધાં હતાં.
તમને આ પણ વાંચવું ગમશે
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિશ્વ બેંકે 'ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' મામલેના તેના વાર્ષિક રેટિંગમાં ભારતને 30 ક્રમનો સુધાર આપ્યો હતો.
નાણામંત્રી અરૂણ જેટલીએ આ તકનો લાભ લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા. કેમ કે, વિપક્ષે જીએસટી અને નોટબંધી મુદ્દે મોદી સરકારની ભારે ટીકા કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જેટલીએ પત્રકાર પરિષદમાં કહ્યું, "જે લોકોનાં મગજમાં ભારતની સુધાર પ્રક્રિયાને લઈને શંકા છે, તેઓ હવે આત્મચિંતન કરશે"
ભારતનો આર્થિક વિકાસ દર ત્રણ વર્ષના તળિયે પહોંચી ગયો હતો., માં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપી 5.7 ટકા રહ્યો હતો.
જીડીપીની વૃદ્ધિ ધીમી પડવા પાછળ નોટબંધી અને જીએસટી મુખ્ય કારણો હતા.
મૂડીઝ અને વિશ્વ બેંક દ્વારા ભારતના રેટિંગમાં કરવામાં આવેલા સુધારથી શૅરબજારમાં તેની હકારાત્મક અસર થઈ જેમાં સેન્સેક્સ અને નિફ્ટી તેના અગાઉના સત્ર કરતા અનુક્રમે 235.98 અને 68.85 પોઈન્ટ્સનો કુલ વધારો નોંધાયો.

મૂડીઝનું રેટિંગ હકારાત્મક સંકેતો

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ સ્થિત બ્રોકરેજ કંપની જિયોજિત બીએનપી પરિબાસ કંપનીના ઉપ-પ્રમુખ ગૌરાંગ શાહનું કહેવું છે, "સરકારે કરેલા સુધારા મામલે આ સારા સંકેતો છે.
"એટલું જ નહીં પણ આંતરરાષ્ટ્રીય બજારે પણ સ્વીકાર્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે."
મોટાભાગના વિશ્લેષકો માને છે કે આ સુધારાઓને લીધે ટૂંકાગાળા માટે ભલે તકલીફો પડી, પરંતુ મૂડીઝનું રેટિંગ હવે આગામી હકારાત્મક સંકેતો સૂચવે છે.
શાહનું એવું પણ માનવું છે કે અન્ય એજન્સીઝ 'સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ' (S&P) અને ફિચ પણ આ પ્રકારનું જ રેટિંગ આપશે.
તેમણે ઉમેર્યું, "આગામી કેટલાક મહિનાઓમાં અન્ય એજન્સીઝ પણ તેમનું રેટિંગ સુધારશે."
છેલ્લે 'સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ' (S&P)એ ભારતનું રેટિંગ BBB યથાવત્ રાખ્યું હતું.
તે સૌથી નિમ્ન સ્તર કરતા માત્ર એક જ ક્રમ ઉપર હતું અને આ માટે ભારતની નાણાકીય સ્થિતિ એક ચિંતાજનક પરિબળ હોવાનું કારણ આપ્યું હતું.
ક્રિસિલ રેટિંગ એજન્સીના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસ કહે છે, "કેટલીક એજન્સીઝ બજેટ સુધી 'થોભો અને રાહ જુઓ'ની નીતિ આપનાવશે."

ક્યાં સુધી રહેશે પડકાર?

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ કેટલાક મોદી સરકારને આર્થિક સુધારને લીધે રેટિંગ વધ્યું હોવાનું માને છે, તો બીજી તરફ કેટલાકનું માનવું છે કે ભલે આ હકારાત્મક હોય, પણ હજી આગળ વધુ પડકારો છે.
અને આ પડકારોને અર્થવ્યવસ્થાની ઝડપથી વૃદ્ધિ માટે નિવારવા જરૂરી છે.
અર્થશાસ્ત્રી મદન સબનવીસ કહે છે,"એમાં કોઈ શંકા નથી કે નવું રેટિંગ એક મજબૂત આધાર છે, પરંતુ સરકારે તેનો આધાર લઈને અર્થવ્યવસ્થા સામેના અન્ય મોટા પડકારોને પાર પાડવા જોઈએ.
"રોજગારી અને ખાનગી ક્ષેત્રમાં રોકાણ જેવા મોટા પડકારો પર હવે ધ્યાન આપવું જોઈએ."

રોજગાર ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વિકાસ અને સમૃદ્ધ અર્થવ્યવસ્થાના વાયદા સાથે સત્તામાં આવ્યા હતા.
તેમની ચૂંટણી પ્રચાર વખતે મુખ્ય મોટી વાત રોજગારીની કરી હતી.
જોકે, સરકારને ત્રણ વર્ષ વીતી ચૂક્યા છે તેમ છતાં સરકાર રોજગારી સર્જવાના મામલે સંઘર્ષ કરી રહી છે.
દર વર્ષે માગ અનુસાર, ભારતમાં 1.2 કરોડ નોકરીઓની જરૂર છે અને સરકાર તેમાં સફળ નથી થઈ રહી હોવાથી આ આંકડો હજી વધશે.
ગુજરાત ચૂંટણીમાં પ્રચાર વેળા રાહુલ ગાંધી સતત માદી સરકાર પર આ મામલે પ્રહાર કરતા રહ્યા છે.

'બૅડ લોન'ના બોજ ઘટાડવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
બેંકોમાં સરકારનું ફરી ભંડોળ નાંખવાનો કાર્યક્રમ આના સુધાર માટેનું જ એક પગલું છે.
મોદી સરકાર 'બૅડ લોન'ના બોજ હેઠળની જાહેર ક્ષેત્રની બેંકો માટે 2.11 લાખ કરોડનું ભંડોળ ફાળવશે.
આ બોજને લીધે ધિરાણના પ્રવાહને ફટકો પડ્યો હતો અને ધિરાણનો વૃદ્ધિ દર 25 વર્ષના તળિયે પહોંચી હયો હતો.
સરકાર આમાંની બે-તૃતીયાંશ રકમ બૉન્ડ્સ દ્વારા ઊભી કરવા માગે છે, જ્યારે બાકીની રકમ બજેટની ફાળવણીની જોગવાઈમાંથી આવશે.
યસ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી શુભદા રાવએ કહ્યું, "બેંકોમાં આ ભંડોળથી ધિરાણની વૃદ્ધિ અને ખાનગી ક્ષેત્ર સંબંધિત રોકાણ જેવા પડકારો સામે મદદરૂપ થશે."
તેમણે ઉમેર્યુ,"આ પરસ્પર અસર કરતા ચક્રને અટકાવવું સરળ નહીં રહે, પણ સરકાર આ પ્રકારનું વાતાવરણ ઉભું કરવા પ્રયાસ કરી રહી છે."
વિશ્લેષકો કહે છે, જો બેંકો વધુ ધિરાણ આપવાની સ્થિતિમાં હશે તો પછી વધુ રોકાણ સર્જાશે અને તેનાથી રોજગારીનું સર્જન થશે.

ગુજરાતની વિધાનસભા ચૂંટણી પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
આ નવા રેટિંગ અને માહોલથી ચૂંટણીમાં કોઈ નોંધપાત્ર અસર થશે એવું લાગતું નથી.
રેટિંગમાં સુધારો અને 'ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' મામલે સુધાર નાણાકીય બજાર માટે સારા સમાચાર છે, પરંતુ ગુજરાતની ચૂંટણી પર તેની અસર નહીં થશે. કેમ કે, તેમાં સ્થાનિક મુદ્દા અસર કરતા હોય છે.
જોકે, કેટલાક વિશ્લેષકોને લાગે છે કે ભાજપને આનાથી લાભ થશે. તે રાજ્યમાં બે દાયકાથી સત્તામાં હોવાથી તેને લાભ થઈ શકે છે.
જિયોજિત બીએનપી પરિબાસ કંપનીના ઉપ-પ્રમુખ ગૌરાંગ શાહ આ મામલ કહે છે,"આ પ્રકારના રેટિંગ અને અન્ય બાબતો ચૂંટણીમાં પ્રત્યક્ષ રીતે અસર નહીં કરે. જોકે, પ્રચાર દરમિયાન એક હકારાત્મક ચર્ચા જરૂર જગાવી શકે છે."
ગુજરાતની ચૂંટણીમાં જે પણ પરિણામ આવે પણ રેટિંગમાં સુધારો વડાપ્રધાન માટે ક્રિસ્મસની ગિફ્ટ છે.
કેમ કે, છેલ્લા કેટલાક સમયથી તે આર્થિક વૃદ્ધિમાં ઘટાડો અને જીએસટીના આમલીકરણ મુદ્દે ટીકાનો સામનો કરી રહ્યા હતા. આથી આ રેટિંગની બાબત તેમના માટે સારા સમાચાર છે.
આમ નરેન્દ્ર મોદીની 'અર્થવ્યવસ્થાને તારનાર' તરીકેની છબી પ્રસ્થાપિત કરવા આ બધા પરિબળ ભાજપને મદદરૂપ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












